સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે ‘આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ગુજરાતના 5 સ્વાતંત્ર્ય વીરોની ટપાલ ટિકિટ બહાર પાડી

Posted On: 13 OCT 2021 5:58PM by PIB Ahmedabad

કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે નવી દિલ્હી ખાતે ગુજરાતના 5 સ્વાતંત્ર્ય વીરોની ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ગુજરાતના આ પાંચ સ્વાતંત્ર્ય વીરોમાં શામળદાસ ગાંધી, સ્વામી આનંદ, સરદારસિંહ રાણા, પોપટલાલ વ્યાસ તથા સરયુબેન વ્યાસ અને મહાદેવ દેસાઈનો સમાવેશ થાય છે.

જેમાં શામળદાસ ગાંધીનો જન્મ 1897માં પોરબંદરમાં થયો હતો. તેઓ ભારતની આઝાદીની લડાઈના મહાન નેતા રહ્યા હતા. તેઓ લક્ષ્મીદાસ કરમચંદ ગાંધી (મહાત્મા ગાંધીના મોટાભાઈ)ના પુત્ર હતા અને તેઓ તેમના કાકા મોહનદાસ કરમચંદ ગાંધીની ખૂબ નજીક હતા.જ્યારે જૂનાગઢના નવાબે પોતાનું રાજ્ય 1947માં પાકિસ્તાનમાં વિલિન કરવાની કોશિશ કરી ત્યારે સામળદાસે સરકાર સમક્ષ રજૂઆત કરી કે જૂનાગઢના નાગરિકો દેશનિકાલ થવાના બદલે ભારતમાં જ રહેવા માગે છે. જૂનાગઢવાસીઓની આ ઈચ્છાને શામળદાસે પ્રતિબિંબિત કરી હતી.

ગુજરાતના અન્ય એક સ્વાતંત્ર્ય સેનાની સ્વામી આનંદ(શ્રી હિંમતલાલ રામચંદ્ર દવે)નો જન્મ 8 સપ્ટેમ્બર, 1887ના રોજ ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના શિયાણી ગામમાં થયો હતો. દસ વર્ષની વયે જે તેમણે લગ્નનો વિરોધ કરીને ઘર છોડી દીધું હતું. કેમકે એક સાધુએ તેમને ઈશ્વરના દર્શન કરાવવાની વાત કરી હતી. ત્યારબાદ તેઓ ખુદ રામક્રિશ્ન મિશન સાથે રહીને સાધુ બન્યા. તેમણે 1907માં બાળ ગંગાધર તિલક દ્વારા સ્થાપિત મરાઠી અખબાર કેસરીમાં કામ કર્યુ. તેઓ યંગ ઈન્ડિયામાં મેનેજર પણ રહ્યા હતા. અને યંગ ઈન્ડિયામાં એક આર્ટિકલ પ્રકાશિત કરવા બદલ એક પ્રકાશક તરીકે તેમને દોઢ વર્ષની જેલની સજા પણ થઈ હતી. તેઓ 1928ના બારડોલી સત્યાગ્રહ વખતે વલ્લભભાઈ પટેલના સેક્રેટરી તરીકે પણ રહ્યા હતા. જ્યારે 1930માં, તેમણે નમક સત્યાગ્રહમાં સામેલ રહેવા બદલ ફરીવાર મુંબઈના વિલેપાર્લેમાં જેલવાસ ભોગવ્યો હતો. સ્વામી આનંદે વિજ્ઞાન, ધર્મ અને સમાજ જેવા મુદ્દાઓ પર લેખો પણ લખ્યા હતા. સ્વામી આનંદ ગુજરાતીમાં વિદ્વાન હતા તો અન્ય અનેક ભાષા જેમકે મરાઠી, સંસ્કૃત, હિન્દી, ઉર્દૂ અને ઈંગ્લિશના પણ જાણકાર હતા. તેમનું 1976માં મુંબઈ ખાતે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું.

