મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
સશક્ત મહિલા સમૃદ્ધ ભારત: કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી સ્મૃતિ ઈરાની
કેન્દ્રીય રાજ્ય સ્વાસ્થ્ય મંત્રી ડો. ભારતી પવારે માતૃશક્તિને મહત્વપૂર્ણ ગણાવી
સામાજિક વિકાસમાં મહિલાઓનું મહત્વનું યોગદાન, પરિવારને એક રાખવાના અને પાશ્ચાત્ય સંસ્કૃતિ સામેના પડકારમાં ઝઝૂમનાર મહિલા શક્તિ રાહ ચિંધનારઃ કેન્દ્રીય રાજ્યમંત્રી સાધ્વી નિરંજના જ્યોતિ
કચ્છના ધોરડો ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી
Posted On:
08 MAR 2022 9:45PM by PIB Ahmedabad
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પ્રસંગે કચ્છના ધોરડો મધ્યે સાધ્વી સંમેલનને સંબોધન કરતાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, સ્વને સંસાર માટે સમર્પિત કરવાનું સાધ્વીનું જીવન ધર્મ, રાષ્ટ્ર, સમાજને સમર્પિત છે. કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ વધુમાં જણાવ્યું હતું કે વરસના ૩૬૫ દિવસ જે સ્ત્રી પોતાને દીકરી, મા, પત્ની, બેન તરીકે જે ત્યાગ સેવા કરે છે તે આ મહિલા દિવસની ઉજવણી પ્રસંગે મહિલાઓ પ્રતિ સન્માન છે. આપણા દેશની સભ્યતા સંસ્કાર છે કે, મહિલા બાળદાત્રિ છે. જે સદીઓથી વિશ્વ કલ્યાણકારી છે. મહિલા શિક્ષણદાતા સરસ્વતીરૂપ છે એવી સશકત મહિલા સમૃધ્ધ ભારતનું નિર્માણ કરે છે. ''સશકત મહિલા સમૃધ્ધ ભારત' એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પરિકલ્પના છે. આરોગ્યની યોજનાઓ પૈકી પ્રધાનમંત્રી શ્રી દ્વારા શરૂ કરાયેલ આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત 4 કરોડ 70 લાખ ગરીબ બહેનોએ કેન્સર માટેના સ્તન સ્ક્રીનીંગ ટેસ્ટની તપાસ કરાવડાવી છે. જ્યારે 1.66 કરોડ બહેનોની સર્વાઇકલ કેન્સરની તપાસ થઇ છે. આયુષ્યમાન કાર્ડ હેઠળ 2400થી વધારે હોસ્પિટલમાં દેશના 10 કરોડ ગરીબ પરિવારોને વિનામૂલ્યે સારવાર અપાઈ છે.
છેવાડાના ગામડાની બહેનો આયુષ્માન કાર્ડ લઇ સરળતાથી સ્વાસ્થ્ય સેવા મેળવે છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ યોજનાનો પ્રારંભ કર્યો અને ઈચ્છા શકિત અને ઈરાદાથી આજે આ વિશાળ દેશમાં આયુષ્યમાન યોજના અમલી બની. દોઢ વર્ષમાં કોરોના વેકસીન પણ પ્રધાનમંત્રીશ્રીના આ દ્રઢ ઈરાદાથી જ મળી છે.
સરકારના 18મંત્રાલયો સાથે મળી મહિલા અને બાળ વિકાસ માટે કાર્યરત છે. પોષણ અભિયાનમાં દરેક વિભાગો પોતાની સેવા આપે છે. મહિલાઓ અને બાળકોને પ્રાથમિકતા આપવી એ સરકારનો પ્રયત્ન છે આજે 12 લાખ આંગણવાડીના પગલે 40 કરોડ મહિલા અને બાળકોને લાભ મળ્યો છે. દેશમાં 8.30 લાખ આંગણવાડી કાર્યકર્તાઓ ભારત સરકારના સૌજન્યથી મોબાઇલ ફોન દ્વારા ટેકનોલોજી થકી બાળ પોષણ અભિયાનનું સરવૈયું રાખી શકે છે. 10 લાખથી વધુ આંગણવાડી બહેનોની તાલીમ પોષણ અભિયાન હેઠળ અપાઇ છે.
