માહિતી અને પ્રસારણ મંત્રાલય

નડિયાદ ખાતે નહેરુ યુવા કેન્દ્ર અને અમદાવાદના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો દ્વારા ગરબા અને ફાસ્ટ વોકનું આયોજન કરવામાં આવ્યું

Posted On: 02 SEP 2021 5:33PM by PIB Ahmedabad

ભારત સરકાર દ્વારા આઝાદીનાં 75 વર્ષ અનુસંધાનમાં ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ સમગ્ર ભારતમાં ઉજવાઈ રહ્યો છે. તે અંતર્ગત અનેક જગ્યાઓ પર વિવિધ રીતે ખાસ કરીને ફાસ્ટ વોક, ગરબા, વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા જેવા કાર્યક્રમોનું આયોજન કરીને ઉજવણી થઈ રહી છે. ગુજરાતમાં પણ આ ઉજવણીના ભાગરૂપે ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ ખાતે, દિવ્યાંગ બાળકો માટે કાર્યરત મૈત્રી સંસ્થા, નહેરુ યુવા કેન્દ્ર અને માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો, અમદાવાદ દ્વારા સંયુકત રીતે ગરબા અને ફાસ્ટ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું.

વોક અગાઉ મૈત્રી સંસ્થાના ડાયરેક્ટર અને પેરા ટાઇકવેનડો (સેરેબલ પાલ્સી) દિવ્યાંગ બાળકોના ઇન્ટરનેશનલ કોચ મેહુલ પરમારે જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા આઝાદીનાં 75 વર્ષની ઉજવણી ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ રૂપે થઇ રહી છે. તે આનંદની વાત છે. આ મહોત્સવ સરકાર તથા વિવિધ સંગઠનો દ્વારા સરકારશ્રીએ આપેલી રૂપરેખા મુજબ જુદી જુદી રીતે સમગ્ર ભારતમાં ઉજવાઇ રહ્યો છે. ત્યારે દિવ્યાંગ બાળકો પણ આ અમૃત મહોત્સવમાં ફાસ્ટ વોક કરી અને ગરબા દ્વારા આ મહોત્સવ કેમ ઉજવાય રહ્યો તે અંગેની જાણકારી પ્રાપ્ત કરે અને વોક કરી તેઓ પણ આ મહોત્સવમાં ભાગ લે તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

સમગ્ર ખેડા જિલ્લાના 35 ઉપરાંત દિવ્યાંગ બાળકો, નહેરુ યુવા કેન્દ્રના નડિયાદના 20 જેટલા યુવાનો અને અન્ય 15 હોદ્દેદારોએ મૈત્રી સંસ્થાથી પીજ ભાગોળ, ઘોડિયા બજાર અને સ્ટેશન સુધી ફાસ્ટ વોકમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો, અમદાવાદ દ્વારા અમદાવાદની એક સંસ્થાના કલાકાર પ્રફુલ પટેલ તથા તેમની ટીમ દ્વારા ગરબા અને હાસ્યનો કાર્યક્રમ પણ યોજાયો હતો. કાર્યક્રમ થકી કાર્યક્રમમાં ઉપસ્થિત તમામને 75 વર્ષની ઉજવણી એટલે કે આઝાદીનો અમૃત મહોત્સવ કેમ ઉજવાઈ રહ્યો છે, આઝાદી આપવામાં કોનો સિંહફાળો હતો, તે અંગેની જાણકારી કલાકાર પ્રફુલ પટેલે આપી હતી. જ્યારે આ ગ્રુપના ઠાકોરભાઈ મકવાણાએ હાસ્ય દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઝાંખી કરાવી હતી. આ કાર્યક્રમ થકી આ ઉજવણી માટે ત્રણે સંસ્થાઓએ ભાગ લીધો હતો. સંસ્થાઓએ આ કાર્યક્રમ માટે ભારત સરકારનો આભાર માન્યો હતો.

SD/GP/BT



(Release ID: 1751446) Visitor Counter : 187