નાણા મંત્રાલય

આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ ગાંધીજીના સિદ્ધાંતો તથા રાજભાષા હિન્દી વિશે જનજાગૃતિ ફેલાવવા કોચરબ આશ્રમથી સાબરમતી આશ્રમ સુધી પદયાત્રા યોજાઈ


નગર રાજભાષા કાર્યાન્વયન સમિતિ, અમદાવાદ દ્વારા આયોજિત પદયાત્રાનો કેન્દ્ર સરકારની વિવિધ કચેરીઓના વડાઓએ ફ્લેગ ઓફ કરીને આરંભ કરાવ્યો હતો

600થી વધુ વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ અને અગ્રણીઓ પદયાત્રામા જોડાયા

Posted On: 02 APR 2022 4:45PM by PIB Ahmedabad

માર્ચ મહિનો ભારતના ઈતિહાસમાં મહત્વપૂર્ણ રહ્યો છે. 12 માર્ચ,1930ના રોજ ગાંધીજીએ સાબરમતી આશ્રમથી દાંડી માટે પદયાત્રા શરૂ કરી અને તેઓ 5 એપ્રિલે દાંડી પહોંચ્યા હતા, જ્યાં મીઠાના કાળા કાયદાનો સવિનય ભંગ કરીને અંગ્રેજી શાસનને  ભારતમાંથી સમૂળગો જાકારો આપવા આહ્વાન કર્યુ હતું. મીઠાના કાળા કાયદાનો વિરોધ કરીને અંગ્રેજી શાસનમાં લૂણો લગાડવાની સાથે જ તેમણે ભારતની આઝાદીનો જાણે પાયો નાખી દીધો હતો.

દેશની આઝાદીની લડાઈની આ ઐતિહાસિક ઘટના વિશે લોકો જાણે અને ગાંધીજીની સિદ્ધાંતોનો પરિચય મેળવે એ હેતુથી  તથા રાજભાષા હિન્દીના વધુ ઉપયોગ અંગે જાગૃતિ વધે એ માટે નગર રાજભાષા કાર્યાન્વયન સમિતિ, અમદાવાદે કોચરબ આશ્રમથી સાબરમતી આશ્રમ સુધી આજે શનિવારે એક પદયાત્રાનું આયોજન કર્યુ હતું. પ્રિન્સિપાલ એકાઉન્ટન્ટ જનરલ (ઓડિટ2), ગુજરાતના કાર્યાલયને આ યાત્રાના આયોજનની જવાબદારી સોંપવામાં આવી હતી.

અમદાવાદ સ્થિર કેન્દ્ર સરકારની વિવિધ કચેરીઓના વડાઓએ  આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ યોજાયેલ આ પદયાત્રાનો લીલીઝંડી બતાવીને આરંભ કરાવ્યો હતો. આ પદયાત્રા કોચરબ આશ્રમથી સાબરમતી આશ્રમ સુધી યોજાઈ હતી. અમદાવાદમાં સ્થિત ભારત સરકારના કાર્યાલયોના 600થી વધુ વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ અગ્રણીઓ આ પદયાત્રામાં સામેલ થયા હતા. સાબરમતી આશ્રમે પદયાત્રા સંપન્ન થયે તમામ પદયાત્રિકોએ ગાંધીજીની પ્રતિમા સમક્ષ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે 12 માર્ચ,1930ના રોજ ગાંધીજીએ સાબરમતી આશ્રમથી દાંડી માટે પદયાત્રા શરૂ કરી અને 5 એપ્રિલના  રોજ તેઓ દાંડી પહોંચ્યા હતા. 6 એપ્રિલે તેમણે દાંડીમાં નીમક બનાવીને મીઠાનો કાળો કાયદો તોડ્યો અને અહિંસાના સિદ્ધાંત પર તેમણે સવિનય કાનૂન ભંગનો પ્રારંભ કર્યો હતો.

તેમની આ દાંડીયાત્રા દરમિયાન ગાંધીજી 2 એપ્રિલ,1930ના રોજ માર્ગમાં ડીંડોલી ગામમાં રોકાયા હતા અને વાંઝ ગામમાં રાતવાસો કર્યો હતો. આ જ દિવસને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં 2 એપ્રિલે એટલે કે આજે કોચરબ આશ્રમથી સાબરમતી આશ્રમ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

SD/GP/JD



(Release ID: 1812771) Visitor Counter : 229