આદિવાસી બાબતોનું મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્ર અને રાજ્ય સરકારની અમલી અનેકવિધ જનકલ્યાણ યોજનાઓના લાભો પ્રજાજનોને સરળતાથી મહત્તમ મળી રહે એવા પ્રયાસો હાથ ધરવા મંત્રીશ્રી બિશ્વેશ્વર ટુંડુનો અનુરોધ


એસ્પિરેશનલ નર્મદા જિલ્લાની સર્વગ્રાહી સમીક્ષા કરતા ટ્રાયબલ અને જળસંપત્તિ વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી બિશ્વેશ્વર ટુંડુ

જિલ્લામાં પ્રગતિ હેઠળના થઇ રહેલા તમામ કામોથી સંતોષ વ્યક્ત કરતા મંત્રીશ્રી ટુંડુ

Posted On: 11 MAY 2022 7:53PM by PIB Ahmedabad

ટ્રાયબલ અને જળસંપત્તિ વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી બિશ્વેશ્વર ટુંડુ ના અધ્યક્ષસ્થાને  આજે રાજપીપલા કલેક્ટર ઓફિસ ખાતે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અંતર્ગત સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ, નાયબ વન સંરક્ષક શ્રી નિરજકુમાર, નિવાસી અધિક કલેકટર શ્રી એચ.કે.વ્યાસ, નર્મદા નિગમના અધિક્ષક ઇજનેરશ્રી આર.જી.કાનુનગો સહિત સબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા કેન્દ્રિય રાજ્યમંત્રીશ્રી બિશ્વેશ્વર ટુડુએ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લો એ એસ્પિરેશન જિલ્લો છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ જનકલ્યાણ યોજનાઓ અમલમાં છે. તેના લાભો પ્રજાજનોને સરળતાથી મહત્તમ મળી રહે તે જોવા  મંત્રી શ્રી ટુંડુએ હિમાયત કરી હતી. 

આ બેઠકમાં જિલ્લામાં જીતનગર ખાતે નવ નિર્માણ પામી રહેલી બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી તેમજ ગરૂડેશ્વર ખાતે નવ નિર્માણ પામી રહેલા ટ્રાયબલ મ્યુઝિયમમાં થઇ રહેલી કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી જરૂરી સુચનો કર્યાં હતાં. શિક્ષણ, આરોગ્ય, કૃષિ, મનરેગા, સિંચાઇ, આઇ.ટી.આઇ, સ્પોર્ટસ સહિત “નલ સે જલ” યોજના દ્વારા લોકોને શુધ્ધ સ્વચ્છ પીવાનું પાણી મળી રહે તે હેતુથી વાસ્મો દ્વારા આજદિન સુધી કરેલી કામગીરી અંગે માહિતી મેળવી જિલ્લામાં આ દિશામાં થયેલી પ્રગતિની પણ વિસ્તૃત સમીક્ષા કરી હતી. જિલ્લામાં પ્રગતિ હેઠળના થઇ રહેલા તમામ કામોથી મંત્રીશ્રી ટુંડુએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

જિલ્લા કલેક્ટર શ્રી ડી.એ.શાહે રાજપીપલા શહેરમાં અમલી  "નોધારાનો આધાર" પ્રોજેક્ટ હેઠળ લાભાર્થીઓને  ત્રણ જેટલા ફેઝમાં વિવિધ લાભો આપીને લાભાન્વિત કરાયાં છે. આ પ્રોજેક્ટ થકી "નોંધારા" લાભાર્થીઓને બે ટંક ભોજનની સુવિધા પુરી પાડવા ઉપરાંત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની કિટ્સ પણ અપાઈ હોવાનું પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા અને તેની શોર્ટ ડોક્યુમેન્ટરી પણ રજૂ કરી હતી. ઉક્ત બેઠકમાં શ્રી શાહે જિલ્લાના પ્રગતિ હેઠળના તમામ કામોની સાથે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જલ શક્તિ અભિયાન હેઠળ થનારા ૭૫ જેટલા અમૃત સરોવરની  વિસ્તૃત જાણકારી મંત્રીશ્રીને પુરી પાડી હતી.

આ વેળાએ નર્મદા નિગમના અધિક્ષક ઇજનેરશ્રી આર. જી. કાનુનગોએ સરદાર સરોવર નર્મદા ડેમના રીવર બેડ પાવર હાઉસ, ભુગર્ભ વિદ્યુત જળમથક સહિત નર્મદા ડેમની તકનિકી જાણકારથી મંત્રીશ્રી ટુંડુને વાકેફ કર્યા હતાં.

આ બેઠકમાં ટ્રાયબલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રી ડૉ. મધુકર પાડવીએ મંત્રીશ્રી ટુંડુને બામ્બુ આર્ટ અને વારલી આર્ટની ફ્રેમ આપીને અભિવાદન કર્યું.

SD/GP/JD


(Release ID: 1824512) Visitor Counter : 201