માહિતી અને પ્રસારણ મંત્રાલય
“21મું ટિફિન” એ તમામ નિસ્વાર્થ મહિલાઓને સમર્પિત છે જેમણે અન્યની અથાગ સેવા માટે પોતાની ઓળખ ગુમાવી દીધી છેઃ વિજયગિરી બાવા, બાવનમા આઇએફએફઆઈ ઇન્ડિયન પેનોરામા ફિલ્મના ડાયરેક્ટર
“માનવીય લાગણીઓ અને સંબંધો પરની ઘનિષ્ઠ વાર્તા”
21મું (ટ્વેન્ટી ફર્સ્ટ) ટિફિન એ આઇએફએફઆઈ 52ની ફિલ્મ છે જે નામ વિનાના નાયકની ફિલ્મ છે તેનું કારણ એ છે કે તે સામાન્ય છે પરંતુ એટલો જ અસાધારણ છે. આ પાત્રનો અચરજ પમાડે તેવો ચિતાર આપતાં દિગ્દર્શક વિજયગિરી બાવા કહે છે કે “માનવીય લાગણીઓ અને સંબંધોની આ એક ઘનિષ્ઠ વાર્તા છે. અમે એવી તમામ મહિલાઓના જીવનની કહાની રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે જેમણે અન્યની સેવા કાજે પોતાની ખુદની ઓળખ ગુમાવી દીધી છે. આ જ કારણસર અમે કોઈ નાયકનું નામ આપ્યું નથી.” 20થી 28મી નવેમ્બર 2021 દરમિયાન યોજાયેલા બાવનમા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (આઇએફએફઆઈ) દરમિયાન બાવા આજે ગોવામાં પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા. આ ફિલ્મ ગુજરાતી લેખક રામ મોરીની સાહિત્ય અકાદમી એવોર્ડ વિજેતા પુસ્તક પર આધારિત છે. આ પ્રસંગે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

એક માતાથી પત્ની સુધી, એક પુત્રીથી બહેન સુધી; મહિલા હંમેશાં બલિદાન અને નિસ્વાર્થતાનું પ્રતિક રહી છે. તેમના પ્રત્યે આપણે કેટલી વાર આપણા હૃદયપૂર્વકની કૃતજ્ઞતા દાખવીએ છીએ? દિગ્દર્શક બાવાએ જણાવ્યું હતું કે તેઓ જે મહિલાઓએ અન્યને ખુશ રાખવા માટે અથાગ સેવા દરમિયાન પોતાની ખુદની ઓળખ ગુમાવી દીધી છે તે તમામને સમર્પિત કરવા માટે 21મું (ટ્વેન્ટી ફર્સ્ટ) ટિફિન ફિલ્મ લઈને આવ્યા છે.
દિગ્દર્શકે જણાવ્યું હતું કે આ મૂવી એવી વયસ્ક મહિલાઓની વાત કરે છે જેઓ ટિફિન બોક્સ પૂરા પાડીને પોતાના પરિવારના અન્ય સદસ્યો તથા બહારના લોકોની સેવા કરવામાં વ્યસ્ત રહે છે. આ સ્ત્રી પોતાની જાતે જ ટિફિન સેવા ચલાવે છે અને સાથે સાથે એક પત્ની, માતા, પુત્રી, બહેન અને મિત્ર તરીકેની પોતાની ફરજો પણ જારી રાખે છે.

આમ કરવા જતાં તે પોતાની જાતની ક્યારેય દરકાર કરતી નથી. તેની દિકરી નિતુ જૂએ છે કે તેની માતા તમામ પ્રકારની ભૂમિકા સારી રીતે અદા કરી રહી છે અને તેમ છતાં તેના વર્તનમાં તેને કાંઇક ખૂટતું હોય એમ લાગે છે. એક વાર ધ્રુવ નામનો એક યુવાન આ મહિલા પાસે ટિફિન સેવાના 21મા ગ્રાહક તરીકે આવે છે અને પરિસ્થિતિ વળાંક લે છે. થોડી પ્રશંસાનો આ અચાનક પ્રવેશ મહિલાના વર્તનમાં રહેલા કષ્ટને દૂર કરી નાખે છે.

બાવાએ જણાવ્યું હતું કે ગુજરાત સામાન્ય રીતે વેપાર અને ધંધા માટે જાણીતું છે પરંતુ રાજ્યમાં ઘણા સારા કલાકારો પણ છે. “રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર આપણી કલા અને કલાકારોને ઓછા આંકવામાં આવ્યા છે.”
આઇએફએફઆઇમાં ઇન્ડિયન પેનોરામા વિભાગમાં ફિચર ફિલ્મની કેટેગરીમાં તેમની ફિલ્મનો સમાવેશ કરવાની તક આપવા બદલ તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. “હું રોમાંચિત પણ છું કેમ કે મારી ફિલ્મને આ પ્રતિષ્ઠિત ફેસ્ટિવલમાં જગ્યા આપવામાં આવી છે. અમારી ફિલ્મની પસંદગી કરવા બદલ હું જ્યૂરીના સદસ્યોનો આભારી છું.”
તેમણે જણાવ્યું હતું કે આ ફિલ્મનું શૂટિંગ સિંક-સાઉન્ડ મોડમાં કોઈ ડબિંગ કે પેચવર્ક વિના કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોવીડ-19ની મહામારીના મોટા પડકાર વચ્ચે પણ માત્ર આઠ જ દિવસમાં ફિલ્મ પૂરી કરી દેવાઈ હતી.
વિજયગિરી બાવા ગુજરાતની સિનેમાના ખ્યાતનામ દિગ્દર્શક છે. તેમની કેટલીક એવોર્ડ વિજેતા ફિલ્મોમાં ‘પ્રેમજીઃ રાઇઝ ઓફ એ વોરિયર (2016)’ અને ‘મોન્ટુ કી બિટ્ટુ’ (2019)નો સમાવેશ થાય છે.
અન્ય કલાકારો અને સહાયકો
નિર્માતાઃ વિજયગિરી ફિલ્મોસ
કથા-પટકથાઃ રામ મોરી, વિજયગિરી બાવા
ડીઓપીઃ પાર્થ ચૌહાણ
એડિટરઃ આલોક મહેતા, વિજયગિરી બાવા
કલાકારોઃ નિલમ પંચાલ, રૌનક કામદાર, નૈત્રી
SD/GP/NP
(Release ID: 1774559)