સંસ્કૃતિ મંત્રાલય
azadi ka amrit mahotsav

શિહોર ખાતે આઝાદીનો અમૃત મહોત્સવ નિમિત્તે ચિત્ર પ્રદર્શનનું થયું ઉદ્ધાટન


સ્વતંત્રતા સંગ્રામ અને સ્વાતંત્ર્ય સેનાનીઓની જાણકારી સાથેના દુર્લભ ફોટોગ્રાફ્સનું પ્રદર્શન

આઝીદીની ગાથાને વર્ણવતું ચિત્ર પ્રદર્શન બાળકો અને યુવાપેઢીમાં રાષ્ટ્રપ્રેમ ઉભો કરશે

Posted On: 02 OCT 2021 6:30PM by PIB Ahmedabad

આઝાદીના અમૃતમહોત્સવની ઉજવણીના ભાગરૂપે લોકોમાં સ્વાતંત્ર્ય સંગ્રામની એ ચળવળની ઝાંખી કરાવતું અને સ્વાતંત્ર્ય સેનાનીઓની સચિત્ર જાણકારી આપતું ચિત્ર પ્રદર્શનનું  શિહોર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જે ખરેખર આનંદની વાત છે અને ચિત્ર પ્રદર્શનનું આયોજન એ અભિનંદનને પાત્ર છે. કેમ કે આઝાદીની લડાઇ અને એ લડાઇને લડનારા સ્વાતંત્ર્યવીરોના બલિદાનને યાદ રાખવા અને આવનાર પેઢીને પણ તેની જાણકારી આપતી રહેવી તે આપણા સૌની ફરજ છે. આઝાદીની ગાથાને વર્ણવતું ચિત્ર પ્રદર્શન બાળકો અને યુવાપેઢીમાં રાષ્ટ્રપ્રેમ ઉભો કરશે..શિહોર ખાતે આઝાદીનો અમૃત મહોત્સવ નિમિત્તે આયોજીત ચિત્ર પ્રદર્શનના ઉદધાટન સમારોહમાં શિહોર નગરપાલિકા પ્રમુખશ્રી વિક્રમભાઇ નકુમે આ વાત કહી હતી.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જુનાગઢ દ્વારા ભાવનગર જિલ્લાના શિહોરના નગરપાલિકા હોલ ખાતે આયોજીત ચિત્ર પ્રદર્શનને ગાંધી જયંતિના પાવન અવસરે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. ઉદઘાટન સમારોહમાં  ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભરતસિંહ ગોહિલ, ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી મુકેશભાઇ લંગાળીયા, શિહોર નગરપાલિકા પ્રમુખશ્રી વિક્રમભાઇ નકુમ, આઇએએસ અધિકારી શ્રી જયંત કિશોર મન્કલે,શિહોર ચીફઓફિસર શ્રી કે.કે.સોલંકી, દાણીધરીયાના મહંતશ્રી વિષ્ણુબાપુ તેમજ શિહોર નગરપાલિકાના ઉપપ્રમુખ તેમજ વિરોધપક્ષના નેતા તેમજ સામાજીક આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. દેશના પ્રથમ પજ્ઞાચક્ષુ આઇએએસ અધિકારીશ્રી  જયંત કિશોરે પ્રેરક ઉદબોધન કરતાં ગાંધી વિચારો અને મૂલ્યોને વાગોળ્યા હતા. સાથે જ બાપુના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા ચાલી રહેલ સ્વચ્છ ભારત અભિયાનમાં સૌને જોડાઇ જઇ અભિયાનને સફળ બનાવવાના હાંકલ કરી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જુનાગઢના અધિકારી શ્રી દેવેન્દ્ર ત્રિવેદીએ  જણાવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવ વિષયને લઇને તૈયાર કરેલા આ ચિત્ર પ્રદર્શનમાં આઝાદી માટેના સંધર્ષના મુખ્ય સીમાચિન્હો જેવાંકે અસહકારનું આંદોલન, સવિનય કાનુનભંગ, દાંડીકૂચ, ભારત છોડો આંદોલન વગેરે આઝાદીની ચળવળો તેમજ મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, નેતાજી સુભાષચંદ્ર બોઝ જેવાં આઝાદીના ચળવળમાં ભાગલેનાર અને દેશને આઝાદી અપાવવામાં તેમનું યોગાદન દેનાર એ સ્વાતંત્ર સેનાનીઓ, રાષ્ટ્રિય નેતાઓને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યાં છે. સાથેજ ગાંધીજીનું સમગ્ર જીવન-કવન તસવીર અને તારીખ સાથે રજૂ કર્યું છે. તેમજ સ્વચ્છ ભારત અભિયાનને પણ આ પ્રદર્શનનો એક ભાગ બનાવવામાં આવ્યો છે. દેશભરમાં ચાલી રહેલ આઝીદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં દેશનો પ્રત્યેક નાગરિક જોડાય અને આ મહોત્સવ જન-જનનો મહોત્સવ બને તે આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય હોવાનું જણાવ્યું હતું.

કાર્યક્રમના ભાગરુપે આયોજિત કરેલ ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામો આપી પુરસ્કૃત કરાયા હતાં. આ પ્રસંગે નગરપાલિકા દ્વારા સફાઇમિત્ર સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિહોરના સારી કામગીરી કરનાર સફાઇકર્મીઓને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિ પત્ર અને સફાઇકીટ આપી સન્માનિત કરાયા હતાં. કાર્યક્રમના અંતે સૌએ સ્વચ્છતાના શપથ લીધા હતાં.ઉલ્લેખનીય છે કે શિહોર નગરપાલિકા હોલમાં આયોજીત આ ચિત્ર પ્રદર્શન 2 થી 3 ઓક્ટોબર બે દિવસ સુધી સવારે 10.00 થી સાંજના 06.00 કલાક સુધી જાહેર જનતા માટે ખુલ્લુ રાખવામાં આવશે.

SD/GP/JD


(Release ID: 1760397) Visitor Counter : 598