પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય

ખેડા જિલ્લાના વાત્રક નદી ઉપર વાસણાખુર્દ અને મોટા દેદરડાનો જોડતો રૂ. ૯૫૭ લાખના ખર્ચે તૈયાર થનાર પુલનું ખાતમૂર્હત કરાયુ


લોકશાહીમાં સરકાર અને પ્રજાના સહિયારા પ્રયાસોથી રાષ્‍ટ્રનો વિકાસ થાય છે: કેન્‍દ્રીય સંચારમંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ

Posted On: 13 FEB 2022 7:46PM by PIB Ahmedabad

લોકશાહીમાં પ્રજાની જરૂરિયાત મુજબ સરકાર યોજનાઓ બનાવે છે અને તેનું અમલીકરણ કરે છે. ત્‍યારે સરકાર અને પ્રજાના સહિયારા પ્રયાસોથી રાષ્‍ટ્રનો વિકાસ થાય છે. તેમ આજે વાત્રક નદી ઉપર વાસણાખુર્દ અને મોટા દેદરડા ગામનો જોડતો અંદાજીત રૂ. ૯૫૭ લાખના ખર્ચે નિર્માણ થનાર પુલનું ખાતમૂહર્ત કરતાં કેન્‍દ્રીય સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્‍યું હતું. તેઓશ્રીએ જણાવ્‍યું કે આ ગામોની વર્ષો જૂની માંગણી પૂરી થઇ છે ત્‍યારે આ પુલના નિર્માણથી આજુબાજુના ૭ થી ૮ ગામોને લાભ મળનાર છે. આ પુલની કુલ લંબાઇ ૨૪૦ મીટર અને પહોળાઇ ૭.૫૦ મીટર રાખવામાં આવનાર છે. આ પુલ આગામી ૧૮ માસમાં પૂર્ણ કરવામાં આવશે તેમ તેઓશ્રીએ ઉમેર્યુ હતું.

ગ્રામ વિકાસ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્‍યું કે પુલના નિર્માણથી પ્રજાના સમયની સાથે સાથે ડિઝલ અને પેટ્રોલની પણ બચત થશે. તેઓશ્રીએ ઉમેર્યુ કે હાલ જિલ્‍લામાં અનેક જગ્‍યાએ પુલોના નિર્માણનું કામ ચાલી રહ્યું છે જ્યારે કેટલાક પૂર્ણતાને આરે છે ત્‍યારે આવા પુલોના નિર્માણથી ગ્રામજનોને ધંધા-રોજગારમાં ખૂબ ઉપયોગી સાબિત થશે.

 કાર્યક્રમમાં માતરના ધારાસભ્‍યશ્રી કેસરીસિંહ સોલંકીએ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. આ કાર્યક્રમમાં જિલ્‍લા પંચાયત સદસ્‍યશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, વાસણાખુર્દ, મોટા દેદરડા તથા આસપાસના ગામોના સરપંચશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા ગ્રામજનો વિશાળ સંખ્‍યામાં હાજર રહ્યા હતા.

SD/GP/JD
 



(Release ID: 1798125) Visitor Counter : 118