માહિતી અને પ્રસારણ મંત્રાલય

સુરત ખાતે પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો દ્વારા 'રૂરલ મીડિયા વર્કશોપ' યોજાયો


પત્રકારોએ ન્યુઝ અને વ્યુઝનું મિશ્રણ ન થાય એની કાળજી રાખવી હિતાવહ છે: સિનિયર જર્નલિસ્ટ, લેખક વિક્રમ વકીલ

ગાંધીજી માત્ર સ્વતંત્રતા સેનાની જ નહીં, પરંતુ 'લોકધર્મ પત્રકારત્વ' નિભાવનારા એક પ્રખર તંત્રી અને લેખક હતા: 'ધબકાર'ના તંત્રી નરેશભાઈ વરિયા

'રૂરલ જર્નાલિઝ્મ' લોકો સાથે સૌથી નજીકનો સંબંધ ધરાવતું ગ્રાસરૂટ લેવલનું પત્રકારત્વ: ગુજરાત મિત્રના જનરલ મેનેજર જી.પી.સોલંકી

સાંપ્રત સમયમાં માધ્યમકર્મીઓએ પત્રકારત્વના નીતિનિયમો અને કાયદાથી વાકેફ થવું જરૂરી છે: PIBના એડિશનલ ડિરેક્ટર જનરલ ડૉ. ધીરજ કાકડિયા

વિષય નિષ્ણાત વક્તાઓએ માધ્યમ કર્મીઓ સાથે 'વાર્તાલાપ' યોજી માર્ગદર્શન આપ્યું

Posted On: 07 JAN 2022 5:07PM by PIB Ahmedabad

 કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના PIB-પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો, અમદાવાદ દ્વારા સુરત ખાતે રૂરલ મીડિયા વર્કશોપ યોજાયો હતો. જેમાં વિષય નિષ્ણાત વક્તાઓએ માધ્યમ કર્મીઓ સાથે 'વાર્તાલાપ' યોજી માર્ગદર્શન આપ્યું હતું.
સાંપ્રત મીડિયાના પ્રવાહો અંગે, જાણીતા લેખક, સિનિયર જર્નલિસ્ટ વિક્રમ વકીલે મીડિયા એથિક્સ અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ચોથી જાગીરના વાહકોએ ન્યુઝ અને વ્યુઝનું મિશ્રણ ન થાય અને વ્યક્તિગત વિચારધારાનું પ્રતિબિંબ સમાચાર લેખન-રિપોર્ટીંગમાં ન પડે એની કાળજી લેવી હિતાવહ છે. મીડિયાનું કાર્ય માત્ર સમાચારો પીરસવાનું જ નહીં,પણ સમાજને જાગૃત્ત કરવાનું અને લોકહિતને સ્પર્શતા મુદ્દાઓ અંગે અવાજ ઉઠાવવાનું પણ છે. આજના પત્રકારોએ પત્રકારત્વના પાયાના સિદ્ધાંતો, ભૂલ સ્વીકારની ભાવનાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. શ્રી વકીલે રિપોર્ટીંગમાં સંતુલન રાખી લોકપ્રશ્નોને વાચા આપી જનસેવાનો પણ ભાગ બની શકાય છે એમ જણાવતાં સ્વાનુભવો વાગોળ્યા હતાં.  

ધબકાર દૈનિકના તંત્રીશ્રી નરેશભાઈ વરિયાએ ગાંધીજીના પત્રકારત્વ વિષય પર રસપ્રદ વકતવ્ય આપતા જણાવ્યું હતું કે, ગાંધીજી માત્ર સ્વતંત્રતા સેનાની જ ન હતા, પરંતુ લોકધર્મ પત્રકારત્વ નિભાવનારા એક પ્રખર તંત્રી અને લેખક હતા. વર્ષ ૧૯૧૪માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવીને ગાંધીજીએ ઈ.સ. ૧૯૧૯ના વર્ષથી ‘યંગ ઇન્ડિયા’, ‘નવજીવન’ અને તે પછી ‘હરિજનબંધુ’ સાપ્તાહિકો શરૂ કર્યાં. જીવનના અંત સુધી તેમણે આ સામયિકો ચલાવ્યાં, તેમાં લેખો લખ્યા અને પત્રકારત્વની ઉચ્ચ પરંપરાનું જતન કર્યું. 

ગાંધીજીના સામયિકોમાં સનસનાટીભર્યા વિષયોને બિલકુલ સ્થાન ન હતું એમ જણાવતા શ્રી વરિયાએ ઉમેર્યું કે ગાંધીજી રચનાત્મક વિચારો, સ્ત્રી કેળવણી, સત્યાગ્રહ, અહિંસા, નિસર્ગોપચાર, કોમી-એખલાસ, અસ્પૃશ્યતા, ખાદી, સ્વદેશી, ગ્રામોદ્યોગ, દારૂબંધી જેવા અનેક વિષયો પર લખતા અને આઝાદીની લડતમાં જોડાવા પ્રેરણા આપતા. 'ઈન્ડિયન ઓપિનિયન’, ‘યંગ ઇન્ડિયા’, ‘નવજીવન’, ‘હરિજનબંધુ’- એ ચાર સાપ્તાહિકો ચલાવી લેખક અને પત્રકારરૂપે ગાંધીજી સફળ રહ્યા, તેની પાછળ તેમની સત્યનિષ્ઠા, પારદર્શિતા અને સરળ ભાષામાં લખાણ મુખ્ય પરિબળો હતાં. ગાંધીજીએ ખોટ સરભર કરવા અથવા પોતાનાં સાપ્તાહિકોને આર્થિક દ્રષ્ટિએ સંપન્ન બનાવવા ક્યારેય જાહેરાતનો આશરો લીધો ન હતો, જે ગાંધીજીના પત્રકારત્વનું સૌથી પ્રબળ પાસું હતું. આઝાદીની લડતની સાથોસાથ ગુજરાતી સાહિત્ય તથા પત્રકારત્વને આમજનતા સુધી પહોંચાડવામાં તેમનો નોંધપાત્ર ફાળો હોવાનું શ્રી વરિયાએ જણાવ્યું હતું.

