માહિતી અને પ્રસારણ મંત્રાલય

પ્રધાનમંત્રી શ્રી મોદીજી 24 કલાક દેશ માટે જીવે છે, 20 વર્ષોમાં એક પણ દિવસ રજા લીધી નથી: શ્રી અનુરાગ ઠાકુર

Posted On: 07 OCT 2021 5:22PM by PIB Ahmedabad

ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદીજીના જનસેવાના 20 વર્ષ પૂર્ણ થયા એ બદલ માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે એમને અભિનંદન આપ્યા છે. તેમણે 20 વર્ષોના સમયગાળાને સુશાસન, સેવા અને સમર્પણની દ્રષ્ટિએ ઐતિહાસિક ગણાવ્યો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે મોદીજીએ 20 વર્ષ જ નહીં પણ વધારે લાંબી ઇનિંગ રમીને દેશને આગળ લઈ જવાનો છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે કહ્યું, “પ્રધાનમંત્રી શ્રી મોદીને રાજકીય જીવનમાં મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકે 20 વર્ષનો સમયગાળો પૂર્ણ થયો એ બદલ હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. આ સમયગાળામાં, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી રહીને પણ તેમણે એક મુખ્ય સેવક અને પ્રધાન સેવક તરીકે કાર્ય કર્યું છે. તેઓ મજબૂત પણ છે, સંવેદનશીલ છે, પ્રતિબદ્ધ પણ છે, દૂરદર્શી છે, પરિશ્રમી પણ છે અને ગતિશીલ પણ છે.”

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે મોદીજીએ આ 20 વર્ષોમાં કદાચ એક પણ દિવસની રજા લીધી નથી, ન વ્યક્તિગત જીવનમાં રજા લીધી, ન તો રાજકીય સ્વરૂપે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીની આ પૂરી સેવા પ્રદાન કરતી વખતે રજા લીધી. વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં પ્રધાન સેવકની ભાવના અને ‘સબ કા સાથ, સબ કા વિશ્વાસ’ મૂળમંત્ર દ્વારા તેમણે કાર્ય કરીને ગુજરાતને પણ આગળ વધાર્યું અને બાદમાં ભારતને પણ આગળ વધાર્યું. આ 20 વર્ષો, હું કહીશ કે તેમના સુશાસન, સેવા અને સમર્પણ ભાવ માટે જાણીતા રહેશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ ઐતિહાસિક 20 વર્ષનો કાળખંડ ન માત્ર મોદીજીનાં જીવનની ઉપલબ્ધિ છે, આ ભારતને પણ આગળ વધારવાનું કામ કર્યું છે. જુઓ, એક તરફ જ્યાં યુવા ટેકનોલોજીની વાત કરે છે. મોદીજી ઘણા વધારે ટેકનોલોજી સૅવી છે. યુપીઆઇ ભીમ એપ બનાવવાનું કામ હોય, બૅન્ક ખાતાં ખોલવાના હોય, આધાર કાર્ડ આપવાની વાત હોય, ડાયરેક્ટ બૅનિફિટ ટ્રાન્સફર (ડીબીટી)ની વાત હોય, આનાથી દેશના લાખો કરોડો બચાવ્યા છે અને સામાન્ય જનતાને હક અને અધિકાર આપવાનું કાર્ય સંપૂર્ણ પારદર્શી અને મજબૂતાઇથી કર્યું છે.

શ્રી અનુરાગ ઠાકુરે કહ્યું, “આવી જ રીતે ડિજિટલ ઇન્ડિયાની વાત કરું તો મહામારીના સમયે, બાળકોનું ભણતર હોય, કે જન-જન સુધી સુવિધાઓ પહોંચાડવાની વાત હોય, એમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ સૌથી વધારે થયો છે. આ કદાચ એમની એક દૂરદ્રષ્ટિ છે, જેણે દેશને આગળ વધારવાનું કાર્ય કર્યું છે. તેમણે 80 કરોડ લોકોને મફતમાં રાશન આપ્યું. દુનિયાનો કોઇ દેશ આવું કરી શક્યો નથી. કોવિડ એપ અને આરોગ્ય સેતુ એપ લાવીને જાગરૂકતા ફેલાવી. દેશમાં કોરોના રસીકરણ 100 કરોડ ડૉઝ થવાની તૈયારીમાં છે. એટલે ક્યાંક ને ક્યાંક આ એમનો દેશ પ્રત્યેનો સમર્પણ ભાવ છે. તેઓ દિશા-નિર્દેશ આપે છે અને પોતે જાતે વારંવાર ફોલોઅપ લે છે, એ જ કારણે તેઓ સફળ છે.”

કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે પહેલાં દિવસથી જ સબ કા સાથ, સબ કા વિકાસ અને સબ કા વિશ્વાસના મૂળમંત્ર સાથે પ્રધાનમંત્રીએ સમાજની સેવા કરી અને છેવાડાના વ્યક્તિ સુધી વિકાસને પહોંચાડવાનું કાર્ય કર્યું છે. એટલે કદાચ, સંસદમાં પહેલા દિવસે આવીને બોલ્યા હતા, મારી સરકાર ગરીબોની હશે, વંચિતોની હશે, પછાતોની હશે. મોદીજીએ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકે રહીને સુશાસન, સેવા અને સમર્પણની ભાવનાથી ઐતિહાસિક 20 વર્ષ પૂર્ણ કર્યાં છે.

શ્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે જ્યારે મોદીજી હિમાચલ પ્રદેશના પ્રભારી હતા, સંગઠનનું કાર્ય કરતા હતા. આજે આપ જુઓ છો સફાઇકર્મીનાં પગ તેઓ ધૂએ છે. જ્યારે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી ન હતા ત્યારે પણ તેઓ આવું જ કાર્ય કરતા હતા. છેલ્લાં સાત વર્ષોમાં આપે જોયું હશે કે પ્રધાનમંત્રી તરીકે તેઓ દિવાળીએ સેનાના જવાનોની સાથે હોય છે. જ્યારે કારગિલનું યુદ્ધ થયું ત્યારે તેઓ હિમાચલના પ્રભારી તરીકે, ત્યાંના મુખ્યમંત્રી અને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રીને લઈને સરહદ પર ગયા હતા. જે જવાનોની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, તેમને ફળ વિતરણ કરવા અને ખબર-અંતર પૂછવા ગયા હતા. જેમણે પણ પ્રધાનમંત્રીની સાથે સમય વીતાવ્યો છે એમને ખબર છે કે એમની પ્રતિબદ્ધતા ભારતના ઉત્થાન માટે કેટલી બધી છે. 24 કલાક દેશ માટે જીવે છે, 24 કલાક દેશ માટે કાર્ય કરે છે. સમર્પણ ભાવ એટલો બધો છે કે જન-જનના પ્રિય નેતા બન્યા છે.

કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે લોકો જ્યારે કટાક્ષ કરે છે, વિપક્ષ જ્યારે ખોટા આક્ષેપો કરે છે ત્યારે મોદીજી સોનાની જેમ ચમકીને બહાર નીકળે છે. કેમ કે એમની તપસ્યા, સેવા ભાવનાને લોકોએ વખાણી છે, સ્વીકારી છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે એમનાં કામ પર જનતા ભવિષ્યમાં પણ આશીર્વાદ આપતી જ રહેશે. માત્ર 20 વર્ષો જ નહીં, પણ તેમણે હજી ઘણી લાંબી ઇનિંગ રમવાની છે અને દેશને આગળ લઈ જવાનો છે.



(Release ID: 1761787) Visitor Counter : 141