સંરક્ષણ મંત્રાલય

100 નવી સૈનિક શાળાઓમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે ઇ-કાઉન્સેલિંગ

Posted On: 07 FEB 2022 4:19PM by PIB Ahmedabad

સમગ્ર દેશમાં 100 નવી સૈનિક શાળાઓ ઉભી કરવાના સરકારના લક્ષ્યની દિશામાં આગળ વધીને, સૈનિક સ્કૂલ સોસાયટી (SSS) હાલમાં ઇ-કાઉન્સેલિંગ હાથ ધરવા માટે સ્વયંચાલિત સિસ્ટમ તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહી છે. સૈનિક શાળાઓમાં પ્રવેશ માટે ઇ-કાઉન્સેલિંગની રજૂઆત પ્રથમ વખત કરવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુરૂપ અને સૈનિક શાળાઓના અભ્યાસક્રમનું પાલન કરીને સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓને સૈનિક શાળાઓમાં અભ્યાસની તકો પૂરી પાડવાની સરકારની દૂરંદેશીના ભાગરૂપે નવી શાળાઓમાં તે સિસ્ટમ લાગુ કરવામાં આવશે. 

પ્રક્રિયા

સૈનિક સ્કૂલ સોસાયટી (SSS) નિયત સમયમાં ઇ-કાઉન્સેલિંગ માટે અરજી કરવા માટે વિદ્યાર્થીઓને વ્યાપક રીતે જાણ કરવા માટે જાહેરાત કરશે. SSS દ્વારા સૂચવ્યા અનુસાર ક્વોલિફાઇ થવા માટેની જરૂરિયાત કરતાં વધારે માર્ક્સ ધરાવતા અરજદાર વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે સમય સમયે ઇમેલ અથવા મોબાઇલ નંબર મારફતે એક લિંક મોકલવામાં આવશે. સાથે સાથે, નવી સૈનિક શાળાઓને કેટેગરી અને લિંગ અનુસાર માહિતી તેમજ જગ્યાઓની સંખ્યાની વિગતો પૂરી પાડવા માટે અનુકૂળ ઍક્સેસ અધિકારો પણ પૂરા પાડવામાં આવશે.

 

વિદ્યાર્થીઓને www.sainikschool.ncog.gov.in વેબપોર્ટલ પર આપવામાં આવેલી લિંક દ્વારા નોંધણી કરાવવાનું અને તેમની વિગતોની ખરાઇ કરાવવાનું કહેવામાં આવશે. વિદ્યાર્થીઓને ફાળવણીના વિકલ્પ તરીકે 10 શાળાઓ પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. ત્યારપછી, વિદ્યાર્થીઓને તેમના રેન્ક અને પસંદગીની શાળાના આધારે સિસ્ટમ દ્વારા શાળાની ફાળવણી કરવામાં આવશે અને ઇ-કાઉન્સેલિંગ પોર્ટલ દ્વારા તેનું પરિણામ જાહેર કરવામાં આવશે. અરજદાર વિદ્યાર્થીએ ફાળવણી સ્વીકારવાની રહેશે અથવા રાઉન્ડ-II માટેના કાઉન્સેલિંગ પર વિચાર કરવા માટે અથવા વધુ વિચાર કરવાની ઇચ્છા ન હોવાનું દર્શાવવા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો રહેશે. જે વિદ્યાર્થીઓએ તેમની પસંદગીઓ સ્વીકારી હોય/લૉક કરી હોય તેમને ભૌતિક ખરાઇની તારીખો અંગે જાણ કરવામાં આવશે.

જે વિદ્યાર્થીઓએ તેમની પસંદગીઓ લૉક કરી હોય તેમની યાદી વિદ્યાર્થીઓની ભૌતિક ખરાઇ કર્યા પછી તેમના ડેટાબેઝમાં જરૂરી અપડેટ કરવા માટે વાસ્તવિક સમયના આધારે પણ નવી સૈનિક શાળાઓમાં દેખાશે. આ ઉપરાંત, રાઉન્ડ-Iના નિર્ધારિત તારીખ અને સમયમાં જો બેઠકો ના ભરાઇ હોય તો તેવી બેઠકો કાઉન્સેલિંગના રાઉન્ડ-II દ્વારા ભરવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ રાઉન્ડ-Iમાં બેઠકો સ્વીકારી/લૉક કરી ના હોય તેમની પાસે ઇ-કાઉન્સેલિંગના રાઉન્ડ-IIમાં બાકી રહેલી બેઠકોમાંથી વિકલ્પ પસંદ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે.

ફાયદા

ઇ-કાઉન્સેલિંગ માટેની આ સ્વયંચાલિત પ્રણાલીથી પ્રવેશ પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્ચિત થશે. તેમાં ઓછો ખર્ચ થશે અને તમામ હિતધારકો એટલે કે શાળાઓ, વિદ્યાર્થીઓ અને પ્રશાસનિક સત્તામંડળ એમ સૌના માટે વપરાશકર્તા અનુકૂળ રહેશે. તે સમગ્ર પ્રક્રિયા પર વાસ્તવિક સમયમાં દેખરેખ અને દરેક તબક્કે જરૂરી પગલાં લેવા માટે પણ ઍક્સેસ પ્રદાન કરશે.


SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1796157) Visitor Counter : 221