સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ખેડા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત કુલ 1998 કામો પૂર્ણ કરાયા છે – કેન્દ્રીય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ
આજથી સમગ્ર રાજ્ય સહિત ખેડા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન યોજનાનો પ્રારંભ કરાયો
કપડવંજ તાલુકાના નવાગામ – જલોયા તળાવને ઊંડુ કરવાના અભિયાનનો શુભારંભ કેન્દ્રીય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યો
અંદાજે રૂ. 200 કરોડના ખર્ચે વિવિધ વિકાસકામોનું આયોજન થઇ રહ્યું છે: ગ્રામવિકાસ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ
Posted On:
19 MAR 2022 6:15PM by PIB Ahmedabad
આજથી સમગ્ર રાજ્ય સહિત ખેડા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન યોજનાનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે કહ્યું હતું કે પાણી એ કુદરતી સ્ત્રોત છે એ પ્રભુના પ્રસાદ રૂપે મળેલી પ્રસાદી સમજીને પાણીનું ટીપેટીપું સંગ્રહિત થાય તે માટે રાજ્ય સરકાર ખુબ જ સંવેદનશીલ છે અને તેનું મહત્વ લોકોને પણ સમજાય તે માટે જનભાગીદારી થકી આ અભિયાનનો પ્રારંભ કરાયો છે. તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘ દ્રષ્ટિ થકી આજે આપણે જળસંચય યોજનાઓ થકી પાણીના તળ ઉંચા લાવવામાં સફળ રહ્યા છીએ અને આવનારા દિવસોમાં પણ સરકાર અને લોકોના સહયોગથી જળસંચયના અનેક કામો હાથ ધરવામાં આવનાર છે.
કેન્દ્રીય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે ખેડા જિલ્લામાં ગત ત્રણ વર્ષમાં કુલ-1998 જળસંચયના કામો પૂર્ણ કર્યા છે. એટલું જ નહિ અંદાજે રૂા. 200 કરોડના ખર્ચે ખેડા જિલ્લાના અનેકવિધ વિકાસકાર્યો હાથ ધરાશે જેમાં જળસંચયના કામો પણ કરોડોના ખર્ચે હાથ ધરવામાં આવશે.
આ પ્રસંગે ગ્રામવિકાસ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ખેડા જિલ્લાના વિકાસ કામોના અનેકવિધ કાર્યો ચાલુ કરાયા છે. તેમાં જળ તળ ઉંચા આવે તે ચિંતા પણ સરકારે કરી છે અને રાજ્ય સરકારનાં વિવિધ વિભાગો દ્વારા જળસંચયને પ્રાધાન્ય આપી ચેકડેમો બનાવવા, તળાવ ઊંડા કરવા, વન તલાવડી નિર્માણ, નદીઓને પુનઃજીવિત કરવી, ચેકડેમ રિપેરિંગ, વન તળાવ જેવા કાર્યક્રમો આગામી દિવસો દરમ્યાન ચાલશે. જેના થકી માનવદિન રોજગારી પણ ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું કે રાજ્યમાં સુજલામ સુફલામ યોજના વર્ષ – 2018 માં શરૂ કરવામાં આવી હતી. ત્યારે છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં કુલ – 38183 કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા. જળ એ જીવન છે અને પરમાત્મા એ માનવ જાતને આપેલી મહામૂલી ભેટ છે. તેને વેડફી ન નાખીએ અને સાચવીએ તેવો અનુરોધ કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે પ્રકારનું રાજ્ય સરકારનું આ સુદૃઢ આયોજન છે તેમાં લોકો પણ એટલા જ ભાગીદાર બને તેમ કહ્યું હતું.
સુજલામ સુફલામ જળ અભિયાન કાર્યક્રમમાં ખેડા જિલ્લાના સમાહર્તાશ્રી કે.એલ.બચાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલ દવે, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મોનિકાબેન, પૂર્વ ધારાસભ્યશ્રી મણીભાઇ પટેલ, વિવિધ સંગઠનોના આગેવાનો, નગરજનો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
SD/GP/JD
(Release ID: 1807303)
Visitor Counter : 273