ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ આજે ગાઝિયાબાદમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઇએસએફ)ના 53મા સ્થાપના દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા.

Posted On: 06 MAR 2022 6:43PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રીએ સીઆઈએસએફના અધિકારીઓ અને જવાનોને વીરતા અને ઉત્કૃષ્ટ સેવાઓ માટે મેડલ અર્પણ કર્યા અને દળની પત્રિકા 'સેન્ટિનલ-2022'નું વિમોચન પણ કર્યું.

2.5 ટ્રિલિયન ડૉલરની આપણી અર્થવ્યવસ્થાની વિકાસ યાત્રામાં સીઆઇએસએફએ એક મૂક કાર્યકરની જેમ યોગદાન આપ્યું છે, સીઆઇએસએફ વિના આપણી આ સફર શક્ય ન હતી

આ આપણી આઝાદીના અમૃત મહોત્સવનું વર્ષ છે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશની 75 વર્ષથી 100 વર્ષ સુધીની આ યાત્રાને અમૃત કાળનાં રૂપમાં દેશની જનતા સમક્ષ મૂકી છે

અમૃત કાળ માત્ર મહિમા ગાવા માટે જ નથી પરંતુ આપણા ભાવિને અમૃતમય બનાવવા માટે છે, આ 25 વર્ષોમાં આપણે જે સંકલ્પ લઈશું તેની સિદ્ધિની યાત્રા સખત પરિશ્રમની સાથે 75 થી 100 વર્ષ સુધી લઈ જવાનું કામ કરવાનું છે

દેશને આત્મનિર્ભર બનાવવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નિર્ધારિત કરેલાં લક્ષ્યને આગળ વધારતા, સીઆઇએસએફએ 5 વર્ષનો એક રોડમેપ તૈયાર કરવો જોઈએ જેમાં આપણે સીઆઈએસએફને ભવિષ્યના 25 વર્ષ માટે તૈયાર કરીએ

સાથે જ, 25 વર્ષનો એક રોડમેપ તૈયાર કરવો જોઈએ જેના દ્વારા આપણે સીઆઈએસએફને શતાબ્દીનાં વર્ષમાં સજ્જ કરીને પરિણામલક્ષી સંસ્થા તરીકે જોઈ શકીએ

5 વર્ષની કાર્યયોજના એક આધાર તૈયાર કરવા માટે અને 25 વર્ષની કાર્યયોજના દેશનાં વધતાં જતાં અર્થતંત્રની સાથે તાલ મેળવવા માટે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનાં નેતૃત્વમાં આ બેઉને આપણે આ જ વર્ષે તૈયાર કરવાની છે

સીઆઇએસએફ સમક્ષ ઘણી બધી નવી સ્થિતિ આવશે, અઢી ટ્રિલિયન ડૉલરનાં અર્થતંત્રથી 5 ટ્રિલિયન ડૉલરનાં અર્થતંત્રની યાત્રામાં ઘણાં બધાં ખાનગી ક્ષેત્ર અને ઉત્પાદન ક્ષેત્રમાં મોટાં મોટાં એકમો સ્થાપિત થશે

દેશમાં ખાનગી સલામતીનું કામ બહુ ઝડપથી વધી રહ્યું છે, સરકારે આ માટે કાયદા અને નિયમો પણ બનાવ્યા છે, શું સીઆઇએસએફ એમની તાલીમની જવાબદારી લઈ શકે છે, ઔદ્યોગિક એકમોની સુરક્ષા કરતી ખાનગી સુરક્ષા એજન્સીની તાલીમની જવાબદારી પણ શું સીઆઇએસએફ લઈ શકે છે

આપણે એક હાઇબ્રિડ મોડેલ ઊભું કરવું જોઇએ જેની રણનીતિ તો સીઆઇએસએફ બનાવે પણ એમાં ખાનગી સુરક્ષા એજન્સીઓ અને સીઆઇએસએફ બેઉ હાઇબ્રિડ પદ્ધતિએ સુરક્ષાનું એક સંપૂર્ણ માળખું તૈયાર કરીને સુરક્ષા પૂરી પાડે અને ધીરે ધીરે એને ખાનગી સુરક્ષા એજન્સીઓને સુપરત કરી દેવામાં આવે

