સંસ્કૃતિ મંત્રાલય

રાષ્ટ્રીય એકતા દિવસે દેશની ચારેય દિશાઓમાંથી પોલીસ જવાનો અને સશસ્ત્ર દળના જવાનો મોટર સાયકલ રેલી અને સાયકલ રેલી સ્વરૂપે કેવડીયા આવશે અને પરેડમાં ભાગ લેશે


આઝાદી કા અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય એકતા દિવસ સંદર્ભે નિકળેલી આઇ.ટી.બી.પી. સાયકલ રેલી અને પોલીસ જવાનોની મોટર સાયકલ રેલીએ અમદાવાદમાં ફેલાવ્યો એકતા સંદેશ

રાષ્ટ્રભાવના ઉજાગર કરતી મોટર સાયકલ અને સાયકલ રેલીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી આપીને કેવડીયા જવા માટે પ્રસ્થાન કરાવ્યુ

Posted On: 23 OCT 2021 2:57PM by PIB Ahmedabad

લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાન્નિધ્યમાં કેવડીયામાં 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી કરાશે. રાષ્ટ્રીય એકતાને વધુ સુદ્રઢ કરવા અખંડ ભારતના શિલ્પીની જન્મજયંતીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો આરંભ કરાવ્યો છે. કેવડીયા કોલોની ખાતે પોલીસ પરેડનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. જેમાં સશસ્ત્ર દળ અને પોલીસના જવાનો ભાગ લઇને એકતા અને અખંડિતતાનો સંદેશો સમગ્ર દેશવાસીઓને આપે છે. આ વર્ષે કેવડીયા ખાતે એકતા પરેડ, બેન્ડ પ્લાટુનના પર્ફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની સાઇકલ રેલી, ચાર રાજયોની પોલીસની મોટર સાયકલ રેલી, માર્શલ આર્ટ નિદર્શન, સ્કુલ બેન્ડ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીના સદંર્ભે એકતા દિવસ ઉપલક્ષ્યમાં આ વર્ષે આ કાર્યક્રમ અંતર્ગત દેશની ચારેય દિશામાં આઝાદીનો સંદેશ ગુંજતો કરવા અને રાષ્ટ્રભાવ ઉજાગર કરવા જમ્મુ કાશ્મીર, ત્રિપુરા, તમિલનાડુ અને કેરલાથી નિકળેલી મોટર સાયકલ રેલીઓ 31મી ઓકટોબરે કેવડીયા પહોચશે.  કચ્છના લખપતથી નીકળેલી ગુજરાત પોલીસ રેલી  અમદાવાદ ખાતે આવી પહોંચી હતી. અમદાવાદ ખાતે આવેલી પોલીસ જવાનોની આ મોટર સાયકલ રેલીને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે લીલી ઝંડી બતાવી કેવડીયા માટે પ્રસ્થાન કરાવી હતી. આ સાથે આઇ.ટી.બી.પી.ના જવાનોની સાયકલ રેલીનું પણ આજ રોજ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતુ.

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં કેવડીયા ખાતે એકતા પરેડમાં  6 પ્લાટૂન જોડાશે. જેમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસ દળોના પ્રતિક સ્વરૂપે 54 ફ્લેગ બેરર બીએસએફ, સીઆઇએસએફ, આઈટીબીપી, સીઆરપીએફ અને ગુજરાત પોલીસની પ્લાટૂન ભાગ લેશે.

દેશના જુદા-જુદા રાજ્યોમાંથી કેન્દ્રીય સશસ્ત્ર દળોના જવાનો આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સાયકલ રેલી સ્વરૂપે કેવડીયા આવવા નીકળ્યા છે. પશ્ચિમ ભારતમાંથી બીએસએફ અને બીઓપી રાયથનવાલા, બિકાનેર-રાજસ્થાનથી 723 કિલોમીટરની સાઇકલ રેલી, ઉત્તર દિશાથી આઈટીબીપી, લદાખના સશસ્ત્ર દળના જવાનો 2793 કિલોમીટર લાંબી સાયકલ રેલીથી કેવડીયા પહોંચી રહ્યા છે. પૂર્વ દિશામાં એસએસબી,ભૂતાન બોર્ડર, જયગાવ, પશ્ચિમ બંગાળથી 2347 કિલોમીટર લાંબી સાયકલ રેલી દ્વારા કેન્દ્રીય સશસ્ત્ર દળના જવાનો અને મધ્ય ભારતના સીઆરપીએફ, ગઢચિરોલી, મહારાષ્ટ્રના જવાનો 863 કિલોમીટરની સાયકલ યાત્રા કરીને કેવડીયા પહોંચી રહ્યા છે. આ તમામ સાયકલ રેલી 26 ઓક્ટોબર સુધીમાં કેવડીયા પહોંચશે અને આ તમામ જવાનો પણ એકતા પરેડમાં સામેલ થશે.

ભારતની ચૌદિશામાંથી પોલીસની ચાર મોટરસાયકલ રેલી પણ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના સાનિધ્યમાં પહોંચી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ, તમિલનાડુ પોલીસ, ત્રિપુરા પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા મોટર સાયકલ રેલી શરૂ કરાઇ છે, જે કેવડીયા પહોંચશે અને રેલીના પોલીસ જવાનો પણ એકતા પરેડમાં ભાગ લેશે. ઉત્તર દિશામાં જમ્મુ-કાશ્મીરથી પોલીસની મોટર સાયકલ રેલી ઉરીથી શરૂ થઇ છે, જે 2536 કિલોમીટરનું અંતર કાપીને કેવડીયા પહોંચશે. પૂર્વ દિશામાંથી ત્રિપુરા પોલીસની મોટર સાયકલ રેલી સબરૂમથી શરૂ થઈ છે, જે 3118 કિલોમીટરનું અંતર કાપીને કેવડીયા પહોંચશે. દક્ષિણથી તમિલનાડુ પોલીસની મોટર સાયકલ રેલી કન્યાકુમારીથી નીકળી છે, જે 2085 કિલોમીટરનું અંતર કાપીને કેવડીયા પહોંચશે અને દેશના પશ્ચિમ ભાગમાં ગુજરાત પોલીસની મોટરસાઇકલ રેલી કચ્છના લખપતથી નીકળી છે, જે 1170 કિલોમીટરનું અંતર કાપીને કેવડીયા પહોંચશે.

રાષ્ટ્રીય એકતા પરેડ પછી વુસુ માર્શલ આર્ટનું નિદર્શન યોજાશે. આઝાદીથી અત્યાર સુધીની યાત્રા પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ પણ કરાશે.

 

SD/GP/BT

 



(Release ID: 1765956) Visitor Counter : 162