માહિતી અને પ્રસારણ મંત્રાલય

રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી સંદર્ભે સ્વામી વિવેકાનંદનું જીવન દર્શન કરાવતા વેબિનારનું આયોજન


સ્વામીજીના વિચારોને પ્રવાહીત કરી યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની જ્યોત પ્રજ્વલિત કરીએ - ડૉ. ધીરજ કાકડીયા

Posted On: 13 JAN 2022 4:32PM by PIB Ahmedabad

રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી સંદર્ભે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના રિજનલ આઉટરીચ બ્યુરો, અમદાવાદ, પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો, અમદાવાદ અને ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જૂનાગઢ દ્વારા સ્વામી વિવેકાનંદનું જીવન દર્શન કરાવતાં વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાપેઢી વિવેકાનંદના જીવન મૂલ્યો જાણે, સમજે અને જીવનમાં ઉતારે એને જેના થકી યુવાનોમાં રાષ્ટ્રભાવનાનો સંચાર થાય તેવા આશય સાથે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વેબિનારમાં ઉપસ્થિત વક્તાઓએ સ્વામીજીના જીવનના વિવિધ પ્રસંગ તેમજ તેમના સુવિચારો લોકોની સમક્ષ પ્રસ્તુત કર્યા હતા.

વેદ અભ્યાસુ, વિચક્ષણ અને તેજસ્વી વ્યક્તિત્વ, અનોખી શૈલીના ઉત્કૃષ્ટ વક્તા, દ્ઢ નિર્ણય શક્તિ અને દ્ઢ મનોબળ ધરાવતા સ્વામી વિવેકાનંદના આદર્શોને યાદ કરવાનો દિવસ એટલે રાષ્ટ્રીય યુવા દિવસ. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત એકમના વડા અને પી.આઈ.બીના અપર મહાનિદેશક ડૉ. ધીરજ કાકડીયાએ “સ્વામી વિવેકાનંદ જયંતી- સક્ષમ યુવા સશક્ત યુવા” વિષય પર યોજાયેલ વેબિનારમાં વક્તવ્ય આપતાં આ વાત કહી હતી. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે આપણો દેશ યુવાસંપત્તિથી સમૃદ્ધ દેશ છે. રાષ્ટ્ર નિર્માણમાં યુવાશક્તિનો સદ્ઉપયોગ થાય તે માટે સ્વામીજીના આદર્શો યુવાઓ સુધી પહોંચાડવા જરુરી છે. સ્વામીજીના વિચારોને પ્રવાહીત કરી આપણે યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની જ્યોત પ્રજવલીત રાખવી જોઇએ. પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો,અમદાવાદના નિદેશક શ્રીમતી સરિતા દલાલે જણાવ્યું હતું કે વિવેકાનંદ જયંતીને આપણા દેશમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે વિવેકાનંદના બોધ વચનો યુવાવર્ગ સુધી પહોંચે અને જેના થકી યુવાનો પ્રેરિત થઇ તેમના કાર્યક્ષેત્રમાં આગળ આવે સાથેજ રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ પણ નિભાવે તેવા હેતુથી આ વેબિનારનું આયોજન કરાયું છે.

વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારીના ગુજરાત પ્રાંતના પ્રમુખ શ્રી નરેન્દ્ર ત્રિવેદીએ સ્વામીજી એ માત્ર આપણા દેશના યુવાનોના જ નહીં પરંતુ યુનિવર્સિલ યુથ આઇકોન છે તેવું કહેતાં સમગ્ર વિશ્વને ભારતના યોગ, આધ્યાત્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીયતાનો પરિચય કરાવનાર સ્વામીજીના જીવન ચરિત્રનું વર્ણન કર્યું હતું. વિશ્વને સહિષ્ણુતા, વિશ્વ બંધુત્વ, ઉદારતા, સમાનતાના પાઠ શીખવવાની સાથેસાથે ધર્મ અને પંથ વિશે સાચી સમજણ સાથે સમાજને સાચી રાહ ચીંધવાનો શ્રેય સ્વામીજી ને જાય છે તેમ કહેતાં તેમણે શિકાગોના ધર્મ પરિષદના વ્યાખ્યાન સહિતના સ્વામીજીના ઉત્કૃષ્ટ વચનો પ્રસ્તુત કર્યા હતાં. લોકભારતી ગ્રામવિદ્યાપીઠ, સણોસરાના પ્રાધ્યાપક શ્રી વિશાલ જોશીએ વર્તમાન સમયમાં યુવાનોને મનની એકાગ્રતા કેળવવા સ્વામી વિવેકાનંદને વાંચવા અને જાણવા આવશ્યક હોવાનું જણાવી મન અને ચિત્તની એકાગ્રતા થકી ઇચ્છીત સફળતા પ્રાપ્ત કેવી રીતે કરી શકાય તે સ્વામીજીના જીવન દ્રષ્ટાંતો થકી સમજાવ્યું હતું. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના અભ્યાસ સહાયક શ્રી ભરતભાઇ ચૌધરીએ નાનપણથી  જ માતા-પિતા દ્વારા સંસ્કારોથી સિંચિત થયેલ બાળક નરેન્દ્રની સ્વામી વિવેકાનંદ બનવા સુધીની સફરને વર્ણવી આજના યુવાનોને તેમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો. ભૌતિક સુખ-સંપત્તિનો વિચાર બાજુ પર રાખી ધર્મ પહેલો અને કર્મને જ મહાન ગણી જીવન જીવવું એ સ્વામીજીનો સંદેશ યુવાનો અપનાવે તેવું તેમણે જણાવ્યું હતું.

ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જુનાગઢના અધિકારી શ્રી દેવેન્દ્ર ત્રિવેદી દ્વારા વેબિનારનું સંચાલન કરવાની સાથે દેશભરમાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી સંદર્ભે થઇ રહેલ વિવિધ કાર્યક્રમો અંગે જાણકારી પૂરી પાડી હતી. તજજ્ઞો દ્વારા અપાયેલ જાણકારી તેમજ વેબિનારમાં રસપૂર્વક જોડાયેલ લોકોના પ્રતિભાવોથી રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી  સંદર્ભે યોજાયેલ વેબિનારનો ઉદ્દેશ્ય સાર્થક થયો હતો.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    



(Release ID: 1789668) Visitor Counter : 370