કોવિડ મહામારી અને વંદે ભારત અભિયાન દરમ્યાન જ્યારે દુનિયાભરથી ભારતીય પરત આવી રહ્યા હતા ત્યારે દરેક હવાઇ મથકે સીઆઇએસએફનો દરેક જવાન અત્યંત વિનમ્રતા અને પ્રેમની સાથે પોતાના દેશનાં ભાઇઓ અને બહેનોનું સ્વાગત કરતો હતો અને જોખમ પણ ઉઠાવતો હતો, દળના ઘણા જવાનો ચેપગ્રસ્ત પણ થયા અને તેમણે પોતાની જિંદગી પણ ગુમાવી

આ ફરજ દરમ્યાન વંદે ભારતના અગ્રહરોળના કાર્યકરો અને દેશના ઔદ્યોગિક ઉત્પાદનને વિના અવરોધ ચાલુ રાખવા માટે પોતાની જિંદગી ગુમાવનારા તમામ કર્મચારીઓને હું સમગ્ર દેશ અને સમગ્ર દળ તરફથી શ્રદ્ધાંજલિ આપવા માગું છું

સીઆઇએસએફે બહુકુશળ, બહુઆયામી અને વ્યવસાયિક દક્ષતાથી પોતાની એક વિશેષ ઓળખ ઊભી કરી છે, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ સમગ્ર વિશ્વમાં આ પ્રકારનું એકમાત્ર ઔદ્યોગિક સુરક્ષા દળ છે જે સરકારી કર્મચારીઓથી બનેલું છે અને બહુ સારી રીતે પોતાની ફરજ નિભાવે છે

સીઆઇએસએફને મળેલાં અસંખ્ય મેડલ અને પુરસ્કારો દળના જવાનોની પ્રતિબદ્ધતા અને બહાદુરીનો પુરાવો છે

CISF લગભગ 1,64,000ની તાકાત સાથે 354 સંવેદનશીલ અને મહત્વપૂર્ણ સંસ્થાનોમાં અને 65થી વધુ સંવેદનશીલ હવાઇ મથકો, દરિયાઈ બંદરો, પરમાણુ એકમો, અવકાશ મથકો, કોલસો, તેલ અને સ્ટીલ ઉત્પાદન સ્થળો અને સમુદ્રમાં પણ તેલ ઉત્પાદન પ્લાન્ટ્સમાં  પોતાની હાજરી ધરાવે છે અને ત્યાંની સુરક્ષા પણ કરે છે

તે ખૂબ જ પ્રશંસનીય છે કે લગભગ 22 વર્ષથી સીઆઇએસએફને દેશના સંવેદનશીલ અને મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હવાઇ મથકો પર સુરક્ષાની જવાબદારી મળી છે, ટુંક સમયમાં તેની જવાબદારીનો વ્યાપ વધુ વિસ્તારવા જઈ રહ્યો છે

દેશમાં જ્યારે મેટ્રો લાવવામાં આવી તો એની સુરક્ષાની જવાબદારી પણ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળને સોંપવામાં આવી અને આ એ સમય હતો જ્યારે લંડન મેટ્રોમાં વિસ્ફોટો થયા હતા

આપણે ત્યાં અહીં મેટ્રોની સુરક્ષાનું શું થશે એવી ઘણી હેડલાઇન્સ હતી, પરંતુ હું સીઆઇએસએફને અભિનંદન આપવા માગું છું, તેણે દિલ્હી મેટ્રોને ખૂબ જ સરળતાથી ચલાવવામાં મોટી ભૂમિકા ભજવી છે

