સંસ્કૃતિ મંત્રાલય

બોર્ડર સિક્યુરીટી ફોર્સની સાઇકલ રેલી ખેડા જિલ્લાના નડિયાદ આવી પહોંચી

Posted On: 25 OCT 2021 2:01PM by PIB Ahmedabad

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત બોર્ડર સિક્યુરીટી ફોર્સ, બીએસએફના જવાનો દ્વારા 17 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર દરમિયાન ભારતભરમાં સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સાયકલ પર ફરીને રાષ્ટ્રીય એકતા, ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ, આત્મનિર્ભર ભારતને લગતો રાષ્ટ્રીય એકતાનો સંદેશો આપી રહ્યા છે.

જેસલમેરના રાઇથનવાલા (BOP)થી 17 ઓક્ટોબર, 2021ના રોજ પંદર જવાનો સાયકલ ઉપર રાષ્ટ્રીય એકતાની ભાવના જગાડતા 26 ઓક્ટોબરના રોજ કેવડીયા પહોંચશે. રાષ્ટ્રીય એકતા સાયકલ રેલી ગઈકાલે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવી પહોંચી હતી, જ્યાં ખેડા જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ તથા શહેરીજનોએ આ બીએસએફના જવાનોનું સ્વાગત કર્યું હતું. આ રાષ્ટ્રીય એકતા સાયકલ રેલી 723 કિલોમીટરની સાયકલયાત્રા કેવડીયા પહોંચી પૂરી કરશે.

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ સ્થળ નડિયાદ આવતા આ જવાનોએ નતમસ્તક પ્રણામ કર્યા હતા. આમ 15 સાયકલિસ્ટ જવાનો સાથે કુલ 40 બીએસએફના અન્ય જવાનો પણ જોડાયા છે. બીએસએફના રતન ચૌધરી જણાવે છે કે 31 ઓક્ટોબરના રોજ સરદાર સાહેબની ઊંચામાં ઊંચી પ્રતિમા કેવડિયા ખાતે કાર્યક્રમનું આયોજન થશે પરંતુ  દેશમાં એકતા જરૂરી હોવાથી, એકતા અને અખંડિતતા માટે અને સમગ્ર રાષ્ટ્ર એક રહે તે માટે આ સાયકલ રેલી સ્વરૂપે વિવિધ પ્રાંતોમાં ફરી રહ્યા છીએ. આ રેલી ખેડા જિલ્લામાં પ્રવેશતા કમળા ચોકડી , ડભાણ ચોકડીથી ગુરુદ્વારા થઈ નડિયાદ શહેરના વિવિધ માર્ગો પર ફરી સ્પોટર્સ કોમ્પ્લેક્ષ ખાતે આવી પહોંચી હતી. જ્યાં સ્પોટર્સ કોમ્પ્લેકસના મુખ્ય કોચ મનસુખભાઈ તાવેથીયાએ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી. સાયકલ એકતા રેલીમાં ડેપ્યુટી કમાન્ડર DC અમિત કુમાર, ડૉ. ભરત પાલીવાળ, આસિસ્ટન્ટ કમાન્ડર સંદીપ રાજપુત, કોડિનેટર સહિત 40 જવાનો આ સાયકલ રેલીમાં જોડાયા છે.



(Release ID: 1766274) Visitor Counter : 162