કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય
કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે અમદાવાદમાં સ્ટાર્ટઅપ, ઉદ્યોગસાહસિકો અને વિદ્યાર્થીઓને નવા ભારત અંગે પ્રધાનમંત્રીની દૂરંદેશી વિશે માહિતી આપી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનકાળના 8 વર્ષે ભારત નબળી અને ઉણપો ભરેલી લોકશાહી હોવાની તમામ વાતોનું ખંડન કર્યું છે: રાજીવ ચંદ્રશેખર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નવા ભારતમાં સૌના માટે તકો છે: રાજીવ ચંદ્રશેખર
ડિજિટલ ઇન્ડિયા સ્ટાર્ટઅપ હબ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે
Posted On:
22 MAY 2022 5:04PM by PIB Ahmedabad
કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને IT તેમજ કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે ગુજરાત યુનિવર્સિટી ખાતે ‘યુવા ભારત માટે નવું ભારત: તકોનો ટેકેડ’ વિષય પર વાત કરતી વખતે કહ્યું હતું કે, “ભારતમાં હવે સફળ થવા માટે તમારી પાસે પ્રખ્યાત અટક હોવી જરૂરી નથી. માત્ર સખત પરિશ્રમ, નક્કર કામગીરી અને આવિષ્કાર જ તમારી સફળતા નિર્ધારિત કરે છે. મેં મારી ઉદ્યોગસાહસિકતાની સફર ક્યારે શરૂ કરી એની સાથે કોઇ લેવાદેવા નથી. આ નવું ભારત છે જેનું નિર્માણ નરેન્દ્ર મોદીજી કરી રહ્યા છે. 2014 પહેલાં, ઉદ્યોગસાહસિકતા કાયદો અથવા અથવા માપદંડના બદલે માત્ર એક અપવાદરૂપ હતી. યુવા ભારતીયોને સફળ થવા માટે અત્યારે જેટલો યોગ્ય સમય છે તેવો સમય પહેલાં ક્યારેય નહોતો. આ સ્થિતિ નરેન્દ્ર મોદી સરકાર અને ગુજરાત સરકારની સક્રિય નીતિઓને આભારી છે.”
યુવા સ્ટાર્ટઅપ, ઉદ્યોગસાહસિકો, વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના ફેકલ્ટી સહિત ખીચોખીચ ભરેલા ઓડિટોરિયમમાં મંત્રીશ્રીએ એક મજબૂત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. મંત્રીએ કેવી રીતે મોદી સરકારના 8 વર્ષમાં ભારત અંગે પરંપરાગત રીતે માનવામાં આવતી અવધારણાને દૂર કરી છે તે બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, “ઘણા સમય પહેલાં, ભારતની લોકશાહી ભ્રષ્ટાચાર અને સિસ્ટમમાં મોટી ઉણપો સાથે સંકળાયેલી હતી. 80ના દાયકામાં એક પ્રધાનમંત્રી હતા જેમણે પોતે જ જાણીતું નિવેદન આપ્યું હતું કે દિલ્હીથી લાભાર્થીને મોકલવામાં આવતા દર 100 પૈસામાંથી માત્ર 15 પૈસા જ તેમના સુધી પહોંચે છે. આ કહેવાતી નબળી અને ઉણપો વાળી સિસ્ટમની સ્વીકાર્યતા હતી. પરંતુ હવે, 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમના કારણે, દરેક એક રૂપિયો દેશના દૂરના ખૂણામાં રહેતા લાભાર્થીના ખાતામાં સીધો ટ્રાન્સફર કરવામાં આવે છે. આપણી લોકશાહીના માથે લાગેલી નબળી અને ઉપણોથી ભરેલી લોકશાહી તરીકેની માન્યતાને અમે ફેરવી દીધી છે.”
જેઓ સરકારની ભવિષ્યની નીતિઓ જાણવા વિશે જિજ્ઞાસુ હતા તેવા યુવા સ્ટાર્ટઅપ સાથે માહિતી શેર કરતા રાજીવ ચંદ્રશેખરે તેમને કહ્યું હતું કે, “ટૂંક સમયમાં ડિજિટલ ઇન્ડિયા સ્ટાર્ટઅપ હબ શરૂ કરવામાં આવશે જે સંસ્થાકીય ફ્રેમવર્ક હશે. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધુ પ્રોત્સાહન આપવા માટે અને રાષ્ટ્રીય સ્તરે સ્ટાર્ટઅપ પહેલોનું કેન્દ્રીય રીતે સંકલન કરવા માટે તેની શરૂઆત કરવામાં આવશે. સરકાર સ્ટાર્ટઅપને સરકારની ઇકોસિસ્ટમ સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે જેથી સરકારની ખરીદીની જરૂરિયાતોને સ્ટાર્ટઅપ દ્વારા શરૂ કરવામાં આવેલા આવિષ્કારી ઉકેલોથી પૂરી કરી શકાય.”
વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપને ઉભરતી ટેકનોલોજીઓમાં કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપીને તેમજ ભારતના વિસ્તરણ પામી રહેલા અર્થતંત્ર માટે ડિજિટલ કૌશલ્યો શીખવાનું મહત્વ સમજાવતા તેમણે ઉમેર્યું હતું કે, “આગળ વધવાનો માત્ર એક જ મંત્ર છે – આવિષ્કાર, આવિષ્કાર અને આવિષ્કાર. આવિષ્કાર આપણું ભવિષ્ય ચલાવશે. આપણા સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકો ભારતીય અર્થતંત્રને $5 ટ્રિલિયન અને ડિજિટલ અર્થતંત્રને $1 ટ્રિલિયન તરફ લઇ જશે.”
પ્રેઝન્ટેશન પછી એકબીજાને જોડી રાખતા પ્રશ્નોત્તરી રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ્સે સંખ્યાબંધ પ્રશ્નો પૂછ્યા હતા. તેમના પ્રશ્નોમાં બ્લૉકચેઇન, ક્રિપ્ટોકરન્સી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, મેટાવર્સ વગેરે મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા. મંત્રીએ તમામ લોકોના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપ્યા હતા અને તેમને ડ્રોન ટેકનોલોજી, અવકાશ ક્ષેત્ર તેમજ આવનારા સમયના અન્ય મુદ્દાઓ વિશે અન્ય માહિતી પણ આપી હતી.
આ સંવાદમાં પ્રેક્ષકોએ ખૂબ જ રસપૂર્વક ભાગ લીધો હતો અને સ્ટાર્ટઅપ તેમજ વિદ્યાર્થીઓ વિષયવસ્તુ પર મંત્રીશ્રીના વ્યાપક જ્ઞાનથી પ્રભાવિત થઇ ગયા હતા.
બાદમાં, મંત્રીએ પંડિત દીનદયાળ ઊર્જા યુનિવર્સિટીની પણ મુલાકાત લીધી હતી જ્યાં ઊર્જા ક્ષેત્રના સ્ટાર્ટઅપે તેમના આવિષ્કારો રજૂ કર્યા હતા.
સંવાદ દરમિયાન, ગુજરાત સરકારના શિક્ષણ અને વિજ્ઞાન અને ટેકનોલોજીના કેબિનેટ મંત્રી – શ્રી જીતુભાઇ વાઘાણી અને ગુજરાત સરકારમાં MoS ડૉ. કુબેરભાઇ ડિંડોર, ઉચ્ચ અને ટેકનિકલ અભ્યાસના અગ્ર સચિવ શ્રી હૈદર, ગુજરાત સરકારમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ કમિશનર પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા.
SD/GP/JD
(Release ID: 1827428)
Visitor Counter : 198