તમામ સીએપીએફમાં CISF એકમાત્ર એવું દળ છે જેમાં અમે મહિલા કર્મચારીઓની સંખ્યા વધારી શકીએ છીએ કારણ કે હવાઇ મથક હોય કે મેટ્રો, તમારે દરરોજ 50% મહિલા મુસાફરોની સરળતાપૂર્વક મુસાફરી કરીને સુવિધામાં વધારો કરવાનો છે

CISFમાં મહિલા કર્મચારીઓનો ગુણોત્તર હાલ 94 અને 6નો છે, એને  ઓછામાં ઓછા 80 અને 20 સુધી લઈ જવાના પ્રયત્નો કરવા જોઈએ

દેશની સુરક્ષામાં પછી એ જમ્મુ-કાશ્મીર હોય કે નક્સલ પ્રભાવિત વિસ્તાર હોય, જ્યાં જ્યાં પણ સીઆઇએસએફ ગોઠવવામાં આવ્યું છે ત્યાં ઔદ્યોગિક સુરક્ષા દળ હોવા અને આ પ્રકારનાં કામની તાલીમ ન હોવા છતાં સીઆઇએસએફના જવાનોએ બહુ સારી રીતે કામ કર્યું છે અને ઘણી વાર વીરતાનું પ્રદર્શન પણ કર્યું છે

સીઆઇએસએફ સૌથી પહેલાં જવાબ આપનાર હોય છે એટલા માટે ચુસ્તી, સ્ફૂર્તિ અને પોતાના ધ્યેય પ્રત્યે સમર્પણ આ ત્રણેયને તાલીમનો મહત્વપૂર્ણ ભાગ બનાવવા પડશે, સાથે જ એક સાઈબર-ફિઝિકલ સિસ્ટમનું મોડેલ પણ તૈયાર કરવું પડશે

મોદી સરકારની આયુષ્માન સીએપીએફ યોજનાને સીઆઇએસએફમાં સોએ સો ટકા લાગુ કરવા માટે અભિનંદન, એની સાથે જ આવાસ ગુણોત્તર સુધારવા અને જવાનોનાં કલ્યાણનાં અન્ય કામો પર પણ ભાર આપવો જોઇએ

સીઆઇએસએફે વૃક્ષારોપણ અભિયાન હેઠળ 2020 અને 2021માં પોતાનાં લક્ષ્ય કરતા ઘણા વધારે રોપા વાવીને બહુ સુંદર કામ કર્યું છે

સમગ્ર દેશ અને સમગ્ર દેશનાં અર્થતંત્ર સાથે સંકળાયેલાં જગતને સીઆઇએસએફ પર ગૌરવ પણ છે અને અમે સૌ આપની સેવાઓની દિલથી પ્રશંસા પણ કરીએ છીએ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ આજે ગાઝિયાબાદમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઇએસએફ)ના 53મા સ્થાપના દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ તહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રીએ પરેડની સલામી ઝીલી અને વીરતા અને ઉત્કૃષ્ટ સેવાઓ માટે સીઆઇએસએફના અધિકારીઓ અને જવાનોને પદક એનાયત કર્યા હતા. શ્રી અમિત શાહે દળની પત્રિકા ‘સેન્ટિનલ 2022’નું વિમોચન પણ કર્યું હતું. સમારોહમાં કેન્દ્રીય ગૃહ સચિવ, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના મહાનિર્દેશક, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના મહાનિદેશક, ભારત સરકારના વરિષ્ઠ અધિકારી અને સીઆઇએસએફના અધિકારીઓ અને જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001KO6M.jpg

