રેલવે મંત્રાલય
કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબહેન જરદોશે મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ કૉરિડોરનાં નિર્માણ કાર્યની સમીક્ષા કરી
સુરત-વાપી વચ્ચે ચાર સ્થળોએ નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું
જિઓ ટેકનિકલ તપાસ માટે એશિયાની સૌથી મોટી લેબ સુરતમાં વિકસાવાઈ
“બુલેટ ટ્રેન એટલે વિકાસ અને વિકાસ એટલે રોજગારની તકો”
“બુલેટ ટ્રેન પરિયોજનાથી એક લાખ લોકોને રોજગાર- એક ભારત, શ્રેષ્ઠ ભારતનું જીવંત ઉદાહરણ”
Posted On:
17 FEB 2022 6:44PM by PIB Ahmedabad
સુરત, તા. 17
કેન્દ્રીય રેલવે અને ટેક્સ્ટાઇલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબહેન જરદોશે આજે મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ પરિયોજનાના ચાલી રહેલા નિર્માણ કાર્યની સમીક્ષા કરી હતી. તેમણે સુરત અને વાપી વચ્ચે ચાર સ્થળોએ નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું, માનનીય મંત્રીશ્રીની સાથે નેશનલ હાઇ સ્પીડ રેલવે કૉરિડોર (એનએચએસઆરએલ)ના એમડી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.
તેમણે 1100 ટન ક્ષમતાના સ્ટ્રેડલ કેરિયર અને બ્રિજ ગેન્ટ્રી જેવા ભારે ઉપકરણો નિહાળ્યા હતા.
શ્રીમતી જરદોશે નવસારી જિલ્લાના પડઘા, નસલીપોર, કછોલ અને વલસાડના પથરી ખાતે બુલેટ ટ્રેન પરિયોજનાના સ્થળોની મુલાકાત લઈને નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે આ પરિયોજનાઓમાં જોડાયેલા ઇજનેરો અને શ્રમિકો સાથે પણ વાતચીત કરી હતી જેઓ દેશના વિભિન્ન પ્રાંત-પ્રદેશો-શહેરોથી અહીં આવ્યા છે. મંત્રીશ્રીએ આનંદ વ્યક્ત કર્યો કે આઝાદીના અમૃતકાળમાં પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતનાં સપનાનાં સાકાર કરવા માટે ગતિ અને શક્તિની આ મહત્વાકાંક્ષી પરિયોજનામાં મિનિ ભારત જાણે એકત્ર થયું છે અને એક ભારત, શ્રેષ્ઠ ભારતનું ઉદાહરણ અહીં જોવા મળે છે. તેમણે આનંદ વ્યક્ત કર્યો કે મોટી સંખ્યામાં બહેનો પણ અહીં કામ કરતી જોવા મળે છે.
તેમણે જણાવ્યું કે બુલેટ ટ્રેન પરિયોજના એટલે વિકાસ અને વિકાસ એટલે રોજગારની તકો. આ પરિયોજનામાં એક લાખ લોકો જોડાયાં છે. મહામારીના સમયમાં પણ કામ ચાલુ રહ્યું છે એ મહત્વપૂર્ણ બાબત છે.
અંતમાં શ્રીમતી દર્શનાબહેને દમણગંગા નદી સ્થળની મુલાકાત પણ લીધી હતી જ્યાં નદીના પુલનો પાયો તૈયાર થઈ રહ્યો છે.
અધિકારીઓ દ્વારા મંત્રીશ્રીને માહિતી અપાઇ કે ગુજરાત રાજ્યમાં (352 કિમી) 100 ટકા સિવિલ ટેન્ડર્સ ભારતીય કૉન્ટ્રાક્ટર્સને આપવામાં આવ્યા છે. સમગ્ર 325 કિમી વિસ્તારમાં 98.6% જમીન સંપાદન કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે અને નિર્માણ કાર્ય શરૂ થઈ ચૂક્યું છે. ગુજરાતના 8 જિલ્લાઓમાં પિઅર્સ, ફાઉન્ડેશન, કાસ્ટિંગ અને ગર્ડર ઊભી કરવાનું તેમજ સ્ટેશનો માટેનું કાર્ય શરૂ થયું છે. 352 કિમીમાંથી 325 કિમીમાં જિઓટેકનિકલ તપાસ કાર્ય સંપન્ન થયું છે. જિઓ ટેકનિકલ તપાસ માટે એશિયાની સૌથી મોટી જિઓ ટેકનિકલ લેબ સુરતમાં વિકસાવાઇ છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964