સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
સુરતમાં રૂ. 74 કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી મેડિકલ કૉલેજનાં ભવનનું કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી મનસુખ માંડવિયાના હસ્તે ઉદ્ઘાટન
સરકાર એક્સેસિબલ અને એફોર્ડેબલ હેલ્થકેર પર કામ કરી રહી છે અને એમાં તબીબી ફેકલ્ટી અને વિદ્યાર્થીઓનો સહયોગ આવશ્યક: શ્રી માંડવિયા
સુરતમાં શ્રી સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટની મેડિકલ કૉલેજનાં ભૂમિપૂજનમાં શ્રી માંડવિયા અને કેન્દ્રીય રેલવે-ટેક્સ્ટાઇલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ ઉપસ્થિત રહ્યા
શ્રી માંડવિયાએ ઇચ્છાપોર જીઆઇડીસીમાં વેર હાઉસનું ઉદઘાટન કર્યું
સાત વર્ષોમાં પ્રધાનમંત્રી શ્રી મોદીજીનાં નેતૃત્વમાં આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થયું છે, ભારતના કોવિડ વ્યવસ્થાપનથી અનેક દેશો બોધ લઈ રહ્યા છે: શ્રી માંડવિયા
ગુજરાતમાં નવી 5 મેડિકલ કૉલેજો જલદી મળશે: કેન્દ્રીય આરોગ્ય મંત્રી
Posted On:
27 MAR 2022 6:33PM by PIB Ahmedabad
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આજે સુરતમાં રૂ. 74 કરોડના ખર્ચે નિર્મિત મેડિકલ કોલેજની નવી ઇમારતનું ઉદઘાટન કર્યું હતું. આ અવસરે ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
નવી સિવિલ હૉસ્પિટલ કૅમ્પસમાં સરકારી મેડિકલ કૉલેજના નવનિર્મિત બિલ્ડિંગના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા શ્રી માંડવિયાએ કહ્યું કે મોદી સરકાર એક્સેસિબલ અને એફોર્ડેબલ આરોગ્ય સંભાળ પર કામ કરી રહી છે અને સમગ્ર દેશમાં આરોગ્ય સંભાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સાકલ્યવાદી વિકાસ કરી રહી છે. 2014માં સરકાર સત્તા પર આવી ત્યારે દેશના વિદ્યાર્થીઓએ મેડિકલ કૉલેજો અને બેઠકોના અભાવે વિદેશ અભ્યાસ માટે જવું પડતું હતું. ફેકલ્ટીનો પણ અભાવ હતો. તે વખતે પીજી સીટ 31000 હતી તે આજે 64000 થઈ છે અને હવે 70000 થઈ જશે સરકાર દૂર-સુદૂર સુધીના વિસ્તારોમાં આરોગ્ય સંભાળ સેવાઓ પહોંચાડી રહી છે. આરોગ્ય સંભાળ સૌને મળે અને સસ્તી મળે એ માટે ફેકલ્ટી અને તબીબી વિદ્યાર્થીઓએ પણ સાથ આપવાની જરૂર છે. તબીબો વ્યવસાય કરે અને નાણાં કમાય એનો વાંધો નથી પણ લૂંટ નથી ચલાવવાની એવી ટકોર પણ તેમણે કરી હતી.
તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે વિદેશમાં રસી શોધાતી અને ભારત આવતા વર્ષો વીતી જતા. વિશ્વમાં કોરોનાની રસી 9 મહિનામાં શોધાઇ અને એની સાથે ભારતમાં પણ એ રસી 9 મહિનામાં શોધાઇ અને ઉત્પાદિત પણ થઈ. વિશ્વના સૌથી મોટાં કોવિડ રસીકરણ કાર્યક્રમની સફળતાનો ઉલ્લેખ કરતા શ્રી માંડવિયાએ કહ્યું કે ચાર દેશો જેટલું રસીકરણ આપણે એક જ દિવસમાં પ્રધાનમંત્રી શ્રી મોદીજીના જન્મદિને કરી દીધું, એ ભારતની તાકાત છે. હમણાં વિદેશી સંસ્થાઓના કાર્યક્રમમાં મને જણાવાયું કે ભારતના કોવિડ વ્યવસ્થાપનથી અમે લોકો શીખી રહ્યા છે, ભારત માટે આ ગર્વની વાત છે.
મેડિકલ ફેકલ્ટીઓને રિસર્ચ માટે આગળ આવવાની હાકલ કરતા શ્રી માંડવિયાએ કહ્યું કે પ્રધાનમંત્રીએ દેશના વૈજ્ઞાનિકોમાં વિશ્વાસ મૂક્યો અને કોરોનાની રસી આપણને વિશ્વની સાથે મળી. આ સરકાર રિસર્ચના કોમર્શિયલાઇઝેશનમાં પણ મદદ કરશે.
તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દરેક જિલ્લામાં એક મેડિકલ કૉલેજ સ્થાપવા જઈ રહી છે અને ગુજરાતથી 5 દરખાસ્તો આવી છે, મને જણાવતાં આનંદ થાય છે કે ગુજરાતને 5 નવી મેડિકલ કૉલેજો જલદી મળશે.
સુરતમાં સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ સંચાલિત કિરણ મેડિકલ કૉલેજનો શિલાન્યાસ કર્યા બાદ સમારોહને સંબોધતા શ્રી માંડવિયાએ જણાવ્યું કે સમયની સાથે બદલાય એ વિજેતા રહે છે. ગુજરાતમાંથી અગાઉ વિદ્યાર્થીઓ મેડિકલ એજ્યુકેશન માટે બહાર જતા હતા. 2014 પહેલા દેશમાં મેડિકલ કૉલેજોની સંખ્યા 327 હતી એ છેલ્લાં 7 વર્ષમાં લગભગ બમણી થઈને 566 થઈ છે. મેડિકલ સીટ્સ 2014માં 52000 હતી તે 7 વર્ષોમાં વધીને 92000 થઈ છે. આ જ વર્ષે એ એક લાખ સુધી પહોંચી જશે. આયુષ્માન ભારત યોજના થકી કેન્દ્ર સરકાર લોકોનાં આરોગ્યની સંભાળ રાખી રહી છે, ટેલિ કન્સલ્ટેશનની મદદથી લોકોને આરોગ્ય સેવાઓ ઘર બેઠા પૂરી પડાઇ રહી છે અને આયુષ્માન ભારત ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશનથી ગામેગામ આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવાઇ રહ્યું છે. દરેક જિલ્લામાં આગામી 5 વર્ષમાં આશરે 100 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
મેડિકલ કૉલેજના ભૂમિપૂજન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, રાજ્યના પ્રધાનો, સાંસદો અને ધારાસભ્યો તેમજ ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ શ્રીમતી આનંદીબહેન પટેલ, કેન્દ્રીય રેલવે અને ટેક્સ્ટાઇલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબહેન જરદોશ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી માંડવિયાએ આજે સુરતના ઇચ્છાપોર જીઆઇડીસી ખાતે એક વેરહાઉસનું ઉદઘાટન પણ કર્યું હતું અને જણાવ્યું કે સમગ્ર દેશમાં પીએમ જન ઔષધિ કેન્દ્રોથી લોકોના આરોગ્ય ખર્ચમાં નોંધપાત્ર બચત થઈ છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964
(Release ID: 1810266)
Visitor Counter : 180