પર્યાવરણ અને વન મંત્રાલય

“આઝાદી કા અમૃત મહોત્સવ” અન્વયે ગુજરાતની હાલમાં હયાત અને અન્ય શક્ય રામસર સાઈટ્સ ખાતે “આયકૉનિક વીક”ની ઉજવણી (4-10 ઑક્ટોબર, 2021)

Posted On: 06 OCT 2021 1:22PM by PIB Ahmedabad

ભારત દેશ આઝાદી મળ્યાના ૭૫ વર્ષની ઉજવણી “આઝાદી કા અમૃત મહોત્સવ” તરીકે કરી રહેલ છે. આ મહોત્સવ અન્વયે ભારત સરકારના વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના વેટલૅન્ડ વિભાગ દ્વારા સમગ્ર દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 12  માર્ચથી 22 ઑગસ્ટ 2022 સુધીના 75 અઠવાડિયાના સમયગાળામાં જળપ્લાવિત વિસ્તારો તથા તેમના સંરક્ષણ વિશે જાગૃતિ અને સંવેદનશીલતા લાવવા વિવિધ કાર્યક્રમો ઘડી કાઢવામાં આવેલ છે. આ 75 અઠવાડિયા પૈકી, 4-10 ઑક્ટોબર દરમિયાનના સમયગાળાને ઉપરૉક્ત મંત્રાલયના “આયકૉનિક વીક” તરીકે ઉજવવાનું આયોજન થયેલ છે, જેની ઉજવણી આ મંત્રાલયના નિર્દેશનમાં દેશની કુલ 46 રામસર સાઈટ્સ અને કેટલાંક રામસર સાઈટ્સ બનાવાની શક્યતાઓ ધરાવતા જળપ્લાવિત વિસ્તારો ખાતે વેટલૅન્ડ્સને લગતી વિશિષ્ટ પ્રવૃત્તિઓ કરીને કરવામાં આવી રહી છે. આ ઉજવણી જે તે રાજ્યોના વન વિભાગો દ્વારા વન અને પર્યાવરણ વિભાગો, સ્ટેટ વેટલૅન્ડ ઑથોરિટીઝ અને દેશના વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના જ્ઞાન-સહયોગી (નૉલેજ પાર્ટનર) સંસ્થાઓની મદદથી થઈ રહી છે.

ગુજરાત રાજ્યમાં હાલમાં ૩ રામસર સાઈટ્સ છે, જેમાં નળ સરોવર પક્ષી અભયારણ્ય, થોળ વન્યપ્રાણી અભયારણ્ય અને વઢવાણા તળાવનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ખિજડીયા પક્ષી અભયારણ્ય “રામસર સાઈટ”નું સત્વરે બિરૂદ મળવાની શક્યતાવાળો જળપ્લાવિત વિસ્તાર છે. આ ચાર જળપ્લાવિત વિસ્તારો ખાતે ગુજરાત રાજ્યના વન વિભાગે “ગીર” ફાઉન્ડેશન, ગાંધીનગરની તકનીકી સહાયથી તથા ભારત સરકારના વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના નિર્દેશિત સૂચનાઓ અનુસાર “આયકૉનિક વીક”ના પ્રથમ દિવસે (અર્થાત્ 4-10-2021ના રોજ) કેટલાંક કાર્યક્રમો કર્યા. વળી, વન વિભાગે તારીખ 10-10-2021 સુધીના બાકી રહેલ 6 દિવસો દરમ્યાન કરવાના વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન પણ કરી નાખેલ છે.

આ ઉજવણીના ભાગરૂપે ઉપરોક્ત ચાર જળપ્લાવિત વિસ્તારો પૈકીના પ્રત્યેક માટે 3-4 “વેટલૅન્ડ ઍમ્બેસેડર સ્પીસિઝ”નું ચયન કરવામાં આવ્યું છે. આ દરેક “ઍમ્બેસેડર” (દૂત‌) જાતિ, જે તે વેટલૅન્ડ (જળપ્લાવિત વિસ્તાર‌)ની આગવી ઓળખ છે, ને તેથી આ જાતિઓ જે તે વેટલૅન્ડના સંરક્ષણ માટે લોકોને એક દૂત તરીકે અપીલ કરે છે. દરેક વેટલૅન્ડ માટે સૂચવાયેલ 3-4 ઍમ્બેસેડર જાતિમાંથી શ્રેષ્ઠ જાતિ સૂચવવા માટે લોકોનાં મંતવ્યો પણ લેવામાં આવી રહ્યા છે.

ઉજવણીના ભાગ સ્વરૂપ બીજી એક અગત્યની પ્રવૃત્તિ ઉપરૉક્ત ચાર જળપ્લાવિત વિસ્તારો ખાતે “સાઈનેજ બૉર્ડસ” લગાવવાની છે. આ કાર્ય “આઈકૉનિક” અઠવાડિયાના પ્રથમ દિવસે જ ચારેય વેટલૅન્ડ્સ ખાતે પૂરું કરવામાં આવ્યું છે. 5 ફૂટ × 3 ફૂટના પાટિયાઓ (બૉર્ડ‌) ઉપર જે તે વેટલૅન્ડનું મહત્વ અને તેની સામેના ભયો ઉપરાંત અન્ય મહત્વની માહિતી (જેમ કે જે તે વેટલૅન્ડનું ક્ષેત્રફળ, તેનો રામસર સાઈટ નંબર વગેરે‌) દર્શાવેલ હોય છે.

