સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
પૂજ્ય રવિશંકર મહારાજની ૧૩૮મી જન્મ જયંતી નિમિત્તે ખેડા જિલ્લાના ખાત્રજ ખાતે કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ, સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પદયાત્રા કાર્યક્રમ યોજાયો
રાજ્યને સમૃધ્ધ બનાવવામાં પૂજ્ય રવિશંકર મહારાજનું યોગદાન અમૂલ્યઃ કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ
પૂ.રવિશંકર મહારાજના સેવા કાર્યોમાંથી પ્રેરણા લઇ વિવિધ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાઇએઃ સાંસદશ્રી સી.આર.પાટીલ
Posted On:
27 FEB 2022 9:04PM by PIB Ahmedabad
આજે પૂજ્ય રવિશંકર મહારાજની ૧૩૮મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલ ખાત્રજ ચોકડીથી પૂજ્ય રવિશંકર મહારાજના વતન સરસવણી સુધીની ૨૦ કિલોમીટરની પદયાત્રાનું આયોજન થયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે પૂજ્ય રવિશંકર મહારાજના રાજ્ય પ્રત્યેના યોગદાનને યાદ કર્યુ હતું અને કહ્યું હતું કે રાજ્યને સમૃદ્ધ બનાવવામાં તેમનું અમૂલ્ય યોગદાન રહ્યું છે.
પૂજ્ય રવિશંકર મહારાજની ૧૩૮મી જન્મ જયંતી નિમિત્તે ખેડા જિલ્લાના ખાત્રજ ખાતે કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ, સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પદયાત્રા કાર્યક્રમ યોજાયો હતો.
"ઘસાઇને ઉજળા થઇએ, બીજાને ખપમાં આવીએ" સૂત્રને જીવનમાં ચરિતાર્થ કરનાર પૂજ્ય રવિશંકર મહારાજના સેવાકાર્યોમાંથી પ્રેરણા લઇ વિવિધ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાઇ જવું જોઇએ તેમ નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલએ આજે પૂજ્ય રવિશંકર મહારાજની ૧૩૮મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલ ખાત્રજ ચોકડીથી પૂજ્ય રવિશંકર મહારાજના વતન સરસવણી સુધીની ૨૦ કિલોમીટરની પદયાત્રાનો પ્રારંભ કરાવતાં જણાવ્યું હતું. તેઓશ્રીએ જણાવ્યું કે પૂજ્ય રવિશંકર મહારાજે ૬ હજાર કિલોમીટર જેટલો પ્રવાસ કરી પ્રજામાં જન જાગૃત્તિ ફેલાવી ગુજરાત રાજ્યની સ્થાપનામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. તેઓશ્રીએ કોઇપણ જાતના સત્તાના મોહ વગર સમર્પણની ભાવનાથી ગુજરાતની પ્રજા માટે કામ કર્યુ છે. રાજ્યને સમૃધ્ધ બનાવવામાં તેમનું યોગદાન અમૂલ્ય છે. ભૂમિદાન મેળવવામાં પણ તેમનો અમૂલ્ય ફાળો રહ્યો છે.
આ પ્રસંગે જિલ્લામાં વિવિધ સેવાકીય કાર્યો કરનાર સંસ્થાઓ અને વ્યક્તિઓને શ્રી પાટીલના હસ્તે એવોર્ડ એનાયત કરાયા હતા. તેમજ સેવાકાર્યો કરનાર તમામ સંસ્થાઓ / વ્યક્તિઓને અભિનંદન પાઠવી બાકીના લોકોએ તેમનામાંથી પ્રેરણા લઇ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાઇ જવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં ગ્રામ વિકાસ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણે સ્વાગત પ્રવચનમાં પદયાત્રાની માહિતી આપી પૂજ્ય રવિશંકર મહારાજના વિચારો અને કાર્યોને અનુસરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પૂજ્ય રવિશંકર મહારાજના જીવન ઉપર લખાયેલ 'લોકરૂષિ' પુસ્તિકાનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરાયુ હતું.
દેશભરમાં ચાલી રહેલ પલ્સ પોલિયો નાબૂદી અભિયાનના ભાગરૂપે યોજાયેલ પલ્સ પોલિયો કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બાળકોને પોલીયોની રસીના ટીપા પીવડાવી પ્રારંભ કરાવ્યો હતો.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ, દંડકશ્રી પંકજભાઇ દેસાઇ, શ્રી ગોરધનભાઇ ઝડફીયા, ધારાસભ્યશ્રી કેસરીસિંહ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન, પૂજ્ય રવિશંકર મહારાજના પૌત્ર શ્રી કૃપાશંકર, મહેમદાવાદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી શીલાબેન વ્યાસ,શ્રી હસમુખભાઇ પટેલ, શ્રી વસંતભાઇ પટેલ, શ્રી વિપુલભાઇ પટેલ સહિત પદયાત્રીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964