માહિતી અને પ્રસારણ મંત્રાલય

દેશના જન-જનને લાભાન્વિત કરી રહી છે પ્રધાનમંત્રી જનધન યોજના


કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જુનાગઢ દ્વારા વેબીનાર યોજાયો

Posted On: 10 SEP 2021 3:23PM by PIB Ahmedabad

એક સપ્તાહમાં 1 કરોડ 80 લાખથી વધુ બેંક ખાતા ખોલવાનો વિશ્વ વિક્રમ સર્જનાર પ્રધાનમંત્રી જનધન યોજના માત્ર બેંકમાં ખાતુ ખોલવા પૂરતી યોજના નથી પરંતુ એકથી વધુ લાભ આપતી અને વિવિધ સરકારી યોજનાઓના સીધો લાભ મેળવવાનું માધ્યમ બની ગયેલ અતિ મહત્વની અને લોકોપયોગી યોજના સાબિત થઇ રહી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં ગુજરાત વિભાગના વડા, પીઆઇબી અને આરઓબીના એડિશનલ ડાયરેક્ટર જનરલ ડૉ. ધીરજ કાકડિયાએ 'પ્રધાનમંત્રી જનધન યોજના' વિષય પર યોજાયેલ વેબીનારને સંબોધતાં વાત જણાવી હતી. વધુમાં ડૉ. કાકડિયાએ જણાવ્યું કે ગ્રામીણ લોકો અને મહિલાઓને જે રીતે યોજનાનો લાભ મળ્યો છે તેને ધ્યાનમાં લેતાં યોજના ખરેખર વીમેન એમ્પાવરમેન્ટ અને રુરલ એમ્પાવમેન્ટની દિશામાં વર્તમાન સરકારનું એક ક્રાંતિકારી પગલું પણ સાબિત થઇ છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જુનાગઢ દ્વારા 'પ્રધાનમંત્રી જનધન યોજના' વિષય પર વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વેબીનારમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં ગુજરાત વિભાગના વડા એડિશનલ ડાયરેક્ટર જનરલ ડૉ. ધીરજ કાકડિયા, રીજનલ આઉટરીચ બ્યુરોના નિદેશક શ્રીમતી સરિતાબેન દલાલ, ભાવનગર જિલ્લાના ફાયનાન્સીયલ લિટરેસી સેન્ટરના પૂર્વ કાઉન્સીલ શ્રી કિર્તિદેવ પંડ્યા, ભાવનગરના સિદસર એસબીઆઇના બ્રાંચ મેનેજર શ્રી ડી.બી.ગોહિલ તેમજ બુધેલ એસબીઆઇ કસ્ટમર સર્વિસ પોઇન્ટના ઇનચાર્જ શ્રી ધ્રુવભાઇ ગોંડલીયા વક્તા વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. વેબીનારના ઉદ્દેશ્યને જણાવવાની સાથે પ્રધાનમંત્રી જનધન યોજનાની સાફલ્ય ગાથાને વર્ણવતા રીજનલ આઉટરીચ બ્યુરો, અમદાવાદના નિદેશક શ્રીમતી સરિતાબેન દલાલે જણાવ્યું હતું કે યોજનાને શરુ થયાને સાત વર્ષ પૂરાં થયા છે. જેમાં અત્યાર સુધીમાં 43 કરોડ 23 લાખથી વધુ લોકોના બેંક ખાતા ખૂલી ચૂક્યાં છે. જેમાં 24 કરોડથી વધુ મહિલા ખાતા ધારકો છે. યોજના મહિલાઓ માટે આશીર્વાદરૂપ બની છે. બચતનો મહિમા જાણતી મહિલાઓ બેંક ખાતામાં પોતાના નાણાં મૂકી નિરાંતની નિંદર માણી રહી છે.

મેરા ખાતા, મેરા ભાગ્ય વિધાતાના સુત્ર સાથે શરુ થયેલ યોજના સાથે દેશનો છેવાડાનો માનવી પણ સરળતાથી જોડાઇ ગયો છે. દેશના જન-જનને લાભાન્વિત કરી રહી છે પ્રધાનમંત્રી જનધન યોજના એવું કહેતાં ભાવનગર જિલ્લાના ફાયનાન્સીયલ લિટરેસી સેન્ટરના પૂર્વ કાઉન્સીલ શ્રી કિર્તિદેવ પંડ્યા જનધન યોજના અને યોજનાની સંપૂર્ણ કાર્યપ્રણાલી વિશે વિસ્તારથી માહિતી આપવાની સાથે-સાથે યોજના સાથે સંલગ્ન પ્રધાનમંત્રી અકસ્માત વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, અટલ પેન્શન યોજના જેવી વિવિધ યોજનાઓની જાણકારી અને તેનો લાભ કઇ રીતે લેવો તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભાવનગરના સિદસર એસબીઆઇના બ્રાંચ મેનેજર શ્રી ડી.બી.ગોહિલે યોજનામાં બેંક અને બેંકકર્મીઓની ભૂમિકા અંગે વાત કરતાં યોજના અંતર્ગત ખાતુ ખોલવાથી લઇને યોજના સાથે જોડાયેલ અન્ય યોજનાઓના લાભ મેળવવા માટેની તમામ કાર્યવાહી અંગે વિસ્તૃતમાં માહિતી પૂરી પાડી હતી. ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જુનાગઢના અધિકારી શ્રી દેવેન્દ્ર ત્રિવેદીએ કાર્યક્રમનું સંચાલન કરવાની સાથે પ્રધાનમંત્રી જનધન યોજનાની સિદ્ધિઓ અને યોજનાના જનઉપયોગી મહત્વપૂર્ણ પાસાઓની જાણકારી આપી હતી. વેબીનારમાં ગ્રામીણ વિસ્તારના લોકો, યોજનાના લાભાર્થીઓ, વિવિધ સંસ્થાના કર્મચારી તેમજ મોટી માત્રામાં મહિલાઓએ રસપૂર્વક ભાગ લેતાં વેબીનારનો હેતુ સાર્થક થયો હતો.

 

SD/GP/BT

 

 



(Release ID: 1753844) Visitor Counter : 246