માહિતી અને પ્રસારણ મંત્રાલય

લોકસંપર્ક કાર્યક્રમને મળ્યો ભવ્ય પ્રતિસાદ, છેવાડાના માનવી સુધી પહોંચી યોજનાકીય જાણકારી


શામળાજીનો આસ્થાનો મેળો બન્યો માહિતીનો મેળો, ફિલ્ડ આઉટરીચ બ્યુરો,પાલનપુરનું પ્રશંસનીય આયોજન

Posted On: 20 NOV 2021 4:51PM by PIB Ahmedabad

રાજ્યના ગ્રામીણ અને આદિવાસી વિસ્તારમાં વસતા જનજન સુધી યોજનાકીય માહિતી મળે અને દેશના અભિયાનો અંગે જાગૃતિ ફેલાય તેવા આશય સાથે શામળાજીના મેળામાં યોજાયેલ લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન ખૂબ પ્રશંસનીય રહ્યું છે. સાચી અને સચોટ જાણકારી હશે તો જ ગ્રામીણ લોકો પણ સરકારની યોજનાનો લાભ મેળવી શકશે. ત્યારે માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આઉટરીચ બ્યુરો,પાલનપુરે કરેલી કામગીરી ખરેખર સરાહનીય રહી છે.

કેન્દ્ર સરકારના માહિતિ અને પ્રસારણ મંત્રાલયના ક્ષેત્રીય લોકસંપર્ક કાર્યાલય દ્વારા શામળાજીના મેળામાં તારીખ 15 નવેમ્બરથી શરુ થયેલ પાંચ દિવસીય લોકસંપર્ક કાર્યક્રમના પ્રત્યેક દિને વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે જાણકારી આપતા વક્તવ્ય તેમજ વિભિન્ન સ્પર્ધાઓની સાથે સ્વચ્છ ભારત અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન, પોષણ અભિયાન,જલશક્તિ અભિયાન, ફિટ ઇન્ડિયા કેમ્પેઇન, રસીકરણ અભિયાન અંગે લોકજાગરૂતતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્વચ્છ ભારત અભિયાનના સંદેશને ઘર ઘર સુધી પહોંચાડવા તેમજ અભિયાનમાં લોક ભાગીદારી વધારવા મંચ પરથી સ્વચ્છતાના શપથની સાથે પ્લાસ્ટીક બેગના ઉપયોગને બંધ કરવાની અપીલ સાથે કાપડની થેલીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ભાગરૂપે ભિલોડા તાલુકા આરોગ્ય કચેરી દ્વારા રાજગેલ કોવિડ રસીકરણ કેમ્પને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ વેક્સીન લઈ કોવિડ સામે સુરક્ષા મેળવી હતી.

ફિલ્ડ આઉટરીચ બ્યુરો પાલનપુરના અધિકારી શ્રી જે.ડી.ચૌધરીએ બહોળી સંખ્યામાં ગ્રામીણ લોકોએ લીધેલી પ્રદર્શનની મુલાકાત અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ થકી મેળવેલી જાણકારીથી સંતોષ પામેલા લોકોથી મળેલા પ્રતિસાદને કાર્યક્રમની સફળતા ગણાવી હતી સાથે જ આ તબક્કે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તેમજ શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ તરફથી મળેલા સહયોગ બદલ  તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

ફિલ્ડ આઉટરીચ બ્યુરો જૂનાગઢના અધિકારી શ્રી દેવેન્દ્ર ત્રિવેદીએ પાંચ દિવસમાં યોજાયેલ કાર્યક્રમોની માહિતી આપતાં જણાવ્યું કે આ પાંચ દિવસ દરમિયાન યોજનાકીય જાણકારી આપતા વિશાળ પ્રદર્શનની સાથે સરકારી અધિકારીઓ તેમજ વિષય નિષ્ણાંતો દ્વારા વક્તવ્યના માધ્યમથી અનેક ગ્રામીણ લોકોને માહિતીગાર કરવામાં આવ્યા છે. નાટક,ગીત, ભવાઇ જેવા મનોરંજક કાર્યક્રમો દ્વારા સરળતાથી જાણકારી અને સંદેશને પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સાથે જ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરી વિજેતાઓને ઇનામ આપી પુરસ્કૃત પણ કરવામાં આવ્યાં છે. સમગ્ર પાંચ દિવસીય લોકસંપર્ક કાર્યક્રમનો મોટી સંખ્યામાં ગ્રામીણ લોકોએ લાભ લીધો છે. જે કાર્યક્રમની સફળતા છે. શામળાજીનો મેળો પ્રથમ વખત માહિતીનો મેળો પણ બની રહ્યો જેનો આનંદ ગ્રામીણ લોકોએ વ્યક્ત કર્યો હતો.

SD/GP/JD



(Release ID: 1773482) Visitor Counter : 126