સંરક્ષણ મંત્રાલય

વિજ્યાદશમીના પ્રસંગે OFBની સાત નવી સંરક્ષણ કંપનીઓ રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોતાના વીડિયો સંબોધનમાં કહ્યું કે, આ સાત કંપનીઓના નિર્માણથી ભારતને શક્તિશાળી બનાવવાના ડૉ. કલામના સપનાંને તાકાત મળશે

આ સાત નવી કંપનીઓ આવનારા સમયમાં દેશના સૈન્યની તાકાતનો મજબૂત આધાર બનશે: પ્રધાનમંત્રી

નવી કંપનીઓ અર્થતંત્રના વિકાસની એન્જિન બનશે અને સંરક્ષણ વિનિર્માણ ઇકોસિસ્ટમમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે: સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ

આ નવી કંપનીઓ ઓર્ડનન્સ ફેક્ટરીઓને ઉત્પાદક અને લાભાદાયક સંસ્થાઓમાં પરિવર્તિત થશે અને સંરક્ષણ ક્ષેત્રે તૈયારીઓમાં આત્મનિર્ભરતા સુનિશ્ચિત કરશે: સંરક્ષણ મંત્રી


Posted On: 16 OCT 2021 5:53PM by PIB Ahmedabad

નવી દિલ્હીમાં ‘વિજ્યાદશમી’ના પાવન અવસરે સંરક્ષણ મંત્રાલય દ્વારા યોજવામાં આવેલા એક કાર્યક્રમ દરમિયાન ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ (OFB)ની સાત નવી કંપનીઓનું રાષ્ટ્રને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમ દરમિયાન વીડિયોના માધ્યમથી સંબોધન આપ્યું હતું. DRDO ભવનના કોઠારી ઓડિટોરિયમમાં યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા.

સંચાલન સ્વાયત્તતા, કાર્યદક્ષતામાં વધારો કરવા માટે અને વિકાસની નવી સંભાવનાઓ તેમજ આવિષ્કારના દ્વાર ખોલવા માટે સરકારે ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડને સરકારી વિભાગમાંથી પરિવર્તિત કરીને સરકારી માલિકીની 7 કોર્પોરેટ સંસ્થાઓ બનાવવામાંનો નિર્ણય લીધો છે. દેશની સંરક્ષણ ક્ષેત્રની તૈયારીઓમાં આત્મનિર્ભરતામાં સુધારો કરવાના પગલાં રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તદઅનુસાર, 7 નવી સંરક્ષણ કંપનીઓને સામેલ કરવામાં આવી છે જેના નામ, મ્યુનિશન્સ ઇન્ડિયા લિમિટેડ (MIL); આર્મર્ડ વ્હીકલ્સ નિગમ લિમિટેડ (AVANI); એડવાન્સ્ડ વેપન્સ એન્ડ ઇક્વિપમેન્ટ ઇન્ડિયા લિમિટેડ (AWE ઇન્ડિયા); ટ્રૂપ કમ્ફર્ટ્સ લિમિટેડ (TCL) (ટ્રૂપ કમ્ફર્ટ આઇટમ્સ); યંત્ર ઇન્ડિયા લિમિટેડ (YIL); ઇન્ડિયા ઓપ્ટેલ લિમિટેડ (IOL); અને ગ્લાઈડર્સ ઈન્ડિયા લિમિટેડ (GIL) છે.

પ્રધાનમંત્રીએ પોતાના વીડિયો સંબોધનમાં નોંધ્યું હતું કે, આજે વિજ્યાદશમીનો પાવન પ્રસંગ છે અને આજના દિવસે શસ્ત્રો તેમજ હથિયારોની પૂજા કરવાની પરંપરા છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં આપણે સત્તાને સર્જનના માધ્યમ તરીકે જોઇએ છીએ. તેમણે ટિપ્પણી કરી હતી કે, આવી જ ભાવના સાથે, રાષ્ટ્ર શક્તિની દિશામાં આગળ વધી રહ્યો છે.

શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામને પણ શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી અને કહ્યું હતું કે, રાષ્ટ્રને વધુ શક્તિશાળી બનાવવા માટે ડૉ. કલામે પોતાનું આખું જીવન અર્પણ કરી દીધું હતું અને ઉમેર્યું હતું કે, ઓર્ડનન્સ ફેક્ટરીઓના પુનર્ગઠન તેમજ સાત નવી કંપનીઓના સર્જનથી ભારતને શક્તિશાળી બનાવવાના તેમના સપનાંને વધુ તાકાત મળશે. તેમણે ઉમેર્યું હતું કે, નવી સંરક્ષણ કંપનીઓ ભારતની આઝાદીના આ અમૃત કાળ દરમિયાન દેશ માટે નવા ભવિષ્યનું ઘડતર કરવા માટેના આપણા વિવિધ સંકલ્પોનો હિસ્સો છે.

 પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ કંપનીઓ બનાવવાનો નિર્ણય ઘણા લાંબા સમયથી અટવાયેલો હતો અને આ સાત નવી કંપનીઓ આવનારા સમય દરમિયાન દેશની સૈન્ય તાકાત માટે મજબૂત આધાર તૈયાર કરશે. ભારતની ઓર્ડનન્સ ફેક્ટરીઓના કિર્તીમાન ભૂતકાળનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, સ્વતંત્રતા પછીના સમયગાળા દરમિયાન આ કંપનીઓને અપગ્રેડ કરવાની જરૂરિયાતને અવગણવામાં આવી છે, જેના કારણે દેશ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે વિદેશી પૂરવઠાકારો પર વધુ નિર્ભર થઇ ગયો. તેમણે કહ્યું હતું કે, “આ સાત સંરક્ષણ કંપનીઓ આ પરિસ્થિતિને પરિવર્તિત કરવામાં ઘણી મોટી ભૂમિકા નિભાવશે.”

શ્રી નરેન્દ્ર મોદીએ એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, આ નવી કંપનીઓ ‘આત્મનિર્ભર ભારત’ની દૂરંદેશીને અનુરૂપ રહીને આયાતની અવેજ તરીકે ઘણી મોટી ભૂમિકા અદા કરશે. તેમણે ઉમેર્યું હતું કે, રૂ. 65,000 કરોડ કરતાં વધુનું ઓર્ડર બુકિંગ આ કંપનીઓમાં દેશનો વધી રહેલો વિશ્વાસ બતાવે છે.

પ્રધાનમંત્રીએ તાજેતરના ભૂતકાળમાં હાથ ધરવામાં આવેલી એવી વિવિધ પહેલ અને સુધારાઓને યાદ કર્યા હતા જેના કારણે સંરક્ષણ ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિશ્વાસ, પારદર્શિતા અને ટેકનોલોજી આધારિત અભિગમ આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આજે ખાનગી અને જાહેર ક્ષેત્ર રાષ્ટ્રીય સુરક્ષાના મિશનમાં એકબીજા સાથે હાથ મિલાવીને કામ કરી રહ્યા છે. તેમણે ઉત્તરપ્રદેશ અને તમિલનાડુના સંરક્ષણ કોરિડોરને નવા અભિગમના દૃશ્ટાંત તરીકે ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, યુવાનો અને MSME માટે નવી તકોનું સર્જન થઇ રહ્યું છે તેથી દેશ તાજેતરના વર્ષોમાં નીતિગત ફેરફારોના પરિણામો જોઇ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, “પાછલા પાંચ વર્ષ દરમિયાન આપણી સંરક્ષણ નિકાસમાં 325 ટકાનો વધારો નોંધાયો છે.”

શ્રી નરેન્દ્ર મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે, અમારું લક્ષ્ય છે કે આપણી કંપનીઓ માત્ર તેમના ઉત્પાદનોમાં નિપુણતા લાવે તેવી ના હોય પરંતુ તેઓ વૈશ્વિક બ્રાન્ડ પણ બને. તેમણે કહ્યું હતું કે, એક તરફ સ્પર્ધાત્મક કિંમતો આપણી તાકાત છે, તો સામે પક્ષે ગુણવત્તા અને વિશ્વસનીયતા આપણી ઓળખ હોવી જોઈએ. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, 21મી સદીમાં કોઈપણ રાષ્ટ્ર કે કોઈપણ કંપનીની વૃદ્ધિ અને બ્રાન્ડ મૂલ્ય તેમના સંશોધન અને વિકાસ તેમજ આવિષ્કાર દ્વારા નિર્ધારિત થાય છે. તેમણે નવી કંપનીઓને અપીલ કરી હતી કે, સંશોધન અને આવિષ્કાર તેમની કાર્ય સંસ્કૃતિનો હિસ્સો હોવો જોઇએ જેથી તેઓ માત્ર દુનિયાની મોટી કંપનીઓ સાથે બરાબરી કરવાના બદલે ભવિષ્યની ટેકનોલોજીમાં અગ્રેસર પણ બને. તેમણે કહ્યું હતું કે, આ પુનર્ગઠન નવી કંપનીઓને નવીનતા અને કૌશલ્ય પોષવા માટે વધુ સ્વાયત્તતા પ્રદાન કરશે અને નવી કંપનીઓએ આવી પ્રતિભાઓને પ્રોત્સાહન આપવું જોઈએ. તેમણે સ્ટાર્ટઅપ્સને આગ્રહપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ એકબીજાના સંશોધન અને તજજ્ઞતાનો લાભ ઉઠાવીને આ નવી સફરનો હિસ્સ બને.

