માહિતી અને પ્રસારણ મંત્રાલય

શામળાજીમાં પ્લોગીંગ રન તેમજ વિવિધ માહિતીસભર કાર્યક્રમો સાથે આયોજીત લોકસંપર્ક કાર્યક્રમ


પ્લોગીંગ રનથી શામળાજી થયું સ્વચ્છ તો માહિતીસભર કાર્યક્રમોથી લોકોને મળી જાણકારી

Posted On: 17 NOV 2021 3:24PM by PIB Ahmedabad

કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આઉટરીચ બ્યુરો,પાલનપુર દ્વારા શામળાજી ખાતે તારીખ 15 નવેમ્બરથી પાંચ દિવસીય લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કેન્દ્ર સરકારની યોજનાઓને લગતી જાણકારી આપવાની સાથે વિવિધ અભિયાનોમાં જનજાગૃતિ લાવવાના આશયથી વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. ફિટ ઇન્ડિયાના સૂત્રને સાર્થક કરવા અને શરીરની સ્વસ્થતા જાળવવા સવારમાં ચાલવું કે સામાન્ય દોડ કરવી આવશ્યક છે પરંતુ તેની સાથે જો ચાલવા કે દોડવાના રસ્તામાં આજુબાજુ નકામો કચરો કે ખાસ કરીને પ્લાસ્ટિકનો કચરો દેખાય તો તેને ઉપાડી લઇને ભેગો કરતાં જવું અને કચરાપેટીમાં નાખવો અને રીતે પર્યાવરણની તંદુરસ્તીને પણ જાળવવી એનું નામ પ્લોગીંગ રન. આવી પ્લોગીંગ રનનું આયોજન શામળાજી ખાતે લોકસંપર્ક કાર્યક્રમ અંતર્ગત કરાયું.

સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના સુત્રને સાર્થક કરવા તેમજ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની દેશવાસીઓને સ્વચ્છતા સંદર્ભે જાગૃત થવા સાથે સ્વચ્છ ભારત અભિયાનમાં સહયોગ આપવાની અપીલને ધ્યાને લઇ શામળાજી મેળા ખાતે આયોજીત લોકસંપર્ક કાર્યક્રમ હેઠળ પ્લોગીંગ રનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ક્ષેત્રીય લોકસંપર્ક કાર્યાલયના કર્મચારીઓની સાથે શામળાજીના એનએસએસ તેમજ એનસીસીના કેડેટ્સ અને જાગૃત નાગરિકો જોડાયા. શામળાજીની મુખ્ય બજારથી લઇને હાઇવે રોડ, નદી અને તેની આસપાસના વિસ્તાર સુધી પ્લોગીંગ રન યોજાઇ અને વિસ્તારોમાંથી પ્લાસ્ટિકના કચરાને એકત્રીત કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો.

આઝાદીના અમૃત મહોત્સવ શિર્ષક હેઠળ આયોજીત લોકસંપર્ક કાર્યક્રમમાં  સ્વચ્છ ભારત અભિયાન અંગે જાગૃતિ ફેલાવવા પ્રદર્શનના આયોજન સાથે વક્તવ્યના માધ્યમથી પણ સ્વચ્છતા સંદેશ અપાઇ રહ્યો છે. કાર્યક્રમ દરમિયાન લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટે અપીલ કરવામા આવી અને પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ બંધ કરી કાપડની થેલી વાપરવા અનુરોધ કરવાની સાથે  કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું. પોષણ અભિયાન અંગે સંકલિત બાળવિકાસ કેન્દ્ર દ્વારા જાણકારી આપવાની સાથે પોષ્ટિક વાનગી નિદર્શન સાથે સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું. જેમાં વિજેતાને ઇનામ આપી પ્રોત્સાહન પુરું પાડવામા આવ્યું. માહિતી અને પ્રસારણ મંત્રાલયના અધિકારી જે.ડી.ચૌધરી તેમજ દેવેન્દ્ર ત્રિવેદી દ્વારા કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનો શામળાજી ગામના લોકો તેમજ મેળામાં મોટી સંખ્યામાં આવી રહેલા યાત્રાળુઓ લાભ રહ્યાં છે. જેનાથી કાર્યક્રમનો હેતુ સાર્થક થતો જણાઇ રહ્યો છે.

SD/GP/JD



(Release ID: 1772575) Visitor Counter : 147