સંરક્ષણ મંત્રાલય

ભારતીય તટરક્ષક દળ અને ATS ગુજરાતના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાની બોટમાંથી 280 કરોડનું નાર્કોટિક્સ જપ્ત

Posted On: 25 APR 2022 9:12PM by PIB Ahmedabad

ભારતીય તટરક્ષક દળ (ICG)ને મળેલી ચોક્કસ બાતમીના આધારે, ત્રાસવાદ વિરોધી સ્ક્વૉડ (ATS) ગુજરાત સાથે મળીને સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમારેખા નજીક આવેલા પેટ્રોલિંગ વિસ્તારમાં વ્યૂહાત્મક રીતે જહાજ તૈનાત કરવામાં આવ્યા હતા. આ ઓપરેશનમાં, ICGના જહાજે પાકિસ્તાની બોટ અલ હજમાંથી 09 પાકિસ્તાની ક્રૂને અરબ સમુદ્રમાં ભારતીય સમુદ્રી સીમાની અંદર પકડી પાડ્યા હતા અને તેમની પાસેથી રૂપિયા 280 કરોડની કિંમતનો નાર્કોટિક્સ ડ્રગ્સનો 56 કિલો જથ્થો જપ્ત કર્યો હતો.

24/25 એપ્રિલ 2022ની રાત્રિ દરમિયાન, ભારતીય તટરક્ષક દળને ભારતીય સમુદ્રી સીમાની અંદર અંદાજે 05 નોટિકલ માઇલ (NM)ના અંતરે એક બોટની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. આ બોટની નજીક આવેલા ICGના જહાજે તેને તપાસ માટે રોકાવાનો નિર્દેશ આપ્યો હતો. જો કે, બોટને પડકરાવાથી તેમણે બોટમાં રહેલા બંડલો પાણીમાં નાંખી દીધા હતા અને ત્યાંથી નાસી છૂટવાનું શરૂ કર્યું હતું. શંકાના આધારે, ICGના જહાજે તાત્કાલિક સમુદ્રમાં તરી રહેલા બંડલો લઇ એકઠા કરી લીધા હતા જેમાં નાર્કોટિક્સ હોવાની પુષ્ટિ થઇ હતી. સમુદ્રમાં કઠિન સ્થિતિ હોવા છતાં, ICGના જહાજે આ વિસ્તારમાં રહેલી બોટનો પીછો કર્યો હતો. પાકિસ્તાની બોટ ICG જહાજ દ્વારા આપવામાં આવેલી તમામ ઓડિટરી અને વિઝ્યુઅલ ચેતવણીઓનું પાલન કરવામાં નિષ્ફળ રહી હતી, આથી આસપાસમાં વોર્નિંગ શોટ્સ ફાયર કરવામાં આવ્યા હતા જેથી નાસી રહેલી બોટને અટકાવી શકાય. શોટ્સ ફાયર કરવાથી, બોટ રોકાઇ ગઇ હતી. ICG જહાજે ત્યારબાદ બોટને આંતરી લીધી હતી અને તેમાં સવાર ક્રૂની ધરપકડ કરી હતી.

ત્યારબાદ, ICG જહાજ દ્વારા નાર્કોટિક્સની ગેરકાયદે હેરાફેરીમાં સામેલ આ બોટને પ્રાથમિક પુરાવા તરીકે ભારતીય સમુદ્ર સીમાની અંદર ટોઇંગ કરીને લઇ જવામાં આવી હતી. આ બોટને જખૌ ખાતે લઇ જવામાં આવી હતી જ્યાં તમામ સુરક્ષા એજન્સીઓ વધુ તથ્યો જાણવા માટે સંયુક્ત તપાસ કરશે. છેલ્લા 07 મહિનામાં ભારતીય તટરક્ષક દળ અને ATS ગુજરાત દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલું આ ત્રીજું ઓપરેશન છે.

SD/GP/JD



(Release ID: 1819998) Visitor Counter : 117