સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય

કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી શ્રી નારાયણ રાણેએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવાની સાથે વ્યક્ત કર્યો ધન્યતાનો ભાવ


કેન્દ્રીય મંત્રીશ્રી રાણેની સાથે કોયર બોર્ડના અધ્યક્ષશ્રી ડી. કપ્પુરામુ-સચિવશ્રી ઉપરાંત બોર્ડના સભ્યશ્રીઓ પણ મુલાકાતમાં જોડાયાં

Posted On: 27 SEP 2021 5:33PM by PIB Ahmedabad

કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી શ્રી નારાયણ રાણેએ આજે નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવાની સાથે ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ શ્રી રાણેએ 45માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હૃદયસ્થાનેથી અદભૂત નજારો પણ માણ્યો હતો. તદ્દઉપરાંત વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. શ્રી રાણે સાથે કોયર બોર્ડના અધ્યક્ષશ્રી ડી. કપ્પુરામુ, સચિવશ્રી તેમજ બોર્ડના સભ્યશ્રીઓ પણ મુલાકાતમાં જોડાયાં હતાં. મુલાકાત દરમિયાન નાયબ કલેક્ટરશ્રી નિલેશ દુબેએ મંત્રીશ્રી રાણેને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની ટેકનીકલ વિગતોથી વાકેફ કરી જરૂરી જાણકારી પુરી પાડી હતી.

નાયબ કલેક્ટરશ્રી નિલેશ દુબેએ કેન્દ્રીય મંત્રીશ્રી નારાયણ રાણેને SOUADATGA તરફથી સ્મૃતિ ચિન્હ રૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ અને કોફી ટેબલ બુક અર્પણ કરી હતી.

કેન્દ્રીય મંત્રી શ્રી નારાયણ રાણેએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું એક ખુબજ દૂરંદેશીથી નિર્માણ પામેલું અને સ્થાપત્યની દ્રષ્ટિએ અજોડ સ્મારક છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિથી તે આકાર પામ્યું છે. ભારતમાં (કેવડિયા ગુજરાત) વિશ્વની સહુથી મોટી પ્રતિમા છે અને આપણા માટે ગર્વની વાત છે. જેમના લીધે અજોડ પ્રતિમા સાકાર થઈ સમગ્ર ટીમને અભિનંદન આપું છું. સ્ટેચ્યુ ઓફ યુનિટીની જાળવણી અને તેને નવી ઉંચાઈઓ સુધી લઈ જતા વિકાસ માટે પ્રયત્નશીલ સહુનો આભાર માનું છું.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ કેન્દ્રીય મંત્રીશ્રી રાણેએ કેવડિયા કોલોની ખાતે યોજાયેલી કોયર બોર્ડની બેઠકમાં પણ ભાગ લીધો હતો.

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1758624) Visitor Counter : 164