સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

સેન્ટર ફોર કોમ્યુનિકેશન ઓફ ચાઈલ્ડ રાઈટસ અને યુનિસેફે કોવિડ-19 રસીકરણ ઝૂંબેશ અંગે ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા ઓલ ઈન્ડિયા રેડિયોના સહયોગથી વર્કશોપનું આયોજન

Posted On: 24 SEP 2021 1:45PM by PIB Ahmedabad

સેન્ટર ફોર કોમ્યુનિકેશન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ, પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી (પીડીઈયુ), અને  યુનિસેફ ના સંયુક્ત ઉપક્રમે અને ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા ઓલ ઈન્ડિયા રેડિયોના સહયોગથી કોવિડ-19 રસીકરણ ઝૂંબેશ અંગે વર્કશોપનું આયોજન કર્યું હતું.

વર્કશોપનો ઉદ્દેશ ગુજરાતના વિવિધ જીલ્લાઓના ઓલ ઈન્ડિયાના રેડિયોના કર્મચારીઓમાં હાલમાં ચાલી રહેલી રસીકરણ ઝૂંબેશ અંગે જાગૃતિ વધારવાનો અને કોવિડ-19 સંબંધિ યોગ્ય વર્તણુંકનું પાલન ચાલુ રહે તે અંગે જાગૃતિ માટેનો હતો.

 

સમારંભમાં હાજરી આપનારને સંબોધન કરતાં ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સ્ટેટ ઈમ્યુનાઈઝેશન ઓફિસર ડો. જાનીએ સંપૂર્ણ રસીકરણના મહત્વ અંગે જણાવ્યું હતું કે સુરક્ષા માટે રસીના બંને ડોઝ લેવા જરૂરી છે. મને જણાવતાં આનંદ થાય છે કે કોવિડ રસીકરણ બાબતે વધુ વસતિ ધરાવતા અગ્રણી રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે. તેમણે રસીકરણ અંગેની માન્યતાઓ અને ખોટા ખ્યાલો દૂર કરવા માટે હકિકતો અને તર્ક પૂરો પાડવામાં મિડીયાના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.

યુનિસેફના હેલ્થ સ્પેશ્યાલિસ્ટ ડો. નારાયણ ગાંવકરે જણાવ્યું કે યુનિસેફ સમયસર ટેકનિકલ માહિતી પૂરી પાડીને તથા વ્યૂહાત્મક ભાગીદારી મારફતે લોકોની જરૂરિયાતો અંગે સાનુકૂળતા ઉભી કરીને રસીકરણ અંગે જાગૃતિ વધારવામાં ગુજરાત સરકારને સહયોગ આપી રહ્યું છે.

યુનિસેફના કોમ્યુનિકેશન, એડવોકસી અને પાર્ટનરશીપ સ્પેશ્યાલિસ્ટ કુ. મોઈરા દાવાએ જણાવ્યું હતું કે હાલની રસીકરણ ઝૂંબેશમાં રેડિયો પાર્ટનર્સ  કેવી રીતે સહાય કરી શકે તે અંગે વાત કરતાં જણાવ્યું હતું કે યુનિસેફના પ્રયાસોથી યુવાનો અને સેલિબ્રિટીઝને સામેલ કરીને મોટાપાયે રસીકરણ ઝૂંબેશને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. સાથે સાથે તેમણે સલાહ આપી હતી કે લોકોએ માહિતી વહેતી કરતાં પહેલાં કાળજી રાખવાની જરૂર છે અને ઓફિશ્યલ વેબસાઈટ અને સોશ્યલ મિડીયા હેન્ડલ, સરકારી વિભાગો, યુનિસેફ અને વિશ્વ આરોગ્ય સંસ્થા જેવા અધિકૃત સ્રોતો મારફતે માહિતી અંગે ચકાસણી કરવી જોઈએ.

વર્કશોપમાં સામેલ થનારને સંબોધન કરતાં યુનિસેફના ચાઈલ્ડ પ્રોટેક્શન સ્પેશ્યાલિસ્ટ શર્મિલા રે સલામત રીતે શાળાઓ ખોલવા અંગે જણાવ્યું હતું કે શાળાઓ એવું સ્થળ છે કે જ્યાં બાળકોને માત્ર શિક્ષણ નહીં, પણ એકંદર આરોગ્યનો પણ ખ્યાલ રખાય છે. શાળાઓ કોવિડ નિવારણના યોગ્ય પ્રયાસો સાથે ખૂલે તે જરૂરી છે.

વર્કશોપ દરમ્યાન એક પેનલ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની વિમેન ડોક્ટર્સ વીંગના ચેરપર્સન ડો. મોના દેસાઈ અને નિયોનેટોલોજીસ્ટ ડો. આશિષ મહેતાએ ગુજરાતમાં કોવિડ રસીકરણ ઝૂંબેશમાં ખાનગી ક્ષેત્ર કેવી રીતે સહયોગ આપી શકે, કોવિડ-19ને નિયંત્રિત કરવાના પગલાં, રસી લેવામાં ખંચકાટ કેવી રીતે દૂર કરવો તથા શાળામાં બાળકોની સલામતી માટે માતા-પિતા કેવી સાવચેતી રાખી શકે તે અંગે વાત કરી હતી. ડો. દેસાઈએ મહિલાઓને અનુરોધ કર્યો હતો કે પોતાના પરિવારની સંભાળ લેવા માટે શક્ય તેટલી વહેલી રસી લેવી જોઈએ. ડો. મહેતાએ જણાવ્યું હતું કે રસી સંપૂર્ણપણે સલામત છે. સગર્ભા મહિલાઓએ પણ રસી લેવી જોઈએ, કારણ કે રસીના કારણે ગર્ભમાં રહેલા બાળકની સુરક્ષા થાય છે.

વર્કશોપનું સંચાલન પ્રોફેસર પ્રદીપ મલ્લિક, સીસીસીઆર લીડ, પીડીઈયુએ કર્યું હતું. વર્કશોપમાં ઓલ ઈન્ડિયા રેડિયોના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ શ્રી એન એલ ચૌહાણ, ડેપ્યુટી ડિરેક્ટર ન્યૂઝ શ્રી નવલસંગ પરમાર, ડેપ્યુટી ડિરેક્ટર ન્યૂઝ, શ્રી જગદીશ પાટડીયા, આસિસ્ટન્ટ ડિરેક્ટર ન્યૂઝ શ્રી યોગેશ પંડ્યા, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) ના ડો. મોના દેસાઈ, નેશનલ નિયોનેટોલોજી ફોરમ (એનએનએફ) ના ડો. આશિષ મહેતા, પીડીઈયુના પ્રોજેક્ટ એસોસિએટ, સીસીસીઆર શ્રી વેદાંત શર્મા અને સમગ્ર ગુજરાતમાંથી  ઓલ ઈન્ડિયા રેડિયોના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1757647) Visitor Counter : 218