જ્યારે સરદારસિંહ રાણાનો જન્મ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના કંથારિયા ગામે 10-4-1870ના રોજ થયો હતો. 1900માં તેમણે લંડનથી બેરિસ્ટર એટ લ઼ૉની ડિગ્રી મેળવી હતી. ભારતીય ક્રાંતિકારીઓમાં બોંબ અને પિસ્તોલનો ઉપયોગ બ્રિટિશ શાસન વિરુદ્ધ કરવામાં તેઓ પુરોગામી રહ્યા હતા. એક સમયે વિદેશમાં અભ્યાસ કરવા માગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે 4 સ્કોલરશીપ જાહેર થઈ ત્યારે એ ચાર વિદ્યાર્થીઓમાંના એક સાવરકર હતા. 1907માં જ્યારે જર્મનીમાં ઈન્ટરનેશનલ સોશિયાલિસ્ટ કોન્ફરન્સમાં તેમણે પ્રથમવાર ભારતીય તિરંગાની ડિઝાઈન તૈયાર કરી હતી. ફ્રાન્સની સરકારે તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન શેવેલિયર ઓફ લિજિયન પ્રદાન કર્યુ હતું. ગુજરાતના વેરાવળમાં 25 મે, 1957ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

ગુજરાતના અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓમાં સામેલ અને ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલની સરકાર 1975થી 1980 સુધી રહી હતી ત્યારે પોપટલાલ વ્યાસ તેમાં કેબિનેટ મંત્રી તરીકે રહ્યા હતા. 1942ની ભારત છોડો ચળવળ દરમિયાન તેઓ કેટલાક એવા સ્વાતંત્ર્ય સેનાનીઓમાં સામેલ રહ્યા કે જેમને 15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતની આઝાદીના દિવસે સુરતમાં પ્રથમવાર રાષ્ટ્રધ્વજ લહેરાવવાની તક મળી હતી. તેમના પત્ની સરયુબેન પણ સક્રિય રીતે આઝાદીની લડાઈમાં સામેલ રહ્યા હતા. તેઓ એકવાર 9 ઓગસ્ટ, 1942ના રોજ મોતી ટોકિઝમાં ‘ગોન વિથ ધ વિન્ડ્સ’ નિહાળી રહ્યા હતા ત્યારે તેમને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની ધરપકડના સમાચાર મળ્યા હતા. તેઓ ટોકિઝમાંથી નીકળી ગયા પણ થોડા દિવસ પછી તેમની પણ ધરપકડ થઈ. તેમને નાસિકની જેલમાં 21 મહિના માટે રાખવામાં આવ્યા હતા. પોપટલાલ વ્યાસ સરયુબેનને આઝાદીની લડાઈ સમયે મળ્યા હતા અને પછી બંનેએ લગ્ન કર્યા હતા. સરયુબેન શહેરના સ્વાતંત્ર્ય સેનાનીઓમાં અગ્રણી મહિલા નેતા તરીકે સક્રિય રહ્યા હતા. તેમનું નિધન 2007માં થયું હતું. પોપટલાલ વ્યાસે અખંડ આનંદ ટ્રસ્ટ, સુરત માનવ સેવા સંઘ અને છાંયડોની સ્થાપના કરી હતી.તેઓ સુરત જિલ્લાના અધ્યક્ષ પણ રહ્યા હતા.

આ ઉપરાંત મહાદેવ દેસાઈ કે જેમનો જન્મ 1 જાન્યુઆરી, 1892ના રોજ સુરતના સરસ ગામમાં થયો હતો. મહાદેવ દેસાઈ પ્રથમવાર ગાંધીજીને 1915માં મળ્યા હતા. 1919માં જ્યારે કોલોનિયલ સરકારે પંજાબમાં ગાંધીજીની ધરપકડ કરી ત્યારે તેમણે દેસાઈને પોતાના વારસ તરીકે જાહેર કર્યા. દેસાઈની પ્રથમવાર 1921માં ધરપકડ થઈ અને 1 વર્ષની જેલની સજા થઈ હતી.તેઓ 25 વર્ષ સુધી ગાંધીજીના અંગત સચિવ તરીકે રહ્યા પણ લેખક વેરિયર એલ્વિને લખ્યું છે કે ‘તેઓ (મહાદેવ દેસાઈ) તેનાથી પણ વિશેષ હતા.”

SD/GP/JD



(Release ID: 1763662) Visitor Counter : 378