ગૃહ મંત્રાલય
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)નું ત્રિપુરા ઓફ-કેમ્પસ 100 કરોડના ખર્ચે તૈયાર થશે
NFSUના કુલપતિ ડૉ. જે. એમ. વ્યાસની ત્રિપુરાના મુખ્યમંત્રી શ્રી બિપ્લબકુમાર દેબ, રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી સુશ્રી પ્રતિમા ભૌમિક અને ત્રિપુરાના શિક્ષણમંત્રી શ્રી રતન લાલ નાથ સાથે મુલાકાત યોજાઈ
Posted On:
27 OCT 2021 7:48PM by PIB Ahmedabad
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના ત્રિપુરા સ્થાયી ઓફ-કેમ્પસ માટે ત્રિપુરા સરકાર દ્વારા 100 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ત્રિપુરાના શ્રીનગર વિસ્તાર ખાતે અપાયેલી વિશાળ 70 એકર જગ્યામાં NFSUનું સ્થાયી(Permanent) કેમ્પસ નિર્માણ પામશે. ટૂંક સમયમાં આ સ્થાયી કેમ્પસનું ‘વિધિવત્ ભૂમિપૂજન’ તથા બુદ્ધમંદિર વિસ્તારમાં અસ્થાયી(Transit) કેમ્પસનું ઉદ્ઘાટન થશે. આ સંદર્ભે NFSUના કુલપતિ ડૉ. જે. એમ. વ્યાસના નેતૃત્વમાં NFSUના પ્રતિનિધિમંડળે 25મી ઓક્ટોબર, 2021, સોમવારે ત્રિપુરાના મુખ્યમંત્રી શ્રી બિપ્લબકુમાર દેબ, રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી સુશ્રી પ્રતિમા ભૌમિક, ત્રિપુરાના શિક્ષણમંત્રી શ્રી રતન લાલ નાથ, ત્રિપુરા રાજ્યના ચીફ સેક્રેટરી, એજ્યુકેશન સેક્રેટરી સહિત વિવિધ પદાધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.
નોંધનીય છે કે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી એ ફોરેન્સિક વિજ્ઞાનને સમર્પિત વિશ્વની એકમાત્ર અને સૌપ્રથમ યુનિવર્સિટી છે. નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના ત્રિપુરા ઓફ-કેમ્પસ માટે ત્રિપુરાના બુદ્ધમંદિર વિસ્તારમાં અસ્થાયી(Transit) કેમ્પસનું ઉદ્ઘાટન થશે. જ્યારે સ્થાયી (Permanent) “ત્રિપુરા કેમ્પસ” માટે ત્રિપુરા સરકાર દ્વારા શ્રીનગર ખાતે 70 એકર જમીન ફાળવી છે. પ્રાથમિક તબક્કામાં રૂપિયા 100 કરોડ NFSUના “ત્રિપુરા ઓફ-કેમ્પસ” માટે ફાળવવામાં આવ્યા છે.
આ મુલાકાત દરમિયાન અનેક મુદ્દાઓની ચર્ચા થઈ હતી. જે અંતર્ગત NFSU દ્વારા શૈક્ષણિક વર્ષ-2021-22થી જ વિવિધ અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે. ત્રિપુરામાં નવા કેમ્પસની સ્થાપના થવાથી ‘કુશળ ફોરેન્સિક નિષ્ણાતો’નું માનવબળ તૈયાર થશે. મહત્ત્વપૂર્ણ છે કે, અહીં ડ્રોન ફોરેન્સિક્સ અંગેનો અભ્યાસક્રમ પણ ભણાવાશે. જેમાં ‘લેસર ડિટોનેટેડ એક્સપ્લોસિવ’ અંગે વિસ્તારપૂર્વક માહિતી અપાશે. પ્રાથમિક તબક્કામાં NFSU ત્રિપુરાની સ્ટેટ ફોરેન્સિક લેબોરેટરી સાથે મળીને કાર્યનો પ્રારંભ કરશે. ઉપરાંત, અહીં વિદેશી વિદ્યાર્થીઓ માટે પણ અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે.
ત્રિપુરાના મુખ્યમંત્રી શ્રી બિપ્લબકુમાર દેબ સહિતના મહાનુભાવો, પદાધિકારીઓ સાથેની મુલાકાત દરમિયાન NFSUના કુલપતિ ડૉ. જે. એમ. વ્યાસ, કેમ્પસ ડાયરેક્ટર પ્રોફે. (ડૉ.) એસ. ઓ. જુનારે, એક્ઝિક્યુટીવ રજિસ્ટ્રાર શ્રી સી. ડી. જાડેજા, ત્રિપુરા રાજ્યના શિક્ષણ વિભાગના સેક્રેટરી સૌમ્યા ગુપ્તા સહિત વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના કરકમળો દ્વારા ગત તા.14મી ઓક્ટોબર, 2021ના રોજ NFSUના ગોવા ઓફ-કેમ્પસનું ઉદ્ઘાટન તથા ગોવાના ધારબંદોડા ખાતે નિર્માણ પામનારા સ્થાયી કેમ્પસનું વિધિવત્ ભૂમિપૂજન કરાયું હતું. જેથી, અત્યારે NFSU-ગાંધીનગર મુખ્ય મથક ઉપરાંત, દિલ્હી અને ગોવા કેમ્પસ પણ કાર્યરત્ છે અને ટૂંક સમયમાં આ શૈક્ષણિક વર્ષ-2021-22થી જ ત્રિપુરા કેમ્પસ પણ કાર્યરત થઈ જશે.
SD/GP/JD
(Release ID: 1767024)
Visitor Counter : 138