સંસ્કૃતિ મંત્રાલય

દેશની પશ્ચિમી સરહદે ગુજરાતના કચ્છમાંથી રાષ્ટ્રીય એકતા રેલીનું પ્રસ્થાન

Posted On: 19 OCT 2021 12:44PM by PIB Ahmedabad

સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસને અનુલક્ષીને દેશમાં રાષ્ટ્રીય એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દેશની પશ્ચિમી સરહદે આવેલા ગુજરાતના છેવાડાના જિલ્લા કચ્છના લખપતમાંથી બાઈક રેલીનું આજે પ્રસ્થાન કરાયું હતું. ગુજરાત પોલીસના 25 જવાનો આ બાઈક રેલીમાં જોડાયા છે. જેમાં 6 મહિલા જવાનો છે.

ગુજરાતમાં આવેલા સરદાર પટેલ સાથે સંકળાયેલા સ્થળોને આવરી લઈને વિવિધ જિલ્લાઓના લોકો વચ્ચે રાષ્ટ્રીય એકતાનો સંદેશનો પ્રચાર પ્રસાર કરતી આ બાઈક રેલી 26 ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે પહોંચશે. દેશની ચારેય દિશાઓમાંથી નીકળનાર આ રાષ્ટ્રીય એકતા બાઈક રેલીમાં ઉરી, કન્યાકુમારી, ત્રિપુરા અને ગુજરાત કચ્છનો સમાવેશ થાય છે. ગુજરાતમાં કચ્છ જિલ્લામાંથી શરૂ થયેલ આ બાઈક રેલી અન્ય જિલ્લાઓ મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, અંકલેશ્વર થઈને અંદાજિત 1170 કીમીનો પ્રવાસ કરી 26 ઓક્ટોબરના રોજ કેવડિયા પહોંચશે. પશ્ચિમ ઉપરાંત પૂર્વ, ઉત્તર અને દક્ષિણના છેવાડાના સરહદી વિસ્તાર સહિત દેશના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં પસાર થઈને રાષ્ટ્રીય એકતાનો સંદેશ પ્રસરાવતી આ રેલીનું સમાપન 31 ઓક્ટોબરના રોજ કેવડિયા મધ્યે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં થશે.

કચ્છના લખપતથી રાષ્ટ્રીય એકતા રેલીનો પ્રારંભ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય સાથે ગુજરાત પોલીસ વતી બોર્ડર રેન્જ આઇજી જે.આર. મોથલિયા, પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘ, લખપત ગામના સરપંચ રમજાન ઈસ્માઈલ સોઢાએ કરાવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, કલેકટર પ્રવિણા ડી.કે., ડીડીઓ ભવ્ય વર્મા, કચ્છ સરહદે તૈનાત લશ્કરની વિવિધ પાંખોના અધિકારીઓ, આર્મી બ્રિગેડિયર સુધાંશુ શર્મા, એરફોર્સના ગ્રુપ કેપ્ટન બી.આર. ડેશા, કોસ્ટગાર્ડ કમાન્ડન્ટ સંદીપ સફાયા, બીએસએફના ડીઆઈજી સંજયકુમાર શ્રીવાસ્તવ, સ્થાનિક ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, પ્રાંત અધિકારી ડો. મેહુલ બરાસરા ઉપરાંત સ્થાનિક ગ્રામજનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



(Release ID: 1764871) Visitor Counter : 169