ગૃહ મંત્રાલય

ખેડા ખાતે 348 કરોડના ખર્ચે તૈયાર થયેલા ગુજરાત પોલીસના રહેઠાણ અને બિન રહેઠાણ આવાસોનું લોકાર્પણ કરતા દેશના ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ


Posted On: 29 MAY 2022 4:26PM by PIB Ahmedabad

આઝાદ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ૬૦૦થી વધુ રજવાડાઓનું એકીકરણ કરી અખંડ ભારતને ફરી કલ્પનાને સાકાર કરનાર લોહપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું સ્મરણ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી સંબોધનની શરૂઆત કરતા શ્રી અમિતભાઇ શાહ

2001 શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારથી આજે 2022માં શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના કાર્યકાળ સુધી 3840 કરોડ રૂપિયાના ખર્ચે 31,146 જવાનોને રહેવાના મકાન આપવાનું કાર્ય ગુજરાત સરકારે કર્યું છે: શ્રી અમિતભાઇ શાહ

ભારત સરકારે NCBના માધ્યમથી રાજ્યોની પોલીસને સાથે રાખી પ્રતિબંધિત નાર્કોટિક પદાર્થોને પકડવાનું એક અભિયાન ચાલુ કર્યું હતું તે અંતર્ગત નાર્કોટિક્સની દાણચોરી પકડવામાં ગુજરાત નંબર વન ૫ર હોવાનું જણાવતા શ્રી અમિતભાઇ શાહ

દેશની પોલીસની દેશભક્તિ, કુનેહ, મહેનત અને ફરજનિષ્ઠાએ દેશને હાનિ પહોંચાડનારા અનેક ષડ્યંત્રો નિષ્ફળ બનાવ્યા છે.:-શ્રી અમિતભાઇ શાહ

દેશના નાગરિકોની સુરક્ષા, સલામતી માટે પોતાના જીવનનું બલિદાન આપનાર પોલીસના ૩૫ હજારથી વધુ શહીદ જવાનોને મનપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવતા શ્રી અમિતભાઇ શાહ

શહીદ થયેલા પોલીસ જવાનના પરિવારની ક્ષતિ પૂરી કરવી અસંભવ છે, પણ દેશના ઇતિહાસમાં પ્રત્યેકે શહીદ જવાનના બલિદાનને સુવર્ણ અક્ષરે લખાશે: શ્રી અમિતભાઇ શાહ

પોલીસ જવાનોને વધુ અસરકારક સાથે કાર્ય કરવા માટે સુવિધા ઉપલબ્ધ કરાવવાની ચિંતા ગુજરાત સરકાર સતત કરી રહી છે તે બદલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને હૃદયપૂર્વક અભિનંદન પાઠવતા શ્રી અમિતભાઇ શાહ

રક્ષાબંધન હોય, દિવાળી હોય, હોળી હોય, રથયાત્રા હોય કે કોઇ પણ તહેવાર હોય પોલીસ દળનો જવાન તહેવાર માનવવાના સ્થાને રોડ પર ડ્યુટી બજાવે છે, રાજ્યની કાયદો વ્યવસ્થાની સ્થિતિને સંભાળે છે: શ્રી અમિતભાઇ શાહ

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શક્તિ પંચામૃત એટલે કે જ્ઞાન શક્તિ, રક્ષા શક્તિ, જળ શક્તિ, જન શક્તિ, ઊર્જા શક્તિ ના આધારે ગુજરાતના વિકાસનો પાયો નાખ્યો છે: -શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

