સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

એરમાર્શલ વિક્રમસિંહ VSM એ દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે કાર્યભાર સંભાળ્યો

Posted On: 03 OCT 2021 9:12PM by PIB Ahmedabad

એરમાર્શલ વિક્રમસિંહ વિશિષ્ટ સેવા મેડલ, એ 03 ઓક્ટોબર 2021ના રોજ ગાંધીનગર ખાતે દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC)ના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (AOC-ઇન-C) તરીકે કાર્યભાર સંભાળ્યો છે. એરમાર્શલ સંદીપસિંહ અતિ વિશિષ્ટ સેવા મેડલ વાયુ સેના મેડલ, ની નિયુક્તિ હવે વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ તરીકે કરવામાં આવી હોવાથી તેમના સ્થાને વિક્રમસિંહ VSM એ આ કાર્યભાર સંભાળ્યો છે.

એરમાર્શલે તેમના આગમન બાદ, યુદ્ધ સ્મારક ખાતે પુષ્પગુચ્છ અર્પણ કર્યો હતો અને ગાંધીનગર SWAC હેડક્વાર્ટર ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

એરમાર્શલે મે 1983માં બેંગલોરની ક્રિસ્ટ કોલેજમાંથી સ્નાતક કર્યું છે અને 21 ડિસેમ્બર 1984ના રોજ ફાઇટર સ્ટ્રીમમાં તેમની નિયુક્તિ કરવામાં આવી હતી. એર ઓફિસર મિગ-21 અને મિરાજ-2000 સહિતના વિવિધ અગ્રણી એરક્રાફ્ટમાં પરિચાલન અને પ્રયોગાત્મક પરીક્ષણ ઉડાનનો બહોળો અને વૈવિધ્યપૂર્ણ અનુભવ ધરાવે છે. એરમાર્શલે ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટરનો કોર્સ, પ્રયોગાત્મક ઉડાન પરીક્ષણનો કોર્સ કર્યો છે અને દક્ષિણ આફ્રિકાના પ્રેટોરિયા ખાતેથી સ્ટાફ કોર્સમાં સ્નાતક થયેલા છે. તેમણે રાષ્ટ્રીય ઉડાન પરીક્ષણ કેન્દ્ર સહિત વિવિધ પરીક્ષણ કેન્દ્રો પર ઉડાન પરીક્ષણ ફરજો નિભાવી છે. તેમણે પશ્ચિમી મોરચે એરફોર્સ સ્ટેશનનું સંચાલન કાર્ય પણ સંભાળ્યું છે. એરમાર્શલે એર હેડક્વાર્ટરમાં વિવિધ સ્ટાફ નિયુક્તિઓમાં સેવા આપી છે અને રશિયાના મોસ્કો ખાતે એર એટેચ રહી ચુક્યા છે. તેમણે એકીકૃત સંરક્ષણ સ્ટાફ હેડક્વાર્ટર્સ ખાતે પણ સેવા આપી છે અને એર હેડક્વાર્ટર્સ ખાતે આસિસ્ટન્ટ ચીફ ઓફ એર સ્ટાફ (પ્લાન્સ) હતા. એરમાર્શલે વર્તમાન નિયુક્તિ સંભાળી તે પૂર્વે પશ્ચિમી એર કમાન્ડમાં વરિષ્ઠ એર સ્ટાફ ઓફિસર તરીકે સેવા આપી રહ્યા હતા.

તેમણે આપેલી વિશિષ્ટ સેવા બદલ, તેમને વિશિષ્ટ સેવા મેડલથી પુરસ્કૃત કરવામાં આવ્યા છે. એરમાર્શલે ડૉ. આરતીસિંહ સાથે લગ્ન કર્યા છે.

SD/GP/JD


(Release ID: 1760666) Visitor Counter : 130