પોતાનાં સંબોધનમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું હતું કે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના 52 વર્ષના ઇતિહાસને જોતા આજનો દિવસ સમગ્ર દેશના સમગ્ર ઔદ્યોગિક વિકાસ માટે એક બહુ જ મહત્વપૂર્ણ દિવસ છે. શ્રી અમિત શાહે કહ્યું કે 2.5 ટ્રિલિયન ડૉલરનાં આપણાં અર્થતંત્રની વિકાસયાત્રામાં સીઆઇએસએફે એક મૌન કર્મયોગીની જેમ પોતાનું યોગદાન આપ્યું છે અને અઢી ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાની આપણી આ યાત્રા સીઆઇએસએફ વિના શક્ય ન બની હોત. શ્રી શાહે કહ્યું કે જેણે પણ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળની સ્થાપના વિશે વિચાર્યું અને દૂરદર્શિતાનું આ કામ કર્યું હશે કે ભારતની ઔદ્યોગિક વિકાસ અને ઉત્પાદનની યાત્રામાં એક એવા દળની જરૂર પડશે જે ઉત્પાદનને સારી રીતે રાતદિન-અહર્નિશ ચલાવી શકે અને એને સુરક્ષિત રાખે. સીઆઇએસએફે એ કલ્પનાને ચરિતાર્થ કરવામાં કોઇ કચાશ છોડી નથી અને એ માટે હું જવાનથી લઈને મહાનિદેશક સુધી સમગ્ર દળના તમામ કર્મીઓને હાર્દિક શુભકામનાઓ અને અભિનંદન આપવા માગું છું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002W88G.jpg

શ્રી અમિત શાહે કહ્યું કે કોવિડ મહામારી અને વંદે ભારત અભિયાન દરમ્યાન જ્યારે દુનિયાભરમાંથી ભારતીયો પરત આવી રહ્યા હતા ત્યારે દરેક હવાઇ મથકે સીઆઇએસએફનો દરેક જવાન અત્યંત વિનમ્રતાથી અને પ્રેમપૂર્વક પોતાના દેશનાં ભાઇઓ અને બહેનોનું સ્વાગત કરતો હતો અને જોખમ પણ ઉઠાવતો હતો. દળના ઘણા જવાન સંક્રમિત પણ થયા અને તેમણે પોતાનો જીવ પણ ગુમાવ્યો. આ ફરજ દરમ્યાન, વંદે ભારતના અગ્ર હરોળના કાર્યકરો અને દેશના ઔદ્યોગિક ઉત્પાદનને અવરોધ વિના ચાલુ રાખવા માટે પોતાનો જીવ ગુમાવનારા તમામ કર્મીઓને હું સમગ્ર દેશ અને સમગ્ર દળ વતી શ્રદ્ધાંજલિ આપવા માગું છું. શ્રી અમિત શાહે કહ્યું કે આજકાલ ઓપરેશન ગંગા ચાલી રહ્યું છે અને સીઆઇએસએફના જવાનો બહુ વિનમ્રતાથી યુક્રેનથી પાછા ફરી રહેલા વિદ્યાર્થીઓનું સ્વાગત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે સીઆઇએસએફનો જે ઉદ્દેશ નિર્ધારિત કરવામાં આવ્યો હતો એને પૂર્ણ કરવા માટે તેણે કોઇ કચાશ રાખી નથી. સીઆઇએસએફે બહુકુશળ, બહુ આયામી અને વ્યવસાયિક કાર્યદક્ષતાથી પોતાની એક વિશેષ ઓળખ ઊભી કરીએ છે અને હું કોઇ પણ જાતના ખચકાટ વિના કહી શકું છું કે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ સમગ્ર વિશ્વમાં આ પ્રકારનું એક માત્ર ઔદ્યોગિક સુરક્ષા દળ છે જે સરકારી કર્મચારીઓથી બન્યું છે અને બહુ સુંદર રીતે પોતાની ફરજો અદા કરી રહ્યું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003HQE7.jpg

