વહાણવટા મંત્રાલય

પીએમ ગતિ શક્તિ યોજના ૨૦૨૧ હેઠળ મહાત્મા મંદિરમાં આવતીકાલે ૨૬/૧૧ના રોજ વર્કશોપ અને સેમીનાર યોજાશે


કેન્દ્રીય મંત્રી સરબાનંદ સોનોવાલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિશિષ્ટ ઉપસ્થિતિ

Posted On: 25 NOV 2021 5:58PM by PIB Ahmedabad

(અમદાવાદ) સમગ્ર દેશમાં મલ્ટી મોડલ કનેક્ટિવિટી માટે નેશનલ માસ્ટર પ્લાન પ્રદાન કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા પીએમ ગતિ શક્તિ યોજના ૨૦૨૧નો પ્રારંભ કરવામાં આવ્યો છે. પીએમ ગતિ શક્તિ યોજના અંતર્ગત ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ એન્ડ વૉટરવેઝ મિનિસ્ટ્રી દ્વારા ગાંધીનગર ખાતે કંડલાના દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના નેજા હેઠળ મહાત્મા મંદિરમાં વેસ્ટર્ન રિજન માટે સેમીનાર અને વર્કશોપનું ૨૬ નવેમ્બરના રોજ આયોજન કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવે મંત્રી શ્રી સરબાનંદ સોનોવાલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. પીએમ ગતિ શક્તિ યોજના લોજિસ્ટિકનો ખર્ચ ઘટાડીને સપ્લાય ચેઇનમાં સુધારો કરીને મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સને વધુ સ્પર્ધાત્મક બનાવવા ઉપર કેન્દ્રિત છે, જે હેઠળ મલ્ટી મોડલ કનેક્ટિવિટી માટે રૂ.૧૦૦ લાખ કરોડના રાષ્ટ્રીય માસ્ટર પ્લાનની શરૂઆત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૩ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ મળી મોડલ ગતિ શક્તિ માસ્ટર પ્લાન લોન્ચ કરીને આત્મનિર્ભર ભારત માટેનો પાયો નાખ્યો હતો. પીએમ ગતિ શક્તિ યોજનાની જાહેરાત તેમણે ૧૫ ઑગસ્ટ ૨૦૨૧ના સ્વતંત્રતા દિવસના રાષ્ટ્રીય સંબોધનમાં કરી હતી. હવે આ યોજનાને લાગુ કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાના અમલીકરણ માટે મુખ્યરૂપે ૬ સ્તંભ ઉપર કામ કરાશે, જે નીચે મુજબ છેઃ

(૧)ગતિશીલતા: તમામ મંત્રાલયના વિભાગ હવે જીઆઇએસ પ્લેટફોર્મના માધ્યમથી ક્રોસ સેક્ટરમા યોજનાઓની પ્રગતિની કલ્પના, સમીક્ષા અને દેખરેખ રાખવા સક્ષમ રહેશે. સમયાંતરે જમીન ઉપર થઈ રહેલા કામની પ્રગતિ અંગે જાણકારી અપાશે. જેથી સમગ્ર યોજનાની કામગીરીને અદ્યતન બનાવી શકાશે. પોર્ટલ ઉપર નિયમિત રૂપે આ માસ્ટર પ્લાનને આગળ ધપાવવા તથા તેના સંલગ્ન વિવિધ પગલા ભરવા અંગેની પણ જાણકારી મળી રહેશે

(૨)વ્યાપકતા: તેમાં એક એકીકૃત પોર્ટલ સાથે વિવિધ મંત્રાલયો અને વિભાગોની વર્તમાન અને આયોજિત પહેલ સામેલ રહેશે. દરેક વિભાગ એક્બીજાની ગતિવિધિઓ જોઇ શકશે, જે વ્યાપક સ્તરે યોજનાઓને બનાવે છે તથા અમલીકરણના સમયે મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરે છે.

(૩)પ્રાથમિકતા: તેના માધ્યમથી વિવિધ વિભાગ ક્રોસ સેક્ટરલ ઇન્ટરેક્શનના માધ્યમથી તેમની યોજનાઓને પ્રાથમિકતા આપવા સક્ષમ રહેશે.

(૪)અનુકૂલન:  રાષ્ટ્રીય માસ્ટર પ્લાન વિવિધ અવરોધોની ઓળખ કર્યાં બાદ યોજના તૈયાર કરવામાં વિવિધ મંત્રાલયોને સહાય કરશે. માલને એક સ્થળેથી બીજા સ્થળે લઇ જવા માટે યોજનાનો સમય, ખર્ચ વગેરે માટે ઉત્તમ માર્ગને પસંદ કરવામાં માર્ગદર્શન અપાશે.

(૫)સિંક્રનાઇઝેશન: વિવિધ મંત્રાલય અને વિભાગો મોટાભાગે સમયના અભાવનો સામનો કરે છે, જેના કારણે પ્રોજેક્ટમાં વિલંબ પેદા થાય છે. પીએમ ગતિશક્તિ દરેક વિભાગની ગતિવિધિની સાથે-સાથે કામગીરીમાં સમન્વય સુનિશ્ચિત કરીને એકંદરે પ્રોજેક્ટને આગળ ધપાવવામાં ઉપયોગી રહેશે.

(૬)વિશ્લેષણ- યોજના જીઆઇએસ-આધારિત સ્થાનિક યોજના અને ૨૦૦થી વધુ લેયર્સ સાથે વિશ્લેષણાત્મક ઉપકરણોને એક સાથે સંપૂર્ણ ડેટા પ્રદાન કરશે, જેનાથી અમલીકરણ એજન્સીને વધુ સ્પષ્ટતા મળી રહેશે.

SD/GP/JD



(Release ID: 1775076) Visitor Counter : 182