સંરક્ષણ મંત્રાલય

ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ NCC નિદેશાલયની પ્રજાસત્તાક દિવસ 2022 ટૂકડી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

Posted On: 15 DEC 2021 2:55PM by PIB Ahmedabad

દર વર્ષે ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ NCC નિદેશાલયની ટૂકડી નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસ શિબિરમાં ભાગ લેવા માટે અને પ્રધાનમંત્રીની રેલી તેમજ અન્ય સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે દિલ્હી જાય છે. આ વર્ષે પ્રજાસત્તાક દિવસ શિબિર 2022માં ભાગ લેવા માટે NCCના 57 કેડેટ્સની ટૂકડી 17 ડિસેમ્બર 2021ના રોજ દિલ્હી રવાના થશે.

14 ડિસેમ્બર 2021ના રોજ લૉ ગાર્ડન ખાતે યોજાયેલા વિધિવત કાર્યક્રમમાં, પ્રજાસત્તાક દિવસ 2022ની ટૂકડીના કેડેટ્સે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા અને ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ NCCના અધિક મહાનિદેશક મેજર જનરલ અરવિંદ કપૂર માટે ફ્લેગ એરિયા બ્રીફિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવો અને મોટી સંખ્યામાં કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સંબોધન આપતા મેજર જનરલ અરવિંદ કપૂરે જણાવ્યું હતું કે, ગયા વર્ષે NCC સમક્ષ નવા અને અણધાર્યા પડકારો ઉભા થયા હતા અને તેમને ગૌરવ છે કે, નિદેશાલયના સ્ટાફ અને કેડેટ્સનો સખત પરિશ્રમ અને સમર્પણ ફરી એકવાર પરિસ્થિતિ અનુસાર ઉદયમાન થયા હતા અને સફળતાપૂર્વક તે પડકારોમાંથી બહાર આવ્યા હતા. કેડેટ્સની તાલીમને કોઇ અસર ના પડે તેની ખાતરી કરવામાં આવી હતી અને તાલીમને વિનાઅવરોધે ઑનલાઇન માધ્યમમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

નિદેશાલયના કેડેટ્સે સંસ્થાગત તાલીમ ઉપરાંત, તેમની સામાજિક સેવાઓ અને સાથી દેશવાસીઓ પ્રત્યે સામુદાયિક વિકાસની તેમની કટિબદ્ધતાની દિશામાં સક્રિયપણે ભાગ લીધો હતો. NCC યોગદાન કવાયત હેઠળ NCCના કેડેટ્સને સક્રિયપણે સળંગ 115 દિવસ સુધી જિલ્લા પ્રશાસનની મદદ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને #EkMaiSauKeLiye અભિયાનના ભાગરૂપે તેઓ વિવિધ ડિજિટલ માધ્યમો દ્વારા લોકો સાથે સક્રિયપણે જોડાયેલા રહ્યા હતા અને કોવિડ-19ના કારણે ઉભા થયેલા પડકારોમાંથી બહાર આવવામાં તેમને મદદ કરી હતી. કેડેટ્સે રક્તદાન, સ્વચ્છતા અભિયાન, બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન, વૃક્ષારોપણ વગેરે અન્ય સામાજિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિયપણે ભાગ લીધો હતો. કેડેટ્સના આ પ્રયાસોને સૌ કોઇએ ઘણા બિરદાવ્યા હતા.

મેજર જનરલ કપૂરે ઉત્કૃષ્ટ પરફોર્મન્સ બદલ કેડેટ્સ અને દેખરેખ સ્ટાફની પ્રશંસા કરી હતી અને દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસ શિબિરની સ્પર્ધાઓમાં ખૂબ જ સારું પરફોર્મન્સ આપવા અંગે ટૂકડીને શુભેચ્છાઓ પાઠવી હતી.

તેમણે ગુજરાતના આદરણીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને આદરણીય શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ એસ. વાઘાણીનો પણ નિષ્ઠાપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો જેમણે રાજ્યમાં NCCની તમામ પ્રવૃત્તિઓમાં ખરા દિલથી સહકાર આપ્યો છે.

***

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1781696) Visitor Counter : 110