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, સરકારે આ નવી કંપનીઓને ઉત્પાદન માટે બહેતર માહોલ પૂરો પાડવાની સાથે જ સંપૂર્ણપણે કામગીરીની સ્વાયત્તતા પણ આપી છે. તેમણે પુનરુચ્ચાર કર્યો હતો કે, સરકારે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે કર્મચારીઓના હિતોનું સંપૂર્ણ રીતે રક્ષણ કરવામાં આવે.

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે OFBને સાત કંપનીઓમાં પરિવર્તિત કરવાના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, આ પગલું સરકારનો ‘આત્મનિર્ભર ભારત’નું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટેનો સંકલ્પ બતાવે છે. તેમણે કહ્યું હતું કે, આ નિર્ણય આ કંપનીઓને સ્વાયત્તતા આપશે અને તેમને આધીન 41 ફેક્ટરીઓના કામકાજમાં જવાબદારી તેમજ કાર્યદક્ષતામાં સુધારો આવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, નવું માળખું OFBના વર્તમાન તંત્રમાં વિવિધ ઉણપોને દૂર કરવામાં મદદ કરશે અને કર્મચારીઓના હિતોનું રક્ષણ કરીને તેમણે આ કંપનીઓને સ્પર્ધાત્મક બનવા તેમજ નિકાસ સહિત બજારમાં નવી તકો શોધવા માટે પ્રોત્સાહન આપશે.

તેમણે કહ્યું હતું કે, “આ પુનર્ગઠનનો ઉદ્દેશ ઓર્ડનન્સ ફેક્ટરીઓને ઉત્પાદક અને લાભદાયક અસ્કયામતોમાં પરિવર્તિત કરવાનો, ઉત્પાદન શ્રૃંખલાની કાર્યદક્ષતામાં સુધારો લાવવાનો, હરીફાઇમાં વધારો કરવાનો, ગુણવત્તામાં સુધારો લાવવાનો, ઉત્પાદનોના ભાવો ઘટાડવાનો અને સંરક્ષણની તૈયારીઓમાં આત્મનિર્ભરતા સુનિશ્ચિત કરવાનો છે.”

શ્રી રાજનાથસિંહે આશા વ્યક્ત કરી હતી કે આવનારા સમયમાં આ નવી કંપનીઓ સંરક્ષણ વિનિર્માણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાની સાથે સાથે ભારતના અર્થતંત્રના વિકાસનું પણ એન્જિન બનશે. તેમણે કહ્યું હતું કે, આ પુનર્ગઠન એક નિરંતર પ્રક્રિયા છે, આ કોઇ ચીજનો અંત નથી.

આ નવી કંપનીઓમાં વિકાસની સંપૂર્ણ સંભાવનાઓ સમાયેલી છે તેમ જણાવતા શ્રી રાજનાથસિંહે ઉમેર્યું હતું કે, જો જરૂર પડશે તો સરકાર શરૂઆતમાં આર્થિક અને બિન-આર્થિક ઉપાયોના માધ્યમથી સહાયતા પૂરી પાડશે.

   ODB કર્મચારીઓના હિતોના રક્ષણ માટે સરકાર કટિબદ્ધ હોવાની વાતનો પુનરુચ્ચાર કરતા શ્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે, ઉત્પાદન એકમો સંબંધિત OFB (ગ્રૂપ A, B અને C)ના તમામ કર્મચારીઓને કેન્દ્ર સરકારના કર્મચારીઓ તરીકે તેમની સેવાની શરતોમાં કોઇપણ ફેરફાર કર્યા વગર બે વર્ષના સમય માટે ડીમ્ડ નિયુક્તિ પર આ કોર્પોરેટ સંસ્થામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

 

સંરક્ષણ ઉપકરણોના ઉત્પાદન મામલે ‘આત્મનિર્ભર ભારત’ બનાવવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવાની ચાવી ગણાવતા સંરક્ષણ મંત્રીએ ખાનગી ક્ષેત્ર, સંયુક્ત સાહસોની સક્રિય ભાગીદારી અને સંરક્ષણ નિર્માણ એકમોની સ્થાપનાના માધ્યમથી ભારતને એક સંરક્ષણ વિનિર્માણ કેન્દ્ર તેમજ ચોખ્ખા નિકાસકાર બનાવવાના સંકલ્પનો ફરી ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, 2014 પછીથી વૈશ્વિક બજારમાં જગ્યા બનાવવા માટે આવશ્યક જુની વ્યાવસાયિક કામગીરીઓ અને અત્યાધુનિક પ્રણાલીઓ વચ્ચેની ખાઇ દૂર કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમણે એ વાતનો સંતોષ વ્યક્ત કર્યો હતો કે, દેશ પ્રધાનમંત્રીની ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ દૂરંદેશનીને પ્રાપ્ત કરવાની દિશામાં ઘણું મોટું પગલું ભરી રહ્યો છે.