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે સીઆઇએસએફને મળેલા અનેક પદક અને પુરસ્કાર દળના જવાનોની પ્રતિબદ્ધતા અને વીરતાનું પ્રમાણ છે. સીઆઇએસએફ લગભગ 1,64,000 જવાઓની તાકાતની સાથે 354 સંવેદનશીલ અને મહત્વપૂર્ણ સંસ્થાનો અને 65થી વધુ સંવેદનશીલ હવાઇ મથકો, બંદરો, પરમાણુ એકમો, અવકાશ સંસ્થાનો, કોલસા, તેલ અને સ્ટીલનાં ઉત્પાદન સ્થળો તેમજ સમુદ્રમાં પણ તેલ ઉત્પાદન પ્લાન્ટ્સમાં પોતાની હાજરી નોંધાવે છે અને ત્યાંની સુરક્ષા પણ કરે છે. શ્રી અમિત શાહે કહ્યું કે આ બહુ જ પ્રશંસનીય છે કે લગભગ 22 વર્ષોથી દેશના સંવેદનશીલ અને  મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હવાઇ મથકો પર સુરક્ષાની જવાબદારી સીઆઇએસએફને મળી છે. થોડા સમયમાં જ એમની જવાબદારીનો વ્યાપ વધુ વિસ્તૃત થવાનો છે.

શ્રી અમિત શાહે કહ્યું કે દેશમાં જ્યારે મેટ્રો લાવવામાં આવી ત્યારે એની સુરક્ષાની જવાબદારી પણ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળને સોંપવામાં આવી અને આ એ સમય હતો જ્યારે લંડન મેટ્રોમાં વિસ્ફોટો થયા હતા. મોટી મોટી હેડલાઇન્સ બની હતી કે આપણે ત્યાં મેટ્રોની સુરક્ષાનું શું થશે. પણ હું સીઆઇએસએફને અભિનંદન આપવા માગું છું કે તેણે દિલ્હી મેટ્રોને બહુ સારી રીતે ચલાવવામાં બહુ જ મોટી ભૂમિકા અદા કરી છે. ગૃહ મંત્રીએ કહ્યું કે તમામ સીએપીએફમાં સીઆઇએસએફ જ એકમાત્ર એવું દળ છે જેમાં આપણે મહિલા કર્મચારીઓની સંખ્યા વધારી શકીએ છીએ કેમ કે હવાઇ મથક હોય કે મેટ્રો હોય, ત્યાં દરરોજ તમારે 50% મહિલા યાત્રીઓને સારી રીતે યાત્રા કરવાની સાથે એમની સુવિધા પણ વધારવાની છે. હું આજે આ મંચ પરથી સીઆઇએસએફના મહાનિદેશકને એ અવશ્ય કહેવા માગું છું કે આ દિશામાં ખાસ વિચારીને વિશેષ પ્રયાસ કરીને સીઆઇએસએફમાં મહિલા કર્મચારીઓનો ગુણોત્તર જે અત્યારે 94 અને 6નો છે એને ઓછામાં ઓછો 80 અને 20 સુધી લાવવાના પ્રયાસો કરવા જોઇએ. શ્રી અમિત શાહે કહ્યું કે દેશની સુરક્ષામાં, પછી તે જમ્મુ-કાશ્મીર હોય કે નક્સલ અસરગ્રસ્ત વિસ્તાર હોય, જ્યાં જ્યાં પણ સીઆઇએસએફને ગોઠવવામાં આવ્યું છે ત્યા6 ઔદ્યોગિક સુરક્ષા દળ હોવા અને આ પ્રકારની તાલીમ ન હોવા છતાં સીઆઇએસએફના જવાનોએ બહુ સારી રીતે કામ કર્યું છે અને ઘણી વાર વીરતાનું પ્રદર્શન પણ કર્યું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004TK11.jpg

