કૃષિ મંત્રાલય

વિશ્વ મધમાખી દિવસનો રાષ્ટ્રીય કાર્યક્રમ 20 મેના રોજ ગુજરાતમાં ઉજવાશે


કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમર કરશે ઉદ્દ્ઘાટન, 5 રાજ્યોમાં 7 જગ્યાએ મધ ટેસ્ટિંગ લેબ અને પ્રોસેસિંગ યુનિટ શરૂ થશે

Posted On: 19 MAY 2022 4:33PM by PIB Ahmedabad

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ટેન્ટ સિટી-2, એકતા નગર, નર્મદા, ગુજરાત ખાતે 20મી મેના રોજ વિશ્વ મધમાખી દિવસ પર એક વિશાળ રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમર કરશે. આ પ્રસંગે શ્રી તોમર 5 રાજ્યોમાં 7 સ્થળોએ સ્થાપિત મધ ટેસ્ટિંગ લેબ અને પ્રોસેસિંગ યુનિટનું પણ ઉદ્ઘાટન કરશે. આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપીને દેશના નાના ખેડૂતોને મહત્તમ લાભ આપવાનો છે, જેની પ્રગતિ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે.

લોકોને સ્વસ્થ રાખવા અને આ સંદર્ભમાં વિવિધ પડકારોનો ઉકેલ લાવવામાં મધમાખીઓ અને અન્ય પરાગ રજકોની મહત્વની ભૂમિકા વિશે જાગૃતિ લાવવા માટે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 20 મેને વિશ્વ મધમાખી દિવસ તરીકે જાહેર કર્યો છે. આને ધ્યાનમાં રાખીને, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દેશના તમામ મધમાખી ઉછેર કરનારાઓને સાથે લઈને આ મહત્વપૂર્ણ દિવસની ઉજવણી કરી રહ્યું છે, જે જાગૃતિ વધારશે. મુખ્ય કાર્યક્રમ કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી તોમરજીના મુખ્ય અધ્યક્ષ સ્થાને યોજાશે.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી કૈલાશ ચૌધરી અને સુશ્રી શોભા કરંદલાજે વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. વધુમાં આ કાર્યક્રમમાં ગુજરાતના કૃષિ મંત્રીશ્રી, સુશ્રી મતેજા વોડેબ, રિપબ્લિક ઓફ સ્લોવેનિયાના રાજદૂત, સુશ્રી કોંડા રેડ્ડી ચાવવા, ભારતના એફ.એ.ઓ.(FAO) પ્રતિનિધિની ગરિમામય ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં રહેશે. મધમાખી ઉછેર કરનારાઓ, ખેડૂતો, પ્રોસેસર્સ, ઉધ્યોગ સાહસિકો અને મધ ઉત્પાદન સાથે સંબંધિત અન્ય હિતધારકો આ ફંક્શનમાં ભાગ લેશે.

આ કાર્યક્રમ દરમિયાન, મધમાખી ઉછેર ક્ષેત્રની વિવિધ જાતો અને ઉત્પાદનોને પ્રદર્શિત કરવા માટે મધમાખી ઉછેર કરનારાઓ, પ્રોસેસર્સ અને મધમાખી ઉછેર ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ હિતધારકો દ્વારા ઘણા સ્ટોલ સાથેનું પ્રદર્શન યોજવામાં આવશે. કાર્યક્રમ અંતર્ગત મધુક્રાંતિ પોર્ટલ માટેની અમલીકરણ એજન્સી ઇન્ડિયન બેંક દ્વારા મધમાખી ઉછેર કરનારાઓની આજીવન નોંધણી અભિયાન હેઠળ નોંધણી કરવા સંદર્ભ ખાસ એક સ્ટોલ પણ ઉભો કરવામાં આવશે. મધમાખી ઉછેર કરનારાઓમાં મધમાખી ઉછેરના વૈજ્ઞાનિક જ્ઞાનને વધારવા માટે "ઉત્પાદન ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ઢબે મધમાખી ઉછેર નું સંશોધન અને વિકાસ – અનુભવની વહેંચણી અને પડકારો" અને "માર્કેટિંગના પડકારો અને ઉકેલો (ઘરેલું/વૈશ્વિક)" પર ચર્ચા અને તકનીકી સત્રોનું પણ આયોજન કરવામાં આવશે.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી તોમર દ્વારા ગુજરાતમાંથી જમ્મુ કશ્મીરમાં પુલવામા, બાંદીપોરા, કર્ણાટકના તુમકુર, ઉત્તર પ્રદેશના સહારનપુર તથા પુણે અને ઉત્તરાખંડ ખાતે સ્થાપિત મધ ટેસ્ટિંગ લેબ અને પ્રોસેસિંગ યુનિટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવશે.

SD/GP/JD



(Release ID: 1826681) Visitor Counter : 346


Read this release in: English