લઘુમતિ બાબતોનું મંત્રાલય

‘હુનર હાટ’ એ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું જીવંત ઉદાહરણ: કેન્દ્રીય મંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નકવી


છેલ્લાં છ વર્ષોમાં ‘હુનર હાટ’ થકી 7 લાખથી વધુને રોજગાર, એમાં 40 ટકા મહિલાઓ: શ્રી નકવી

ગુજરાતના રાજ્યપાલના હસ્તે સુરતનાં આંગણે ‘હુનર હાટ’નો શુભારંભ

Posted On: 12 DEC 2021 4:12PM by PIB Ahmedabad

આજે સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે હુનર હાટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદઘાટન સમારોહને સંબોધતા કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે હુનર હાટ” “3V”- “વિશ્વકર્મા વારસાનો વિકાસનું મહત્વનું માધ્યમ બની ગયું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરણાથી શરૂ કરાયેલ આ હુનર હાટવિશ્વકર્માના વારસાના વિકાસની સાથે, આ લુપ્ત થઈ રહેલા વારસાને તક અને બજાર પૂરું પાડવાનું કાર્ય કરે છે. 30 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોથી અહીં શિલ્પકારો અને કારીગરો આવ્યા છે અને પોતાની કૃતિઓ પ્રદર્શિત કરી રહ્યા છે. આ હુનર હાટએક ભારત, શ્રેષ્ઠ ભારતનું જીવંત ઉદાહરણ છે. કારીગરનો કોઇ ધર્મ કે જાતિ હોતી નથી, તેમની એક જ જાતિ છે-કલાકારી, એમ શ્રી નકવીએ ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે છેલ્લાં છ વર્ષોમાં દેશના વિવિધ ભાગોમાં યોજાયેલ હુનર હાટથકી 7 લાખથી વધુ કારીગરોને રોજગારી મળી છે એમાં 40% મહિલાઓ છે.

પ્રધાનમંત્રીશ્રીના વોકલ ફોર લોકલના નારાને આ હુનર હાટજમીન પર ઉતારીને મૂર્તિમંત કરે છે. તેમણે ભારતની કલાની કદરદાન જનતાનો પણ આભાર માનતા કહ્યું કે દેશભરમાં આ હુનર હાટને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને ધૂમ ખરીદી કરે છે. શ્રી નકવીએ કહ્યું કે પુરાતન કલા વારસાને આધુનિક જરૂરિયાતોના આધારે ઘડવાનું કાર્ય આ હુનર હાટ કરે છે.

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત કશ્યપના હસ્તે આજે સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે હુનર હાટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલશ્રીએ કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નકવી, કેન્દ્રીય રેલવે અને ટેક્સ્ટાઇલ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ શ્રી પૂર્ણેશભાઇ મોદી અને શ્રી મુકેશભાઇ પટેલ અને અન્ય મહાનુભાવો સાથે હુનર હાટના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈને શિલ્પકારો-કારીગરો સાથે વાર્તાલાપ કર્યો હતો. તેઓ આ કલાકારોની કલાકૃતિ નિહાળીને પ્રભાવિત થયા હતા.

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત કશ્યપે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય લઘુમતી બાબતોનાં મંત્રાલયને અભિનંદન આપતા પોતાના સંબોધનમાં કહ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી જે કાર્ય હાથમાં લે છે એ ખંતથી પૂર્ણ કરે છે. વારાણસીમાં વણકરોની સમસ્યા અને શિલ્પકારોની સમસ્યાને ગંભીરતાથી લીધી અને એનાં પરિણામે આ હુનર હાટનો ઉદભવ થયો છે. આનાથી સૌથી વધુ લાભ પરંપરાગત અને લુપ્ત થતી કલાને થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી મોદીજી અને કેન્દ્રીય લઘુમતી બાબતોનાં મંત્રાલયના પ્રયાસોથી આ કલાવારસો ફરી જીવંત થયો છે. પ્રધાનમંત્રીશ્રીના વોકલ ફોર લોકલના નારાથી ચીન હચમચી ગયું છે અને આપણા સ્વદેશી શિલ્પકારો-રમકડાં બનાવનારા, કારીગરોને નવી તકો મળી રહી છે.

સુરતમાં આયોજિત 34મા “હુનર હાટ” 30થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 600થી વધુ કારીગરો, શિલ્પકાર, હસ્તકલા કારીગરો સામેલ છે. આ કલાકારો પોતાની સાથે હસ્તનિર્મિત શાનદાર તેમજ દુર્લભ સ્વદેશી ઉત્પાદનો લઈને આવ્યા છે.

સ્વાગત પ્રવચન કેન્દ્રીય લઘુમતી બાબતોનાં મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી શ્રીનિવાસ દંડાએ કર્યું હતું અને આભારવિધિ કેન્દ્રીય લઘુમતી બાબતોનાં મંત્રાલયના સચિવ શ્રી એસ પી તેવરિયાએ કરી હતી. ઉદ્ઘાટન સમારંભમાં કેન્દ્રીય રેલવે તથા વસ્ત્ર રાજ્યમંત્રી શ્રી દર્શના જરદોશ, ગુજરાત સરકારના માર્ગ અને ભવન મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, કૃષિ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ તથા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા, શ્રી કાંતિભાઈ બલર, શ્રીમતી સંગીતાબેન પાટિલ, શ્રી વિવેકભાઈ પટેલ, શ્રી પ્રવીણભાઈ ઘોઘરી તથા શ્રીમતી ઝંખનાબેન એચ. પટેલ, સુરતના મેયર શ્રીમતી હેમાલી બોઘાવાલા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.



(Release ID: 1780660) Visitor Counter : 277