પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે: શ્રી પરશોત્તમ રૂપાલા
યુએઈ અને ઑસ્ટ્રેલિયા સાથેના મુક્ત વેપાર કરારો અંગે જાગૃતિ માટે સુરતમાં કાર્યક્રમને સંબોધન
જૂની ટફ સ્કીમના ક્લિયરન્સ માટે ટૂંક સમયમાં કૅમ્પ: શ્રીમતી દર્શનાબેન જરદોશ
Posted On:
05 MAY 2022 7:39PM by PIB Ahmedabad
કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું કે ભારત આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે આજે ઓર્ગેનિક ફુડની ડિમાન્ડ વધી રહી છે ત્યારે તેની માગને પુરી પાડવાની તાકાત ભારતના ખેડૂતો પાસે રહેલી છે.
તેઓ આજે સુરતમાં જીજેઈપીસી, ઇન્ડિયા દ્વારા તાજેતરના મુક્ત વેપાર કરારો અંગે જાગૃતિ કાર્યક્રમને સંબોધી રહ્યા હતા. તેમણે કહ્યું કે ભારત સાથે યુએઈ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થયેલા કરારો ઉદ્યોગજગતનું મનોબળ વધારનારા છે. જેનો સૌથી વધુ લાભ જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને થવાનો છે. આ સરકાર લોકોની વચ્ચે જઈને તેમની પાસેથી સૂચનો મેળવીને બજેટમાં નિર્ણયો લે છે. ભારતની વિશ્વમાં અનેરી શાખ ઊભી થઇ છે ત્યારે તેનો લાભ લેવા ઉદ્યોગકારોને અનુરોધ કર્યો હતો.
તેમણે કહ્યું કે જેમ આઝાદી માટે આપણાં સ્વતંત્રતા વીરોએ સપનું સેવ્યું એમ પ્રધાનમંત્રીએ આઝાદીનાં 100 વર્ષે ભારત કેવું હશે એનું સપનું સેવ્યું છે અને ભારતને મહાસત્તા બનાવવા પ્રયાસો કરી રહ્યા છે એ જ અમૃત મહોત્સવ છે અને એમાં નાગરિક તરીકે દરેકે પોતાની જવાબદારી અદા કરવાની છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાં કેન્દ્રીય રેલવે અને ટેક્સ્ટાઇલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે કહ્યું કે ભારત સાથે UAE અને ઓસ્ટ્રેલિયા સાથે થયેલા મુક્ત વેપાર કરારોના કારણે ગુજરાત સાથે 25 ટકા વેપાર થવાનો છે. આપણે નિકાસનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. આવનારા સમયમાં સંભવિત બજારને વધુમાં વધુ હાંસલ કરવા અનુરોધ તેમણે કર્યો હતો. ટુંક સમયમાં જૂની ટફ સ્કીમના ક્લિયરન્સ માટેના કેમ્પ કરવામાં આવનાર હોવાની વિગતો તેમણે આપી હતી. મંત્રીશ્રીએ સુરતથી 135 ટેક્ષટાઈલની ટ્રેનો રવાના કરવામાં આવી હોવાનું જણાવીને રેલવે અને પોસ્ટ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી પાર્સલ સુવિધાઓની વિગતો આપી હતી.
વાણિજ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી શ્રીકાર રેડ્ડીએ આ મુક્ત વેપાર કરારની આંકડાકીય માહિતીઓ આપી હતી. આ પ્રસંગે ઉદ્યોગકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1823208)
Visitor Counter : 322