માહિતી અને પ્રસારણ મંત્રાલય

રોજગારી તથા જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી સહિતના વિવિધ રસપ્રદ કાર્યક્રમો સાથે શામળાજી મેળામાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી


લોકસંપર્ક કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય સેનાનીઓની તસવીરો સાથે જાણકારી આપતા વિશાળ પ્રદર્શને લોકોમાં રાષ્ટ્રભાવનાનો સંચાર કર્યો

Posted On: 18 NOV 2021 3:59PM by PIB Ahmedabad

દેશને આઝાદી અપાવનાર સ્વાતંત્ર્ય સેનાનીઓની તસવીર સાથે જાણકારી આપતું અને આઝાદી મેળવવા દેશમાં થયેલ નાની-મોટી ચળવળો સહિત વિભિન્ન સ્વાતંત્ર્ય સંગ્રામોની ઝાંખી કરાવતાં વિશાળ પ્રદર્શન સાથે શામળાજીના મેળામાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. જેના થકી લોકોમાં રાષ્ટ્રભાવનાનો સંચાર થઇ રહ્યો છે. કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આઉટરીચ બ્યુરો, પાલનપુર દ્વારા શામળાજી ખાતે તારીખ 15 નવેમ્બરથી આયોજીત પાંચ દિવસીય લોકસંપર્ક કાર્યક્રમમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરુપે આ પ્રદર્શનનું આયોજન કરાયું છે. જેને મોટી સંખ્યામાં લોકો નિહાળીને દેશભક્તિના રંગે રંગાઇ રહ્યાં છે. અરવલ્લી જિલ્લાના માનનીય કલેકટરશ્રી, પોલીસ અધિક્ષકશ્રી સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીગણે આ પ્રદર્શનની મુલાકાત લઇ મેળામાં આયોજીત લોકસંપર્ક કાર્યક્રમને બિરદાવ્યો હતો.

પ્રદર્શનની સાથે લોકસંપર્ક કાર્યક્રમમાં પ્રતિદિન વિવિધ વિભાગો દ્વારા સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી અને તેના લાભ લેવા વિશે માર્ગદર્શન આપતાં કાર્યક્રમોનું પણ આયોજન થઇ રહ્યું છે. આવા જ એક કાર્યક્રમના ભાગરુપે સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લા રોજગાર કચેરી દ્વારા યુવાનોને રોજગાર સંબંધિત જાણકારી આપતો કાર્યક્રમ યોજાઇ ગયો. જિલ્લા રોજગાર અધિકારી સી.બી.ચૌધરી, જુનિયર રોજગાર અધિકારી પી.જી.લોહારીયા કરિયર કાઉન્સિલર નિરવ સોની દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી રોજગારી ઇચ્છતા યુવાનો માટે નોંધણીથી લઇને તમામ જાણકારી આપતા ડિજિટલ પોર્ટલ અનુબંધ વિશે વિસ્તૃતમાં જાણકારી આપી હતી. સાથે જ યુવાનો સાથે સંવાદ કરી તેમને જરુરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. આરોગ્ય વિષયક કાર્યક્રમમાં લુસડીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડૉ.તેજસ ખરાડીએ આરોગ્ય કેન્દ્રો દ્વારા અપાતી તબીબી સુવિધાઓ તેમજ આરોગ્ય વિષયક સરકારી યોજનાઓની માહિતી પૂરી પાડી હતી. તાલુકા આરોગ્ય કચેરી, ભિલોડાના સ્વાસ્થ્યકર્મીઓ દ્વારા સપ્તધારાથી સ્વાસ્થ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આઇઈસી અધિકારી સંજયભાઇ બારોટ અને તેમની ટીમ દ્વારા વક્તવ્ય તેમજ કઠપૂતળીના કાર્યક્રમ દ્વારા મલેરિયા, ડેન્ગ્યૂ જેવા રોગો તેમજ કોરોના અને કોવિડ રસીકરણ વિશે જાણકારી સાથે જાગૃતિના સંદેશ આપ્યા હતાં.  

ફિલ્ડ આઉટરીચ બ્યુરો,પાલનપુરના અધિકારી જે.ડી.ચૌધરી દ્વારા સ્વચ્છ ભારત મિશન 2.0 વિશે જાણકારી આપતાં પ્લાસ્ટિકના ઉપયોગને બંધ કરવાની સાથે પ્લાસ્ટિક કચરાના યોગ્ય નિકાલ સંબંધિત વાત કરતાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓના રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ વિશે જાણકારી આપી હતી. સૌરાષ્ટ્ર ઝોનના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ આત્મનિર્ભર ભારત વિશે વાત કરતાં કેન્દ્ર સરકારની વ્યવસાય અને રોજગાર સંબંધિત વિવિધ યોજનાઓ વિશે જાણકારી પૂરી પાડી હતી. જાગૃતતાના સંદેશ આપતા મનોરંજક નાટકની પ્રસ્તુતિ તેમજ વિવિધ સ્પર્ધાઓ અને તેમાં વિજેતાઓને ઇનામ વિતરણ પણ સમગ્ર લોકસંપર્ક કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે. જેના દ્વારા મોટી સંખ્યામાં લોકો પ્રદર્શન સહિત લોકસંપર્ક કાર્યક્રમનો લાભ લઇ રહ્યાં છે.



(Release ID: 1772930) Visitor Counter : 198