ઉજવણીના ભાગસ્વરૂપ અન્ય અતિ મહત્વની પ્રવૃત્તિ એટલે ચારેય પૈકી પ્રત્યેક વેટલૅન્ડ માટે “વેટલૅન્ડ મિત્ર” જૂથની રચના કરવી. નળ સરોવર, થોળ, વઢવાણા અને ખીજડિયા – એમ પ્રત્યેક વેટલૅન્ડ માટે અલગ વેટલૅન્ડ મિત્રોની નોંધણી કરી તેમની પાસે જે તે વેટલૅન્ડનું સંરક્ષણ કરવામાં તંત્રને સહાય કરવા માટેની પ્રતિજ્ઞા લેવડાવવી એ એક “આઈકૉનિક” અઠવાડિયાની ઉજવણીનો મહત્વનો ભાગ છે. “વેટલૅન્ડ મિત્ર” જૂથમાં એવા લોકોનું ચયન કરવામાં આવેલ છે કે જેમણે અત્યાર સુધી વેટલૅન્ડના સંરક્ષણમાં રસ દર્શાવેલ હોય.

ઉજવણીના પ્રથમ દિવસે (એટલે કે ચોથી ઑક્ટોબરે) ગુજરાતની સર્વપ્રથમ રામસર સાઈટ “નળસરોવર પક્ષી અભયારણ્ય” ખાતે કેટલીક મહત્વની પ્રવૃત્તિઓ કરવામાં આવી. આશરે 200 વ્યક્તિઓએ આ ઉજવણીમાં ભાગ લીધો, જેમાં જેમની જીવાદોરી નળ સરોવર પર ઘણા અંશે નિર્ભર છે તેવી “પઢાર” જાતિના લોકો, કેટલીક સ્વાયત્ત સંસ્થાના પ્રતિનિધિઓ તેમ જ વન વિભાગના અધિકારીઓ એ ભાગ લીધો. આશરે 100 જેટલા “વેટલૅન્ડ મિત્રો”ની નોંધણી (“રજિસ્ટ્રેશન”) કરવામાં આવી. વળી, તેમની પાસે નળ સરોવરનું સંરક્ષણ થાય અને તેનો શાણપણ ભરેલ ઉપયોગ થાય તે જોવાની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી. માત્ર નળ સરોવર જ નહિ, પણ ગુજરાતના અન્ય ત્રણ જળપ્લાવિત વિસ્તારો (થોળ, વઢવાણા અને ખીજડિયા) ખાતે પણ આવી અગત્યની પ્રવૃત્તિઓ કરવામાં આવી અથવા તે એકાદ-બે દિવસમાં થઈ જાય તેવું આયોજન કરવામાં આવ્યું.

તા. 5 થી 10 ઑક્ટોબર સુધીના અન્ય દિવસોએ કરવા પાત્ર અન્ય પ્રવૃત્તિઓનું આયોજન પણ થઈ ગયેલ છે અને તે પ્રવૃત્તિઓ આયોજન મુજબ થઈ રહી છે. આવી પ્રવૃત્તિઓમાં જે તે વેટલૅન્ડ ખાતે સ્વચ્છતા અભિયાન (ખાસ કરીને વેટલૅન્ડસને પ્લાસ્ટિક મુક્ત કરવાનું અભિયાન) ,વિવિધ સ્પર્ધાઓ (જેમ કે ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, પોસ્ટર સ્પર્ધા, ક્વિઝ, ચર્ચા સ્પર્ધા‌) તેમ જ અન્ય કેટલીક પ્રવૃત્તિઓ જેમ કે “બર્ડ-ગાઈડ” તાલીમ, એક દિવસીય કાર્યશાળા, વેટલૅન્ડ ફિલ્મ દર્શાવવી વગેરેનું આયોજન થયેલ છે કે જેમાં જે તે વેટલૅન્ડની આસપાસની શાળાઓ તથા ગ્રામ્યજનો ભાગ લેશે.

આ તમામ (ચાર) વેટલૅન્ડસ (જળપ્લાવિત વિસ્તારો) ખાતે ઉજવણીના ભાગરૂપે કરવાની થતી વિવિધ પ્રવૃત્તિઓના આયોજન અને અમલીકરણમાં, જે તે વેટલૅન્ડ સાથે સંલગ્ન નાયબ વન અધિકારીશ્રીઓનું (જેમ કે નળ સરોવર અને થોળ અભયારણ્યના ડૉ. બ્રિજેશ ચૌધરી, ખીજડિયા અભયારણ્યના શ્રી આર. સેન્થીલકુમારન તથા વઢવાણા ખાતેના શ્રી એમ. એલ . મીણા) સક્રિય  પ્રદાન રહેલ છે. વળી, “ગીર” ફાઉન્ડેશનના નિયમકશ્રી યુ.ડી.સિંધ, આઈ. એફ.એસ દ્વારા જ્યાં જરૂર જણાય ત્યાં “ગીર” ફાઉન્ડેશનની તકનીકી સહાય થાય તેનું ધ્યાન રખાયેલ. વળી, ડૉ. કેતન ટાટુ, વરિષ્ઠ વૈજ્ઞાનિક, “ગીર” ફાઉન્ડેશન અને ગુજરાતની સ્ટેટ વેટલૅન્ડ ઑથોરિટીના વિષય નિષ્ણાંત સભ્ય દ્વારા તકનીકી/વૈજ્ઞાનિક સહાય તેમ જ સંકલનમાં સહાય કરવામાં આવી.  



(Release ID: 1761384) Visitor Counter : 439


Read this release in: English