સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા સહિત દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીશ્રી અને સચિવોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી


સરદાર સાહેબની વિશાળ પ્રતિમા ભારતની એકતા અને અખંડિતતાનું પ્રતિક છે:- મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના જીવન કવનની ઝાંખી કરાવતો લેઝર શૉ મહેમાનો માટે નવીન ઊર્જાનું કેન્દ્ર બન્યો

Posted On: 06 MAY 2022 9:26PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયા તેમજ  દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ, સચિવો, તબીબી નિષ્ણાંતોએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. 

સરદાર સાહેબની વિશાળ પ્રતિમા ભારતની એકતા અને અખંડિતતાની પ્રતીકરૂપ છે તેમ જણાવી કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાએ સરદાર સાહેબનું વ્યક્તિત્વ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા કરતાં પણ ઊંચું છે તેમ કહ્યું હતું.

કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હૃદયસ્થાનેથી  અદભૂત નજારો પણ માણ્યો હતો અને વિધ્યાંચલ-સાતપુડા ગીરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું. 

તદ્દઉપરાંત, સરદાર વલ્લભભાઈ પટેલના જીવનચરિત્ર વિશેની ફિલ્મ નિહાળવા ઉપરાંત ફિલ્મ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાયેલ તસવીરી પ્રદર્શન પણ તેમણે નિહાળ્યું હતું. 

આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના  ગાઈડ શ્રીમતી શાહીન મેમણ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના જનસંપર્ક  અધિકારીશ્રી રાહુલભાઈ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આ સમગ્ર પ્રોજેક્ટ તેમજ વિશ્વની અન્ય વિરાટ પ્રતિમાઓની સરખામણીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિરાટત્વની ઝીણવટભરી જાણકારી પુરી પાડી હતી. 
કેન્દ્રીય મંત્રીશ્રી માંડવિયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની નોંધપોથીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના મુલાકાતના અનુભવો અને પ્રતિભાવ નોંઘ્યા હતા.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તરફથી નાયબ કલેકટર શ્રી  શીવમ બારીઆએ કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતી અને કોફીટેબલ બૂક સ્મૃતિરૂપે અર્પણ કરી હતી.આ વેળાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના જીવન કવનની ઝાંખી કરાવતો લેઝર શો પણ નિહાળ્યો હતો.

આ  મુલાકાત દરમિયાન તેમની સાથે દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ, સચિવો, તબીબી નિષ્ણાતો પણ જોડાયા હતા. 

SD/GP/JD
 


(Release ID: 1823373) Visitor Counter : 146