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે આ આપણી આઝાદીના અમૃત મહોત્સવનું વર્ષ છે. આઝાદીનાં 75 વર્ષો કોઇ પણ દેશ માટે ઉપલબ્ધિઓનાં વર્ષો હોય છે. આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ એ નિર્ણય લીધો છે કે આઝાદીના અમૃત મહોત્સવમાં આઝાદી પ્રાપ્ત કરવા માટે પોતાનાં જીવનનું બલિદાન આપનારા અને પોતાનું સર્વસ્વ ગુમાવી દેનારા વીરોથી યુવા પેઢી પરિચિત થાય અને એની સાથે આઝાદીની શતાબ્દી મનાવીએ ત્યારે દેશ ક્યાં હશે એનો સંકલ્પ લેવાનું વર્ષ પણ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ 75 વર્ષોથી 100 વર્ષો સુધીની દેશની આ યાત્રાને અમૃત કાળ તરીકે દેશની જનતા સમક્ષ મૂકી છે. અમૃત કાળ માત્ર ગૌરવ ગાન માટે જ નથી પણ આપણાં ભવિષ્યને અમૃતમય બનાવવા માટે છે. જે સંકલ્પો આપણે આ 25 વર્ષોમાં લઈશું એની સિદ્ધિની યાત્રા કઠોર પરિશ્રમની સાથે 75 થી 100 વર્ષો સુધી લઈ જવાનું કામ કરવાનું છે.

શ્રી અમિત શાહે કહ્યું કે સીઆઇએસએફ સમક્ષ ઘણી નવી સ્થિતિઓ આવશે. અઢી ટ્રિલિયન ડૉલરની ઈકોનોમીથી 5 ટ્રિલિયન ડૉલરની ઈકોનોમીની યાત્રામાં ઘણાં બધાં ખાનગી ક્ષેત્ર અને ઉત્પાદન ક્ષેત્રમાં મોટાં મોટાં એકમો સ્થાપિત થશે. સંરક્ષણ ક્ષેત્ર, અવકાશ અને ડ્રોન સહિત દરેક ક્ષેત્રમાં ઘણું બધું ખાનગી ઔદ્યોગિક ઉત્પાદન પણ થવાનું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ દેશને આત્મનિર્ભર બનાવવા માટેનું જે લક્ષ્ય મૂક્યું છે એને આગળ વધારતા સીઆઇએસએફે 5 વર્ષનો એક રોડમેપ તૈયાર કરવો જોઇએ જેમાં આપણે સીઆઇએસએફને ભવિષ્યનાં 25 વર્ષો માટે તૈયાર કરીએ. સાથે જ 25 વર્ષનો એક રોડમેપ તૈયાર કરવામાં આવે જેના દ્વારા આપણે સીઆઇએસએફને શતાબ્દી વર્ષમાં સુસજ્જ કરીને પરિણામ આપનારી સંસ્થા તરીકે જોઇએ. તેમણે કહ્યું કે દેશમાં ખાનગી સુરક્ષાનું કામ બહુ ઝડપથી વધી રહ્યું છે, સરકારે એ માટે કાયદા અને નિયમો પણ બનાવ્યા છે. શું સીઆઇએસએફ એમની તાલીમની જવાબદારી લઈ શકે છે? ઔદ્યોગિક એકમોની સુરક્ષા કરતી ખાનગી સુરક્ષા એજન્સીઓની તાલીમની જવાબદારી પણ શું સીઆઇએસએફ લઈ શકે છે? શ્રી અમિત શાહે કહ્યું કે કેટલાંક મોડેલ્સ બનાવી શકાય છે જેમ કે 1000 કર્મચારીઓવાળા ઉત્પાદન એકમો, 5000 અને 10000 કર્મચારીઓ ધરાવતા ઉત્પાદન એકમો. સાથે જ અમુક પસંદગીનાં ક્ષેત્રોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એમની સુરક્ષાનું મોડેલ. આ તમામ કાર્ય કરીને ખાનગી એજન્સીઓની દક્ષતા પણ વધારવી પડશે કેમ કે સીઆઇએસએફ એલકું સમગ્ર દેશનાં ઔદ્યોગિક ક્ષેત્રની સુરક્ષા સુનિશ્ચિત ન કરી શકે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005T1PJ.jpg

