સંરક્ષણ મંત્રાલય
ભારતીય તટરક્ષક દળ અને ગુજરાત ATSની ટીમે સાથે મળીને પાકિસ્તાની બોટમાંથી 400 કરોડના હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો
Posted On:
20 DEC 2021 4:38PM by PIB Ahmedabad
ભારતીય તટરક્ષક દળે (ICG) 20 ડિસેમ્બર 2021ના રોજ ગુજરાત ATSની ટીમ સાથે ઝડપથી ઓપરેશન હાથ ધરીને ભારતીય જળ સીમામાં આવેલી પાકિસ્તાની બોટ અલ હુસૈનીમાંથી રૂપિયા 400 કરોડના બજાર મૂલ્યનો 77 કિલો હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો છે અને બોટમાં સવાર 6 ક્રૂ મેમ્બરની ધરપકડ કરી છે. ICGના જહાજે થીજવી દેનારા પવન વચ્ચેથી આગળ વધીને અત્યંત ઠંડીના હવામાન વચ્ચે પણ ભારતીય જળ સીમામાં 06 NM માઇલ દૂર બહાદુરીપૂર્વક પાકિસ્તાની બોટને અટકાવી હતી. બોટ શંકાસ્પદ રીતે આગળ વધી રહી હોવાનું જહાજને જાણવા મળતા બોટને પડકારવામાં આવી હતી પરંતુ તેમણે તુરંત જ નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જહાજે તાત્કાલિક ચપળતાપૂર્વક કામગીરી કરતા તેમણે શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી હતી.
હવામાનની વિપરિત સ્થિતિ વચ્ચે પણ, બોટની સંપૂર્ણ તપાસ કરવામાં આવી અને તે દરમિયાન હેરોઇનનો 77 કિલો જથ્થો ભરેલા 05 થેલા મળી આવ્યા હતા. આ હેરોઇનના જથ્થાનું બજાર મૂલ્ય અંદાજે રૂપિયા 400 કરોડ છે. જપ્ત કરવામાં આવેલી બોટ કરાંચી ખાતે નોંધાયેલી છે અને તમામ એજન્સી દ્વારા તેની વધુ સંયુક્ત તપાસ કરવા માટે જખૌ બંદર ખાતે લાવવામાં આવી હતી.
ત્રણ મહિનાના સમયમાં ICG અને ગુજરાત ATS દ્વારા આ ત્રીજું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ICG અને ગુજરાત ATSના તાલમેલપૂર્ણ ઓપરેશનોના કારણે કુલ રૂપિયા 550 કરોડના મૂલ્યનો કુલ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
SD/GP/Jd
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1783471)
Visitor Counter : 190