ગુજરાત મિત્રના જનરલ મેનેજરશ્રી જી.પી.સોલંકીએ ગ્રામીણ પત્રકારત્વ વિશે પ્રવચન આપતા કહ્યું કે, 'રૂરલ જર્નાલિઝ્મ' લોકો સાથે સૌથી નજીકનો સંબંધ ધરાવતું ગ્રાસરૂટ લેવલનું પત્રકારત્વ છે. જે મીડિયાકાર્ય સાથે લોકસેવાનું માધ્યમ છે. તેમણે જાણીતા પત્રકાર પી.સાંઈનાથનું ઉદાહરણ આપતાં કહ્યું કે, તેઓ ગ્રામીણ વિસ્તારો જાતે ખૂંદીને તેઓ આધારભૂત માહિતી મેળવતા. આ અંગેના ૮૪  અહેવાલો ૧૮ મહિના સુધી ‘ટાઈમ્સ’ના પ્રથમ પાને પ્રગટ થતા રહ્યા. આમાંના કેટલાક અહેવાલોનો સમાવેશ તેમના પુસ્તક ‘એવરીબડી લવ્ઝ અ ગુડ ડ્રાઉટ’માં કરવામાં આવ્યો છે. આ ગ્રંથથી પ્રાપ્ત થયેલી તમામ આવક (રૉયલ્ટી) તેમણે યુવા ગ્રામીણ પત્રકારોના એવોર્ડ માટે ફંડ ઊભું કરવામાં આપી દીધી હતી.   

'ખબર છે.કોમ'ના તંત્રીશ્રી વિરાંગ ભટ્ટે ડિજિટલ મીડિયા અંગે વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું કે, સાંપ્રત સમયમાં સૌથી ઝડપી અને વિશાળ ફલક પર સમાચારો પહોચાડતું ડિજિટલ મીડિયા ઘણું લોકપ્રિય બની રહ્યું છે. આ માધ્યમો દ્વારા ફેક ન્યુઝના સ્થાને હકીકતલક્ષી સમાચારો લોકો સુધી પહોંચે એની કાળજી લેવી પણ આવશ્યક છે.

PIB ના એડિશનલ ડિરેક્ટર જનરલ અને ગુજરાત એકમના વડા ડૉ. શ્રી ધીરજ કાકડિયાએ મીડિયાકર્મીઓને આવકારતા પીઆઈબીની કામગીરી વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ 'વાર્તાલાપ'નો ઉદ્દેશ જિલ્લા સ્તરે કામ કરતા પત્રકારોને પીઆઈબીની કામગીરી અંગે માહિતગાર કરવાનો અને મીડિયા માટે સરકારી યોજનાઓની તલસ્પર્શી જાણકારી આપવાનો છે. પત્રકારત્વની આચારસંહિતા વિષે તેમણે જણાવ્યુ હતું કે 'પત્રકારોએ સ્વસંહિતા જાણવી જેટલી જરૂરી છે એટલું જ માધ્યમો અંગેના નીતિનિયમો અને પત્રકારત્વના કાયદા વિશે પણ જાણવું જરૂરી છે, ઉપરાંત આજે સોશ્યલ મીડિયાના ઉભરતા ક્ષેત્રમાં ડિજિટલ મીડિયા એથિકસ વિષે પણ માહિતગાર રહેવું દરેક પત્રકાર માટે આવકારદાયક છે. તેમણે સરકાર અને માધ્યમો વચ્ચે સેતુરૂપ બની રહેલા PIBના વિવિધ એકમો અને તેની કાર્યશૈલી અંગે પણ ઉપસ્થિત સૌને વાકેફ કર્યા હતાં.

સંયુક્ત માહિતી નિયામકશ્રી આર.આર.રાઠોડે આભારવિધિ કરતાં જણાવ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારના માહિતી વિભાગ પ્રજા અને પ્રશાસન વચ્ચે કડીરૂપ બન્યું છે. મીડિયાકર્મીઓને વ્યાવસાયિક રીતે સહાયભૂત થવાં સાથે સરકારની યોજનાઓનો મહત્તમ પ્રચારપ્રસાર થાય એની પણ જવાબદારી માહિતી ખાતું સુપરે નિભાવી રહ્યું છે.

આ પ્રસંગે વિષયના અનુસંધાને વક્તાઓએ મીડિયાકર્મીઓ સાથે પ્રશ્નોત્તરી પણ કરી હતી. જેમાં વક્તાઓએ સંતોષકારક ઉત્તરો આપ્યાં હતાં. આ વર્કશોપમાં સુરત જિલ્લાના મીડિયાકર્મીઓ, PIB અને સુરત માહિતી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com

 

 



(Release ID: 1788374) Visitor Counter : 363