સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
કેવડિયા-એકતાનગરમાં ટેન્ટસિટી-૨ ખાતે રાજ્ય દિવ્યાંગજન આયુકતો માટે યોજાયેલી દ્વિદિવસીય સંવેદના કાર્યશાળાનું આજે સમાપન
નર્મદા જિલ્લામાં ચાલતા "નોધારાનો આધાર" પ્રોજેક્ટ દ્વારા વિવિધ રાજ્યોને પણ પ્રેરણા મળશેઃ કેન્દ્રીય મંત્રી ડૉ. વીરેન્દ્રકુમાર
કેન્દ્રીય મંત્રી ડૉ. વીરેન્દ્રકુમારે સમગ્ર ભારતમાંથી આવેલા પ્રતિનિધિઓ સાથે દિવ્યાંગજનોના ઉત્કર્ષ માટેના વિચારોની આપલે કરી
વિવિધ રાજ્યો દ્વારા દિવ્યાંગજન સમાવેશીકરણની દિશામાં ઉત્તમ કાર્યના સંદર્ભમાં પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું
Posted On:
05 MAR 2022 3:45PM by PIB Ahmedabad
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દિવ્યાંગજન સશક્તીકરણ વિભાગ અને મુખ્ય દિવ્યાંગજન આયુક્ત કાર્યાલય નવી દિલ્હીના સંયુક્ત ઉપક્રમે કેવડિયા-એકતાનગરમાં ટેન્ટસિટી-૨ ખાતે રાજ્ય દિવ્યાંગજન આયુકતો માટે યોજાયેલી દ્વિદિવસીય સંવેદના કાર્યશાળાનું આજે સમાપન કરવામાં આવ્યું હતું. માનનીય કેન્દ્રીય મંત્રી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી વિરેન્દ્ર કુમાર આ બે દિવસની કાર્યશાળામાં થયેલી ચર્ચામાં ઉપસ્થિત હતા. આજની કાર્યશાળામાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ જેવા કે આંધ્ર પ્રદેશ, હરિયાણા, પંજાબ ,ચંદીગઢ, મધ્યપ્રદેશ ,નાગાલેન્ડ, ઉત્તર પ્રદેશ તેમજ તામિલનાડુ વગેરે રાજ્યો દ્વારા દિવ્યાંગજન સમાવેશીકરણની દિશામાં ઉત્તમ કાર્યના સંદર્ભમાં પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું અને તેમને દિવ્યાંગોની સશક્તીકરણની દિશામાં અને તેમના કાર્યક્રમો તથા દિવ્યાંગજનોના અધિકારોનું સંરક્ષણ કરવા માટે થઈ રહેલ પ્રયાસના સંબંધમાં મહત્વપૂર્ણ માહિતી આપી હતી.
માનનીય કેન્દ્રીય સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ડૉ. વીરેન્દ્રકુમારે રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા દિવ્યાંગજનોના સશક્તીકરણ માટે ઉઠાવવામાં આવેલા પગલાની પ્રશંસા કરી હતી. તેમણે દરેક રાજ્યોને આગ્રહ કર્યો કે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની બાબતમાં જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવે કે જેથી એનો લાભ દરેક જરૂરિયાતમંદ દિવ્યાંગજનોને મળી રહે અને સાથે સરકારના દરેક સ્તર પર કાર્ય કરી રહેલા કર્મચારીઓમાં પણ જાગૃતિ લાવવાની જરૂર છે તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના સશક્તીકરણ વિભાગના સચિવ અંજની ભાવરા ઉપસ્થિત હતા.
આ પ્રસંગે સામાન્ય ન્યાય અને અધિકારીતા કેન્દ્રીય મંત્રી ડૉ. વીરેન્દ્રકુમારે સમગ્ર ભારતમાંથી આવેલા પ્રતિનિધિઓ સાથે દિવ્યાંગજનોના ઉત્કર્ષ માટેના વિચારોની આપલે કરી વિવિધ પ્રાંતમાં થતા દિવ્યાંગજનોના ઉત્કર્ષની ચર્ચા કરી. ખાસ કરી ને નર્મદા જિલ્લામાં ચાલતા "નોધારાનો આધાર" પ્રોજેક્ટ દ્વારા વિવિધ રાજ્યોને પણ પ્રેરણા મળશે તેમ મંત્રી શ્રી વીરેન્દ્રકુમારે જણાવી "નોધારાનો આધાર" પ્રોજેક્ટ વિશે જરૂરી માર્ગદર્શન પણ પુરૂ પાડ્યું હતું. અન્ય મહાનુભાવોએ પણ "નોધારાનો આધાર" પ્રોજેક્ટની પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની ડોક્યુમેન્ટરી નિહાળી હતી.
જિલ્લા કલેકટર શ્રી ડી. એ. શાહે રાજ્ય દિવ્યાંગજન આયુકતો માટે યોજાયેલી દ્વિદિવસીય સંવેદના કાર્યશાળાના સમાપન સમારોહમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લો એ એસ્પિરેશન જિલ્લો છે. દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ અનેકવિધ જનકલ્યાણ લક્ષી યોજનાઓ અમલમાં છે, ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા સહિત અંતરિયાળ અને છેવાડાના લોકોને પણ વિવિધ યોજનાઓના લાભો સરળતાથી મળી રહે તેવા પ્રયાસો થઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્માઈલ યોજના દ્રારા જે લાભો આપવામાં આવી રહ્યા છે. તેવા જ લાભો "નોધારાનો આધાર" પ્રોજેક્ટ હેઠળ આપવામાં આવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964