શ્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે, “છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારાઓના કારણે દેશના સંરક્ષણ ક્ષેત્રએ નવા શિખરો સર કર્યા છે. આપણે સ્વદેશી ઉત્પાદનોના નિર્માણ પર ધ્યાન આપવાની સાથે સાથે નિકાસ અને FDI માટે અનુકૂળ તંત્રનું પણ નિર્માણ કર્યું છે.” તેમણે ઉમેર્યું હતું કે, સંરક્ષણ મંત્રાલયે 2024 સુધીમાં એરોસ્પેસ અને સંરક્ષણ ઉપકરણો તેમજ સેવાઓમાં 1.75 લાખ કરોડ રૂપિયાનો વેપાર પ્રાપ્ત કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે જેમાં 35,000 કરોડ રૂપિયાની નિકાસ પણ સામેલ છે.

સંરક્ષણ મંત્રીએ દેશમાં વર્તમાન સંરક્ષણ નિર્માણના પરિદૃશ્યને ખાનગી અને જાહેર ક્ષેત્ર વચ્ચે પારસ્પરિક તાલમેલના રૂપમાં પરિભાષિત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “જાહેર અને ખાનગી ક્ષેત્ર આપણા સશસ્ત્ર દળોની તૈયારીઓમાં વધારો કરવા માટે એકબીજા સાથે હાથ મિલાવીને કામ કરી રહ્યાં છે.”

શ્રી રાજનાથસિંહે નવા મેનેજમેન્ટને કહ્યું હતું કે, તેઓ માત્ર સંરક્ષણ સેવાઓ માટેના જ ઓર્ડર પર નિર્ભર ના રહે પરંતુ, ભારત અને વિદેશમાં નવી તકોનું પણ અન્વેષણ કરે. તેમણે ‘વિજ્યાદશમી’ના પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામને તેમની જન્મજયંતિ નિમિત્તે યાદ કર્યા હતા.

સંરક્ષણ રાજ્યમંત્રી શ્રી અજય ભટ્ટે આ પ્રસંગે જણાવ્યું હતું કે, OFBનું રૂપાંતરણ માત્ર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને નેતૃત્વના કારણે જ શક્ય બન્યું છે. તેમણે સંરક્ષણ મંત્રીના નેતૃત્વ હેઠળ EGoM નો આભાર વ્યક્ત કર્યો હતો, જેમણે 75,000 કરતાં વધારે કર્મચારીઓ સાથે, દેશના 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા 14 ઉત્પાદન એકમો અને બિન-ઉત્પાદન એકમો વાળી સંસ્થાઓમાં આટલા મોટા સુધારાને શક્ય બનાવ્યો છે. આ સંસ્થાઓ પાસે 79,000 કરોડ કરતાં વધારે રૂપિયાની સંપત્તિ છે અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, તેઓ 220 વર્ષ કરતાં વધુ સમયનો વારસો ધરાવે છે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડાભોલ, વાયુસોનાના વડા એર ચીફ માર્શલ વી.આર. ચૌધરી, સંરક્ષણ સચિવ ડૉ. અજયકુમાર, સચિવ (સંરક્ષણ ઉત્પાદન) શ્રી રાજકુમાર, સચિવ (ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ) શ્રી બી. આનંદ, આર્થિક સલાહકાર (સંરક્ષણ સેવાઓ) શ્રી સંજીવ મિત્તલ અને સંરક્ષણ મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ તેમજ સંરક્ષણ ઉદ્યોગ સંગઠનોના ઘણા પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય કાર્યક્રમ ઉપરાંત, તમામ સાત કંપનીઓ અને વિવિધ રાજ્યોમાં રહેલા તેમના એકમોમાં પણ યોજાયેલા કાર્યક્રમોની સાથે સમારંભ યોજવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક દિવસને અનુલક્ષીને આ કંપનીઓ દ્વારા સ્થાનિક સ્તરે ઘણા અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મુખ્ય કાર્યક્રમ સાથે જોડવામાં આવ્યા હતા.



(Release ID: 1764374) Visitor Counter : 172