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે આપણે એક હાઇબ્રિડ મોડેલ ઊભું કરવું જોઇએ જેની રણનીતિ તો સીઆઇએસએફ બનાવે પણ એમાં ખાનગી સુરક્ષા એજન્સીઓ અને સીઆઇએસએફ બેઉ હાઇબ્રિડ પદ્ધતિએ સુરક્ષાનું એક સંપૂર્ણ માળખું તૈયાર કરીને સુરક્ષા પૂરી પાડે અને ધીમે ધીમે ખાનગી સુરક્ષા એજન્સીઓને સુપરત કરવામાં આવે. તેમણે કહ્યું કે આપણાં સરહદી ક્ષેત્ર અને સમુદ્રી કિનારાના ઔદ્યોગિક એકમો પર ડ્રોનનું જોખમ ઘણું વધી રહ્યું હોવાનું દેખાય છે. એને ધ્યાનમાં રાખીને ડ્રોન વિરોધી મોડેલ્સ અને ડ્રોન અવરોધક ટેકનોલોજી તૈયાર કરવા માટે કામ કરી રહેલા ડીઆરડીઓ અને બીએસએફ જેવી સંસ્થાઓ સાથે મળીને સીઆઇએસએફે ઔદ્યોગિક સુરક્ષામાં ડ્રોન રોધી એકમો કેવી રીતે કામ કરે અને એનાથી ઔદ્યોગિક ઉત્પાદન કરતા એકમોને કેવી રીતે સુરક્ષિત કરી શકાય એ દિશામાં આગળ વધવું પડશે.

શ્રી અમિત શાહે કહ્યું કે સીઆઇએસએફ સૌથી પહેલા પ્રતિસાદ આપનારામાં હોય છે એટલે ચુસ્તી, સ્ફૂર્તિ અને પોતાના ધ્યેય પ્રત્યે સમર્પણ, આ ત્રણેયને તાલીમનો મહત્વપૂર્ણ ભાગ બનાવવા પડશે. સાથે જ, એક સાયબર-ફિઝિકલ સિસ્ટમનું મોડેલ પણ તૈયાર કરવું પડશે. ગૃહ મંત્રીએ મોદી સરકારની આયુષ્માન સીએપીએફ યોજનાને સીઆઇએસએફમાં સોએ સો ટકા લાગુ કરવા માટે અભિનંદન આપતા કહ્યું કે એની સાથે જ આવાસનો ગુણોત્તર સુધારવા અને જવાનોનાં કલ્યાણનાં અન્ય કામો પર પણ ભાર આપવો જોઇએ. શ્રી શાહે કહ્યું કે સીઆઇએસએફે વૃક્ષારોપણ અભિયાન હેઠળ 2020 અને 2021માં પોતાનાં લક્ષ્ય કરતા ઘણાં વધારે રોપા વાવીને બહુ સુંદર કાર્ય કર્યું છે. તેમણે કહ્યું કે આજે હું એક વાર ફરી સીઆઇએસએફના તમામ જવાનોને એ કહેવા માગું છું કે દેશની ઔદ્યોગિક સુરક્ષા અને ઔદ્યોગિક ઉત્પાદન આપના વિના શાંતિથી શક્ય નથી. એટલે આપણે આવનારા સમયના પડકારોને ઓળખવાના પણ છે અને એ માટે પોતાની જાતને તૈયાર પણ કરવી પડશે. આને ધ્યાનમાં રાખીને સીઆઇએસએફે પોતાનાં લક્ષ્યો નિર્ધારિત કરવા પડશે. 5 વર્ષની કાર્ય યોજના એક આધાર તૈયાર કરવા માટે અને 25 વર્ષની કાર્ય યોજના દેશનાં વધતાં અર્થતંત્રની સાથે તાલ મેળવવા માટે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનાં નેતૃત્વમાં આ બેઉને આપણે આ વર્ષે જ તૈયાર કરવાનાં છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે સમગ્ર દેશ અને સમગ્ર દેશનાં અર્થતંત્ર સાથે જોડાયેલ જગતને સીઆઇએસએફ પર ગર્વ પણ છે અને અમે સૌ આપની સેવાઓની દિલથી ઘણી પ્રશંસા પણ કરીએ છીએ.

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1803375) Visitor Counter : 217