પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય

કિસાન ક્રેડિટ કાર્ડ કે જે ખેડૂતોને જ મળતું હતું તે હવે પશુપાલકોને આપવાની યોજના થઈ છેઃ શ્રી પરષોત્તમ રૂપાલા


એકએક ઘરમાં કુરિયન સાહેબને લોકો યાદ કરે છેઃ કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ ‘મિલ્ક મેન ઓફ ઈન્ડિયા’ને શ્રદ્ધાંજલિ આપી

પશુસંવર્ધન અને ડેરી ક્ષેત્રે “આત્મનિર્ભર ભારત” હેઠળ 54000 કરોડ રૂપિયાનું ગ્લોબલ મિશન લોન્ચ કરાયું હોવાનું જણાવતા કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી એલ. મુરૂગન

ડો. વર્ગીસ કુરિયન (મિલ્ક મેન ઓફ ઈન્ડિયા)ની જન્મ શતાબ્દી નિમિત્તે "રાષ્ટ્રીય દૂધ દિવસ"ની ઉજવણી કરાઈ તેમજ વિવિધ ક્ષેત્રો-કેટેગરીમાં વિજેતાઓને પુરસ્કારો એનાયત કરાયા

Posted On: 26 NOV 2021 4:52PM by PIB Ahmedabad

કેન્દ્રીય પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા આજે ડો. વર્ગીસ કુરિયન (મિલ્ક મેન ઓફ ઈન્ડિયા)ની જન્મ શતાબ્દિની ઉજવણી નિમિત્તે "રાષ્ટ્રીય દૂધ દિવસ"ની ટીકે પટેલ ઓડિટોરિયમ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) કેમ્પસ, NDDB, આણંદ, ગુજરાત ખાતે ઉજવણી કરવામાં આવી હતી. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને ડૉ. કુરિયન દ્વારા બનાવવામાં આવેલી અન્ય સંસ્થાઓએ સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું.

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ આ પ્રસંગે કહ્યું હતું કે કોઈ કાર્યક્રમમાં વિભાગના ત્રણે મંત્રી અને સચિવો સાથે ઉપસ્થિત હોય એવો આ પહેલો કાર્યક્રમ છે. વિભાગ તરફથી પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું જેના લીધે ગુજરાતવાસીઓને સારી નસલની ગાયો અને ભેંસો માટે પંજાબ અને હરિયાણા ખરીદવા જવું પડતું હતું તે હવે આ પોર્ટલ પરથી જ ખરીદી શકશે.  આ ઉપરાંત પોર્ટલ https://gopalratnaaward.qcin.orgના લોન્ચિંગના કારણે આટલા બધા ગોપાલ રત્નોને સન્માનવાની તક મળી. એનડીડીબીએ પોતે એટલી સ્પર્ધાઓ કરાવી કે તેના વિજેતાઓને પણ અહીં સન્માનવામાં આવ્યા. દરેક જણ કુરિયન સાહેબને ઘરેઘરે યાદ કરે છે, જેમને આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. પ્રધાનમંત્રી મોદીજીએ પશુપાલન સેક્ટરને મદદ આપવા એક મોટી યોજના આપી છે. જેના કારણે કેસીસી એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ કે જે ખેડૂતોને જ મળતું હતું તે હવે પશુપાલકોને પણ મળશે. આમાં ત્રણ લાખ સુધીની લોન પણ મળે છે.

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી શ્રી એલ. મુરૂગને કહ્યું હતું કે સરદાર પટેલની કર્મભૂમિ પર શ્વેતક્રાંતિના પ્રણેતા ડો વર્ગીસ કુરિયનજીની જન્મજયંતી પર, હું તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરું છું. તેમના પ્રયાસોથી દેશ વિશ્વમાં સૌથી મોટો દૂધ ઉત્પાદન કરતો દેશ બન્યો, આજે તેમની જન્મજયંતીને આપણે નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવીએ છીએ. આજે બંધારણ દિવસ પણ છે. હું બાબાસાહેબ આંબેડકર અને બંધારણના તમામ ઘડવૈયાઓને આ દિવસ પર સલામ કરું છું.

આઠ કરોડથી વધુ ગ્રામીણ કુટુંબોને મદદ માટે, તેમની આવક વધારવા લાખો બાળકોને જરૂરી પૌષ્ટીક આહાર આપવામાં આવે છે. માનવંતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને મારા સિનિયર પરષોત્તમ રૂપાલાજીના માર્ગદર્શનમાં અમારી સરકારે પશુ સંવર્ધન અને ડેરીના ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત માટે પગલાં લીધા. સરકારે રાષ્ટ્રીય ગ્લોબલ મિશન લોન્ચ કર્યું, જેમાં 54000 કરોડનું રોકાણ કરાયું જે આ ક્ષેત્રમાં સૌથી મોટું રોકાણ છે.

તેમણે ગોપાલ રત્ન એવોર્ડ મેળવનારાઓને અભિનંદન પાઠવ્યા હતા અને તમામને તેમના સારા ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.

તેમણે કહ્યું કે આપણે નવી ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરીને વધતી આંતરરાષ્ટ્રીય માગને અનુલક્ષીને ઉત્પાદન વધારવાનું છે. તેમણે અપીલ કરી હતી કે આ ક્ષેત્ર અને અન્ય ક્ષેત્રોમાં ઉત્પાદકતામાં વધારો કરવામાં આવે. અમારા મંત્રી ખેડૂતો સાથે નિયમિત સંપર્ક જાળવીને આ કાર્યને આગળ વધારી રહ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાતનું ડેરી ક્ષેત્ર અને અન્ય ક્ષેત્રો આ સુવર્ણ તકનો લાભ લઈને સફળતા હાંસલ કરશે.

જ્યારે રાજ્યમંત્રી શ્રી સંજીવ બાલયાને કહ્યું કે ડો. કુરિયન, અમૂલ અને ગુજરાતનું સહકારી ડેરી ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન રહેલું છે.

મંત્રીશ્રીઓએ ત્રણ કેટેગરીમાં ગોપાલ રત્ન પુરસ્કારો એનાયત કર્યા હતા. પશુધન અને ડેરી ક્ષેત્રમાં સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારો પૈકીનો એક ગોપાલ રત્ન પુરસ્કારનો ઉદ્દેશ તમામ વ્યક્તિઓ અને ડેરી સહકારી મંડળીઓ/દૂધ ઉત્પાદક કંપની/ડેરી ખેડૂત ઉત્પાદક મંડળીઓને આ ક્ષેત્રમાં કામ કરવા માટે પ્રોત્સાહન આપવાનો છે.

આ પ્રસંગે કેન્દ્રીય ડેરી અને પશુપાલન વિભાગના સેક્રેટરી અતુલ ચતુર્વેદી, સંયુક્ત સચિવ વર્ષા જોષી, એનડીડીબીના એમ ડી મીનેશ શાહ, સાંસદ મિતેશ પટેલ, જીસીએમએમએફના એમડી આર.એસ. સોઢી ઉપસ્થિત રહ્યા હતા.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1775329) Visitor Counter : 198