આજરોજ ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ દેશના ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહે ખેડા ખાતે 348 કરોડના ખર્ચે તૈયાર થયેલા ગુજરાત પોલીસના રહેઠાણ અને બિન રહેઠાણ આવાસોનું લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે સંબોધન કરતાં કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે તેમના સંબોધનની શરૂઆત આઝાદ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ૬૦૦થી વધુ રજવાડાઓનું એકીકરણ કરી અખંડ ભારતને ફરી કલ્પનાને સાકાર કરનાર લોહપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું સ્મરણ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ પર આવીને હંમેશા નવી ચેતના અને ઊર્જા પ્રાપ્ત થાય છે. આપણો દેશ આઝાદ થયો ત્યારથી સમગ્ર દેશની પોલીસ દેશની આંતરિક સુરક્ષા માટે કટિબદ્ધ છે. અનેક પડકારો  હોવા છતાં સમય સાથે પોલીસે પોતાને અપગ્રેડ કરી દેશ તોડવાના મનસૂબા લઈ ષડયંત્રો કરનારા અનેક લોકોને જેલના સળીયા પાછળ ધકેલાયા છે.

શ્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે, દેશની પોલીસની દેશભક્તિ, કુનેહ, મહેનત અને ફરજનિષ્ઠાએ દેશને હાનિ પહોંચાડનારા અનેક ષડ્યંત્રો નિષ્ફળ બનાવ્યા છે. દેશના નાગરિકોની સુરક્ષા કરતા, કાયદો વ્યવસ્થાની સ્થિતિની જાળવણી કરતા ૩૫ હજારથી વધુ પોલીસના જવાનોએ પોતાના જીવનનું સર્વોચ્ચ બલિદાન ભારતમાતા માટે આપ્યું છે. દેશના નાગરિકોની સુરક્ષા, સલામતી માટે પોતાના જીવનનું બલિદાન આપનાર પોલીસના ૩૫ હજારથી વધુ શહીદ જવાનોને મનપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું. શહીદ થયેલા પોલીસ જવાનના પરિવારની ક્ષતિ પૂરી કરવી અસંભવ છે, પણ દેશના ઇતિહાસમાં પ્રત્યેકે શહીદ જવાનના બલિદાનને સુવર્ણ અક્ષરે લખવામાં આવશે.

શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે આજે ૩૪૮ કરોડના ખર્ચે પોલીસના રહેણાંક તેમજ બિન રહેણાંક જેવા કે આઈબી ઓફિસ, પોલીસ ડિસ્પેન્સરી, પોલીસ સ્ટેશન, પોલીસ બેરેક, સ્પોર્ટ્સ ફેસિલિટી, વાયરલેસ વર્કશોપ મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ ના મકાનો, ડોક કેનાલ સહિતના વિવિધ પ્રકલ્પનું લોકાર્પણ થયું છે. પોલીસ જવાનોને વધુ અસરકારક સાથે કાર્ય કરવા માટે સુવિધા ઉપલબ્ધ કરાવવાની ચિંતા ગુજરાત સરકાર સતત કરી રહી છે તે બદલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. 2001 શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારથી આજે 2022માં શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના કાર્યકાળ સુધી 3840 કરોડ રૂપિયાના ખર્ચે 31,146જવાનોને રહેવાના મકાન આપવાનું કાર્ય ગુજરાત સરકારે કર્યું છે.

શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે રક્ષાબંધન હોય, દિવાળી હોય, હોળી હોય, રથયાત્રા હોય કે કોઇ પણ તહેવાર હોય પોલીસ દળનો જવાન તહેવાર માનવવાના સ્થાને રોડ પર ડ્યુટી બજાવે છે, રાજ્યની કાયદો વ્યવસ્થાની સ્થિતિને સંભાળે છે. પોલીસના જવાનોનો ત્યાગ, બલિદાન અને યોગદાન સર્વે વિભાગના કર્મચારીઓમાં સૌથી વધારે છે. ગૌરવની બાબત છે કે દેશભરમાં પોલીસ સેટીસફેક્શન રેશિયોમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. પોલીસના હિતોનું રક્ષણ કરવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસે વર્ષો સુધી સમાજ ને અંદરો અંદર લડાવવાનું કામ કર્યું, કોમી તોફાનો ફેલાવવાનું કામ કર્યું, કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી કરવાનું કામ કર્યું. શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પહેલા ગુજરાતમાં વર્ષના 365 માંથી 200 દિવસ કર્ફ્યું રહેતો. વ્યાપાર, કારખાના, બેંકો અનેક દિવસો સુધી બંધ હોવાના કારણે અર્થવ્યવસ્થા પર તેની નકારાત્મક અસર પડતી. કોંગ્રેસના શાસનમાં રથયાત્રામાં છાશવારે હુમલા કરવામાં આવતા પણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી રથયાત્રામાં હુમલો કરવાની કોઇની હિંમત નથી.

શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાતને સુરક્ષિત કરવાની શરૂઆત કરી અને આજે ગુજરાત સરહદી રાજ્ય હોવા છતાં શાંતિ સ્થાપવામાં ગુજરાતે સફળતા પ્રાપ્ત કરી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને સુરક્ષિત કરવા ચાલુ કરેલી પરંપરા આજે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી આગળ વધારી રહ્યા છે. ભારત સરકારે NCBના માધ્યમથી બધા રાજ્યોની પોલીસને સાથે રાખી પ્રતિબંધિત નાર્કોટિક પદાર્થોને પકડવાનું એક અભિયાન ચાલુ કર્યું હતું ત્યારે કહેતા આનંદ થાય છે કે નાર્કોટિક્સની દાણચોરી પકડવામાં ગુજરાત નંબર વન છે. ગુજરાતની પોલીસ, ચેતક કમાન્ડો ફોર્સ, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ, કોસ્ટલ પોલીસ તેમજ મરીન ટાસ્ક ફોર્સ આતંકવાદીઓ, દેશવિરોધી તત્ત્વો, કોમી તોફાન ફેલાવનાર, દાણચોરી અને ગુસપેઠ કરનાર તત્વોની સામે લડવા અને પ્રત્યેક પડકાર ઝીલવા કટિબદ્ધ છે. તેમણે અંતમાં જણાવ્યું હતું કે, ઘણા વર્ષો સુધી ગુજરાતની પોલીસ સાથે આત્મીયતાથી કામ કરવાનો અવસર મળ્યો છે તે વાતનો મને આનંદ છે અને આજના કાર્યક્રમમાં આમંત્રિત કરવા બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના આહવા થી અરવલ્લી અને છોટાઉદેપુરથી કચ્છ સુધી 21 જિલ્લામાં પોલીસ વિભાગ માટે રહેણાંક સહિત અન્ય સુવિધાઓનું લોકાર્પણ રાજ્ય પોલીસ દળને વધુ સુદ્રઢ અને સુવિધાયુક્ત બનાવશે તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. કોઈ પણ દેશ રાજ્ય કે સમાજના વિકાસમાં મુખ્ય ચાલકબળ શિક્ષણ સ્વાસ્થ્ય અને સુરક્ષા છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શક્તિ પંચામૃત એટલે કે જ્ઞાન શક્તિ, રક્ષા શક્તિ, જળ શક્તિ, જન શક્તિ, ઊર્જા શક્તિના આધારે ગુજરાતના વિકાસનો પાયો નાખ્યો છે. ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ, ઠંડી, ગરમી કે વરસાદમાં દિવસ-રાત જોયા વગર ફરજ નિભાવતા પોલીસ પરિવાર ને આભારી છે. રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર પોલીસ દળના આધુનિકરણ માટે તેમજ ટેક્નોસેવી વ્યવસ્થા ઊભી કરવા માટે કટિબદ્ધ છે.

આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ, રાજ્ય સરકારના મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ, શ્રીમતી મનીષાબેન વકીલ, રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી, ગુજરાતનના ડીજીપી શ્રી રાજીવ ભાટીયા ,ધારાસભ્યશ્રીઓ તેમજ સબંધિત અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના ૨૫ જિલ્લાઓમાં આજના આ કાર્યક્રમને નિહાડવાનું આયોજન ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતા જ્યાં સ્થાનિક ચૂંટાયેલા સભ્યો અને અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

SD/GP/JD



(Release ID: 1829199) Visitor Counter : 149