યુવા બાબતો અને રમત મંત્રાલય

રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાતના એક અધિકારી અને એક સ્વયંસેવકને રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા

Posted On: 25 SEP 2021 3:26PM by PIB Ahmedabad

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે ગઈકાલે 24 સપ્ટેમ્બર, 2021ના રોજ વર્ચ્યુઅલ સમારોહમાં વર્ષ 2019-20 માટે રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કારો પ્રદાન કર્યા હતા. ગુજરાતના એક અધિકારી અને એક સ્વયંસેવકને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ પુરસ્કાર એનાયત થયા હતા. જેમાં ગુજરાતના ગાંધીનગરની સરકારી વિજ્ઞાન કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના કાર્યક્રમ અધિકારી ડૉ. ઉમેશ પોપટ તરપદા અને અમદાવાદની વિશ્વકર્મા એન્જીનીયરીંગ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના સ્વયંમસેવક સુશ્રી ઝંખના ઉદય જોષીનો સમાવેશ થાય છે.

ડૉ. ઉમેશ પોપટ તરપદાના નેતૃત્વમાં સ્વયંસેવકોએ દત્તક લીધેલા ગામડાઓમાં ઉત્તમ કામગીરી હાથ ધરી હતી. તેમણે 11 રક્તદાન શિબિર અને 27 સ્વાસ્થ્ય શિબિરોનું આયોજન કર્યું હતું તેમજ 854 વૃક્ષોનું રોપણ કર્યું હતું. સાથે જ 10 વિભિન્ન સરકારી યોજનાઓ વિષે જાગૃકતા ફેલાવવા 351 પરિવારોનો સર્વે કરેલો. સ્વયંસેવકોએ સામાજિક અને આર્થિક રીતે નબળા પરિવારોના ધોરણ 1થી 7ના બાળકોને ભણાવવાનું કાર્ય પણ કર્યું હતું.

 

સુશ્રી ઝંખના ઉદય જોષીએ રાષ્ટ્રીય સેવા યોજના સ્વયંસેવકોને પ્રોત્સાહિત કર્યા અને તેમની ટીમે ગરીબ બાળકોને શિક્ષિત કરવામાં સહયોગ પ્રદાન કર્યો. તેમણે ગરીબ બાળકો માટે જુના કપડાં, પુસ્તકો, રમકડાં વગેરે એકત્રિત કરીને જરૂરિયાતમંદ લોકોમાં વિતરણ કર્યું હતું. તેમણે શરુ કરેલી પહેલ હેઠળ સ્વયંસેવકોએ 'ધીસ સમર ફોર બર્ડ્સ' નામનો એક કાર્યક્રમ આયોજિત કરીને ગરમીની ઋતુમાં પક્ષીઓની સંભાળ રાખી હતી.

વર્ષ 1993-94માં રાષ્ટ્રીય સેવા યોજનાના રજત જયંતી વર્ષ નિમિત્તે યુવા બાબતો અને રમત મંત્રાલય દ્વારા એનએસએસ પુરસ્કારોની સ્થાપના કરવામાં આવી હતી. આ પુરસ્કારોનો હેતુ યુનિવર્સિટીઓ/કોલેજો, (+2) પરિષદો અને વરિષ્ઠ માધ્યમિક, એનએસએસ એકમો/પ્રોગ્રામ અધિકારીઓ અને એનએસએસ સ્વયંસેવકો દ્વારા કરવામાં આવેલ સ્વૈચ્છિક સમુદાય સેવા માટે ઉત્કૃષ્ટ યોગદાનને ઓળખવા અને પુરસ્કાર આપવાનો છે.

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1758016) Visitor Counter : 184