નાણા મંત્રાલય

‘રાષ્ટ્ર નિર્માણમાં કેન્દ્રીય જાહેર સાહસોના યોગદાન’ અંગેના ભવ્ય પ્રદર્શન અને પરિષદનો મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય નાણાં મંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રીનાં હસ્તે આરંભ


રાષ્ટ્રના બહુઆયામી વિકાસમાં જાહેર સાહસોનું અમૂલ્ય યોગદાનઃ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ

સોલાપુર સ્થિત એનટીપીસી તથા બેંગલુરુ સ્થિત ભારત ઇલેક્ટ્રોનિક્સ લિ.ની વસાહતોનું ‘મિનિ સ્માર્ટ સિટી’ તરીકે વર્ચ્યુઅલી લોકાર્પણ

Posted On: 09 JUN 2022 4:22PM by PIB Ahmedabad

ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા દેશભરમાં ૬ થી ૧૨ જૂન દરમિયાન આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે આઇકોનિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.આના ભાગરૂપે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજીત રાષ્ટ્ર નિર્માણમાં કેન્દ્રીય જાહેર સાહસોના યોગદાનઅંગેના ભવ્ય પ્રદર્શન અને પરિષદનો કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં હસ્તે આરંભ થયો છે.

આ પ્રસંગે પરિષદને સંબોધતા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, રાષ્ટ્રના બહુઆયામી વિકાસમાં જાહેર સાહસોનું અમૂલ્ય યોગદાન છે. ભારત સંસ્થાન વાદી શાસનમાંથી આઝાદી મેળવ્યાના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે છેલ્લા ૭૫ વર્ષોમાં રાષ્ટ્રના વિકાસમાં સેવારત જાહેર સાહસોની પ્રગતિ દર્શાવવા માટે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ સંસ્થાઓને દેશના વિકાસમાં આપેલ યોગદાનને દર્શાવવાની તક મળી છે.નાણા મંત્રીએ વધુમાં કહ્યું કે, જાહેર સાહસોની શરૂઆત ખૂબ જ સ્પષ્ટ સમજણ સાથે કરવામાં આવી હતી કે લાંબાગાળાના રોકાણો સાથે માળખાકીય વિકાસમાં યોગદાન આપે. પરંતુ એ સમયે માત્ર વસાહતી શાસનમાંથી બહાર આવેલા દેશ માટે જ્યાં સુધી સરકાર પોતે રોકાણ અને ક્ષમતાઓનું નિર્માણ ન કરે ત્યાં સુધી લાંબા ગાળાના પ્રોજેક્ટ્સ શક્ય ન હતા. ૧૯૪૭થી જાહેર સાહસોની સફર શરૂ થઈ અને આજ સુધી ભારતીય અર્થતંત્રને ઊંચુ લાવવામાં અવિરત પોતાનું યોગદાન આપતા રહ્યાં છે. વૈશ્વિકીકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણને પરિણામે દેશના ઉદ્યોગ સાહસિકોને રાષ્ટનિર્માણમાં પોતાનું યોગદાન આપવાની ઉત્તમ તક મળી છે.

ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરની આ કાર્યક્રમ માટે પસંદગી કરવા બદલ કેન્દ્રીય નાણામંત્રી અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.આ કાર્યક્રમ દેશના જાહેર સાહસોને-પબ્લીક સેક્ટર એન્ટરપ્રાઇઝિસને દેશની પ્રગતિ અને વિકાસ માટે સહિયારા પગલા ભરવાની પ્રેરણા આપશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રીના દિશાદર્શનમાં ભારતે સંયુક્ત અર્થતંત્ર અપનાવ્યું છે. આ માળખાની વિશેષતા એ છે કે તેમાં પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટર એમ બંનેને મહત્વની ભૂમિકા નિભાવવાની તક મળે છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવની પાંચ થીમ, ફ્રિડમ સ્ટ્રગલ, આઇડિયાઝ @75, રીસોલ્વ @75, એક્શન@75 અને એચિવમેન્ટ@75 તે બધી જ થીમ CPSEs અને PSEs સાથે સુસંગત રીતે જોડાયેલી છે.આવા પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ દેશમાં પ્રાથમિક ક્ષેત્રથી માંડીને સેવા ક્ષેત્રમાં યોગદાન આપી વિકાસની ગતિ, આત્મનિર્ભરતાની દિશા વધુ તેજ બનાવે છે, તેવો મત શ્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ આ પરિષદમાં સહભાગી થઇ રહેલા વિવિધ CPSEsના CEOsને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ની અવશ્ય મુલાકાત લેવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

કેન્દ્રીય નાણા મંત્રી અને મુખ્યમંત્રીએ મહારાષ્ટ્રના સોલાપુર સ્થિત એનટીપીસી તથા કર્ણાટકના બેંગલુરુ સ્થિત ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની વસાહતોનું મિનિ સ્માર્ટ સિટીતરીકે વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું. આ મિનિ સ્માર્ટ સિટીમાં સોલર પ્લાન્ટ દ્વારા વીજ જરુરિયાત પૂરી કરવાની સાથે વીજળી બચત માટે એલઈડી લાઈટ્સ તેમજ એલઈડી સ્ટ્રીટ લાઈટ્સનો ઉપયોગ થયો છે. અન્ય સુવિધાઓમાં અત્યાધુનિક વાહન સ્કેનિંગ સિસ્ટમ, સ્પીડ નિયંત્રણ પોઈન્ટ, સુરક્ષા માટે સીસીટીવી કેમેરા, વગેરેનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના જાહેર સાહસો વિભાગના ઉચ્ચ અધિકારીઓ, રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ અને ૭૫ જેટલા કેન્દ્રીય જાહેર સાહસોની સંસ્થાઓના પ્રતનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી દેશમાં ઉજવાઈ રહેલા આઝાદીના અમૃત મહોત્સવ- સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ પ્રદર્શન ભારત સરકારના નાણાં મંત્રાલયનાં ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝિસ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. જે 10 થી 12 જૂન સુધી જાહેર જનતા માટે ખૂલ્લુ મુકવામાં આવ્યું છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1832628) Visitor Counter : 175