મહિલા અને બાળ વિકાસ મંત્રાલય

સ્વસ્થ બાળકો સાથે સ્વસ્થ અને સ્વાવલંબી મહિલાઓ રાષ્ટ્રની શક્તિ છે: કેન્દ્રીય મંત્રીશ્રી સ્મૃતિ ઈરાની


પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૮ વર્ષના શાસનકાળમાં બાળકો અને મહિલાઓ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી

Posted On: 10 JUN 2022 8:38PM by PIB Ahmedabad

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ પોતાના બે દિવસના કચ્છ પ્રવાસની શરૂઆત સુપોષિત કીટ વિતરણ સમારોહથી કરી હતી. ભુજના ટાઉનહોલ મધ્યે સમારોહને દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકતા કેન્દ્રીય મંત્રીશ્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, સ્વસ્થ બાળકો તેમ જ સ્વસ્થ અને સ્વાવલંબી મહિલાઓ રાષ્ટ્રની શક્તિ છે. મંત્રીશ્રી ઈરાનીએ  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે ૮ વર્ષના શાસનકાળમાં બાળકો અને મહિલાઓ માટે કાર્યરત કરાયેલ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આજે દેશમાં ૧૭ લાખ સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા ૭ કરોડ મહિલાઓને સ્વરોજગાર અર્થે ૫ લાખ કરોડ રૂ.નું ધિરાણ અપાયું છે. જેના થકી મહિલાઓ સ્વરોજગાર સાથે સ્વમાનભેર જીવન જીવી રહી છે.

તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે ૨ કરોડ ૧૭ લાખ ગર્ભવતી  મહિલાઓના સ્વાસ્થ્ય માટે ૧૦,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ૧૧ કરોડ શૌચાલય બનાવી મહિલાઓની સુરક્ષિતા અને સન્માનનું ધ્યાન રાખ્યું છે. આયુષ્યમાન ભારત યોજનાને કારણે મહિલાઓમાં સ્વાસ્થ્ય માટે જાગૃતિ આવી છે. અત્યાર સુધી ૭ કરોડ મહિલાઓએ સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સરની નિદાન અને સારવારનો લાભ લીધો છે.

તેમણે કહ્યું હતું કે આજે 'સહી પોષણ, દેશ રોશન' અંતર્ગત સરકાર સાથે સમાજની પહેલ થકી ગુજરાતમાં ૩૩ હજાર કુપોષિત બાળકોને દત્તક લેવામાં આવ્યા છે. આજે ૧ રૂ. માં મહિલાઓને સેનેટરી પેડ મળી રહે એવી વ્યવસ્થા કેન્દ્ર સરકારે ઊભી કરી છે. કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી સ્મૃતિ ઈરાનીના હસ્તે કચ્છ જિલ્લાની આંગણવાડીઓના 1400 બાળકો માટે સુપોષિત કીટનું વિતરણ કરાયું હતું. જ્યારે 326 ગંગા સ્વરૂપ આર્થીક સહાય યોજનાના મંજુરી હુકમ અપાયા હતા. તે ઉપરાંત 216 વ્હાલી દિકરી યોજનાના મંજુરી હુકમનું વિતરણ કરાયું હતું. 

કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, આઈસીડીએસના ઈરાબેન ચૌહાણે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. સુપોષિત કીટ અર્પણ કરતી વખતે મંત્રીશ્રી ઈરાનીએ કુપોષિત બાળકો અને તેમની માતાઓને નિહાળી ભાવુક બન્યા હતા અને તેમને વ્હાલ પૂર્વક સુપોષણની વાત કરી હતી.

SD/GP/JD



(Release ID: 1833032) Visitor Counter : 188