માહિતી અને પ્રસારણ મંત્રાલય

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પૂર્વે સરદારનું જીવન દર્શન કરાવતા વેબીનારનું આયોજન


સરદાર પટેલના આદર્શોને યાદ કરીએ અને તેમના વિચારોને પ્રવાહીત કરીએ - ડૉ. ધીરજ કાકડિયા

Posted On: 29 OCT 2021 1:54PM by PIB Ahmedabad

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પૂર્વે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના રિજનલ આઉટરીચ બ્યુરો અને પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો, અમદાવાદ અને ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જૂનાગઢ દ્વારા સરદારનું જીવન દર્શન કરાવતાં વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા પેઢી સરદારના જીવન મૂલ્યો જાણે, સમજે અને જીવનમાં ઉતારે તેવા આશય સાથે વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વેબીનારમાં ઉપસ્થિત વક્તાઓએ અખંડ ભારતના નિર્માણમાં અને રાષ્ટ્રીય એકતાના સંદર્ભમાં સરદાર પટેલના અતિ મહત્વપૂર્ણ યોગદાનને લોકોની સમક્ષ પ્રસ્તુત કર્યા હતા.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત એકમના વડા અને પી.આઈ.બીના અપર મહાનિદેશક ડૉ. ધીરજ કાકડિયાએ “રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર પટેલ” વિષય પર યોજાયેલ વેબિનારમાં વક્તવ્ય આપતાં કહ્યું હતું હતું કે દ્રઢ નિર્ણય શક્તિ અને દ્રઢ મનોબળ ધરાવતા એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર પટેલના આદર્શોને યાદ કરવાનો દિવસ એટલે રાષ્ટ્રીય એકતા દિવસ. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, સરદાર પટેલના પ્રત્યેક વિચારો અને નિર્ણયો પ્રાસંગિક છે. તેમના વિચારોને પ્રવાહીત કરી આપણે આપણા માનવજીવનને સાર્થક કરવું જોઇએ. પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો, અમદાવાદના નિદેશક શ્રીમતી સરિતા દલાલે જણાવ્યું હતું કે ભૌગોલિક અને રાજકીય રીતે દેશને એક તાંતણે બાંધવાનું ભગીરથ કાર્ય સરદારે કર્યું હતું. વધુમાં તેમણે આ વર્ષે કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી વિશે વિસ્તૃતમાં જાણકારી આપી હતી. અખંડ ભારત મજબૂત કેવી રીતે બની રહે અને એક ભારત શ્રેષ્ઠ ભારત માટે યુવા પેઢીની શું ભૂમિકા હોઈ શકે તે વિશે માહિતી આપી હતી.

વરિષ્ઠ પત્રકાર અને પ્રસિધ્ધ લેખક શ્રી મણિભાઈ પટેલે દેશી રજવાડાઓના વિલીનીકરણમાં સરદારની અસરદાર ભૂમિકા વિશે વાત કરતાં તેમની આ કામગીરીને બીસ્માર્કની કામગીરી કરતાં પણ શ્રેષ્ઠ ગણાવી હતી. "ઇતિહાસ લખવાનું નહીં પરંતુ ઇતિહાસ રચવાનું મારું કામ છે" સરદાર પટેલ દ્વારા કહેવાયેલ આ વાતને યાદ કરતાં જણાવ્યું કે સરદારે ખૂબ જ કુનેહપૂર્વક, નાગરિકોની હિંસા કર્યા વિના, રાજ્યોને પડાવી લઇને નહીં પરંતુ રાજાઓનું માન-સન્માન જાળવીને સમજદારીપૂર્વક 562 દેશી રજવાડાઓનું વિલીનીકરણ કર્યું હતું. જુનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીરના કિસ્સાઓમાં તેમનું મજબૂત મનોબળ, ત્વરિત અને દ્રઢ નિર્ણય શક્તિના દર્શન થાય છે. આજના અખંડ ભારતના નકશા માટે આપણે સૌ સરદારનાં આભારી છીએ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના એચઓડી ડૉ. કે. કે. પટેલે વેબીનારમાં જણાવ્યું હતું કે દેશની સ્વતંત્રતામાં અને અખંડતામાં સરદાર પટેલનું યોગદાન અમૂલ્ય છે. ત્યાગ અને રાષ્ટ્ર ભાવના સરદારનાં રગે રગમાં હતી. સ્વતંત્રતા સંગ્રામમાં અનેક આંદોલનોમાં સરદારની ભૂમિકા ઘણી મહત્વની રહી હતી. વધુમાં તેમણે કહ્યું કે આજના યુવાનો સરદારના ગુણો પોતાના જીવનમાં ઉતારે અને રાષ્ટ્ર ભાવના થકી રાષ્ટ્રના વિકાસમાં તેમનું યોગદાન આપે તે જરૂરી છે.

ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જુનાગઢના અધિકારી શ્રી દેવેન્દ્ર ત્રિવેદીએ વેબીનારનું સંચાલન કરવાની સાથે દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સંદર્ભે થઇ રહેલ વિવિધ કાર્યક્રમો અંગે જાણકારી પૂરી પાડી હતી. તજજ્ઞો દ્વારા અપાયેલ જાણકારી તેમજ વેબીનારમાં રસપૂર્વક જોડાયેલ લોકોના પ્રતિભાવોથી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પૂર્વે યોજાયેલ વેબીનારનો ઉદ્દેશ્ય સાર્થક થયો હતો.



(Release ID: 1767470) Visitor Counter : 263