દેશમાં લોકડાઉન હતું ત્યારે પણ મહિલાઓની મદદ માટે સખી વન સ્ટોપ કેન્દ્ર ચાલુ હતું. આજે દેશમાં 24 કરોડ બેંક ખાતા માત્રને માત્ર મહિલાઓના છે. દેશમાં મુદ્રા યોજનામાં લાભાર્થી મહિલાઓની સંખ્યા નોંધપાત્ર છે. મહિલાઓને 26 અઠવાડિયાની પ્રસુતિની સવેતન રજાઓ અપાય છે. સ્કીલ ઈન્ડિયા હેઠળ સેનાની ત્રણે સેવામાં મહિલાઓ સક્રિય યોગદાન આપી રહી છે, સૈન્ય સ્કૂલમાં દીકરીઓને પ્રવેશ અપાયો છે. શ્રીમતી ઈરાનીએ દેશના વિકાસમાં મહિલાઓના યોગદાનને મહત્વનું ગણાવ્યું હતું. સાધ્વી સંમિલનમાં ઉપસ્થિત
મહિલા સંતો સમક્ષ કેન્દ્રીય મંત્રી શ્રી સ્મૃતિ ઈરાની એ બે વચન ભિક્ષામાં માંગ્યા હતા, જેમાં કુપોષિત બાળકો માટેના પોષણ અભિયાનમાં જોડાવવા માટે દરેક ગામમાં પ્રચાર પ્રસાર થાય, તેમજ બેટી બચાવો બેટી પઢાવોની સાથે કન્યા ભૃણ હત્યા અટકે આ બાબતો સમાજમાં સંચારિત કરવાની વિનંતી તેમણે આ ભિક્ષા દ્વારા માંગી હતી.
આંતરરાષ્ટ્રીય મહિલા દિને કચ્છના સફેદ રણમાં રાજ્યનું પ્રથમ સાધ્વી સંમેલન યોજાયું હતું. આ સંમેલનને સાધ્વી ઋતંભરાજીએ દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લું મૂક્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી સાધ્વી નિરંજના જ્યોતિજીએ મહિલા આંતરરાષ્ટ્રીય દિવસે બે પડકારો મહત્વના ગણાવી તેના ઉપર ચિંતન કરવા મહિલા સંતોને અપીલ કરી હતી. વર્તમાન સમયમાં પરિવારને એક રાખવાનો અને પાશ્ચાત્ય સંસ્કૃતિથી દેશને બચાવવાનો પડકાર છે મહિલા સંતો સમાજને પડકારો સામે જાગૃત કરવા પ્રેરિત કરે તેવું સૂચન કર્યું હતું. કેન્દ્રીય રાજ્ય સ્વાસ્થ્ય મંત્રી ડો. ભારતી પવારે માતા જીજાબાઈ, સાવિત્રીબાઈ ફૂલે સહિતના અન્ય ઉદાહરણો દ્વારા માતૃ શક્તિને મહત્વની ગણાવી પૂર્વજોના આ સંસ્કાર વારસાને આગળ ધપાવવા ઉપર ભાર મૂક્યો હતો. સામાજિક અને રાજકીય ક્ષેત્રે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહિલા સશક્તીકરણ ક્ષેત્રે ખૂબ જ અસરકારક કામગીરી થઈ હોવાનું જણાવ્યું હતું. આવનારા સમયમાં પરિવાર, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહિલાઓનું યોગદાન અતિ મહત્વનું હોવાનું મંત્રી શ્રી ડો.પવારે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યભર માંથી વિવિધ સંપ્રદાય સાથે સંકળાયેલા મહિલા સંતો મોટી સંખ્યામાં જોડાયા હતા.
SD/GP/JD
(Release ID: 1804152)
Visitor Counter : 270