રેલવે મંત્રાલય

રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે સુરતમાં બુલેટ ટ્રેન પરિયોજનાની કામગીરીનું નિરીક્ષણ કર્યું


રેલવે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ પણ જોડાયાં

બુલેટ ટ્રેનનું કામ માસિક 12 કિમીના ધોરણે થઈ રહ્યું છે એ બહુ મોટી વાત: રેલવે મંત્રી

‘’સુરત રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટની ડિઝાઇન તૈયાર, દિવાળી સુધીમાં કામ શરૂ થઈ જશે, ઉધના સ્ટેશનનું કામ પણ જલદી શરૂ થશે’’

બુલેટ ટ્રેનમાં અત્યાધુનિક ભૂકંપ પ્રતિરોધક ટેકનોલોજીનો ઉપયોગ

Posted On: 06 JUN 2022 7:27PM by PIB Ahmedabad

રેલવે, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન અને માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આજે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વક્તાણા ગામે, મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરના સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડ (@ Ch. ૨૫૪)ની મુલાકાત લઈને બુલેટ ટ્રેન પરિયોજનાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સતિષ અગ્નિહોત્રીએ રેલવે મંત્રીશ્રીને ૨૨ એકર વિસ્તારમાં વિકસાવવામાં આવેલા સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડની સમગ્રલક્ષી કાર્યપદ્ધતિથી માહિતગાર કર્યા હતા. રેલવે મંત્રીએ નિર્માણાધીન અંત્રોલી રેલવે સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી  શ્રીમતી દર્શના જરદોશ પણ આ મુલાકાતમાં જોડાયાં હતાં.

બુલેટ ટ્રેનની કામગીરીનું નિરીક્ષણ કર્યા બાદ સુરતમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી વૈષ્ણવે કહ્યું કે સમગ્ર વિશ્વની નજર જેના પર છે એ દેશના સૌ પ્રથમ એવા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી અત્યારે એક લાખ રોજગારીનું નિર્માણ થયું છે. નિર્માણકાર્યની પ્રગતિ ખૂબ સરસ છે, વાપીથી અમદાવાદ સુધીના 350 કિમીના સેક્શન પર, 160 કિમીમાં આજે કામ ઝડપભેર ચાલી રહ્યું છે, આશરે 60 કિમી રૂટ પર પિલર્સ લાગી ચૂક્યા છે. 6 કાસ્ટિંગ યાર્ડ્સમાં એકદમ અત્યાધુનિક ટેકનોલોજીથી કામ ચાલી રહ્યું છે. મંત્રીશ્રીએ કહ્યું કે હિંદુસ્તાનમાં આ પ્રકારનું જટિલ નિર્માણ કાર્ય પહેલીવાર થઈ રહ્યું છે અને એમાં સુરતે આગેવાની લીધી છે. પહેલાં જે મશીનો વિદેશથી આવ્યા હતા એ હવે આપણે ત્યાં ચેન્નાઇ, સુરતનાં મશીનો પર કામ ચાલી રહ્યું છે એ ગર્વ લેવા જેવી વાત છે.

શ્રી વૈષ્ણવે કહ્યું કે વિશ્વમાં જ્યાં પણ બુલેટ ટ્રેન આવી છે એ વિસ્તારનો અદભુત વિકાસ થયો છે. એ પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના લોકો પણ આ પરિયોજના ઇચ્છે છે, રાજ્ય સરકાર ઇચ્છતી નથી, પણ વાંધો નહીં આવે એવી ટિપ્પણી તેમણે ગુજરાતીમાં કરી હતી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર અત્યારે માસિક 12 કિમીના ધોરણે કાર્ય થઈ રહ્યું છે અને એ પણ બહુ મોટી વાત છે. બીલીમોરા-સુરત સેક્શન ઑગસ્ટ 2026 સુધીમાં શરૂ કરવાનો લક્ષ્યાંક છે.

તેમણે એવી પણ માહિતી આપી કે બુલેટ ટ્રેન માટે ભૂકંપ પ્રતિરોધક એવી અત્યાધુનિક સિસ્મિક એબ્સોર્બર્સ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે.

રેલવે મંત્રીએ માહિતી આપી કે ગાંધીનગર અને ભોપાલ રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટથી દેશને પહેલી વાર પુનર્વિકાસનો અનુભવ મળ્યો છે અને એના આધારે સમગ્ર દેશમાં 30 રેલવે સ્ટેશનો ઝડપથી રિડેવલપ કરાશે. આ હેઠળ સુરત રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ માટે ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે, સુરતનાં સાંસદ અને રેલવે રાજ્ય મંત્રી શ્રીમતી જરદોશે ખાસ રસ લીધો છે. જુલાઇ સુધીમાં ટેન્ડરિંગ થઈ જશે અને દિવાળી સુધીમાં કામ ચાલુ થવાની અપેક્ષા છે. એવી જ રીતે ઉધના રેલવે સ્ટેશન માટે ટેન્ડરિંગ થઈ ગયું છે અને જલદી કાર્ય શરૂ થઈ જશે.

તેમણે કહ્યું કે કોરોનાકાળમાં બંધ થયેલી મોટા ભાગની ઉતારૂ ટ્રેનો પૂર્વવત ચાલુ કરી દેવામાં આવી છે. વંદે ભારત ટ્રેન એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વિઝન છે કે ભારતમાં તૈયાર કરીને વિશ્વ સ્તરની ટ્રેન શરૂ કરવી. વંદે ભારત વર્ઝન 2 ખૂબ સરસ તૈયાર થઈ છે અને 15 ઑગસ્ટ પહેલાં પ્રાયોગિક ધોરણે એ શરૂ થશે અને ઑક્ટોબરથી દર મહિને દેશમાં ચાર-પાંચ વંદે ભારત ટ્રેનો બનીને તૈયાર થશે જેનો લાભ ગુજરાતને પણ મળવાનો છે.

શ્રી વૈષ્ણવે બુલેટ ટ્રેન પરિયોજનાના શ્રમિકો સાથે કરેલી વાત ટાંકતા કહ્યું કે શ્રમિકોને પૂછતા સૌએ સંતોષ વ્યક્ત કર્યો કે તેમને રસીના બેઉ ડૉઝ નિ:શુલ્ક મળી ગયા છે અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત અનાજ પણ મળે છે. સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણનાં આઠ વર્ષની આ મોટી સિદ્ધિ છે.

SD/GP/JD



(Release ID: 1831628) Visitor Counter : 121