મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
દેશના આર્થિક ભવિષ્યની સાથે સુપોષિત ભારતની જવાબદારી સહુ સાથે મળીને ઉપાડીએ: પોષણ પરિષદમાં કેન્દ્રના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીની હાકલ
અતિ કુપોષિત બાળકોની ઓળખ કરવાની સાથે તેમની સમુચિત પોષણ સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરવા કર્યો અનુરોધ
દેશની ૯ લાખ આંગણવાડીઓમાં ગ્રોથ મોનીટરીંગ ડીવાઈસ આપવામાં આવ્યા છે
દેશના તમામ જિલ્લાઓમાં સખી વન સ્ટોપ સેન્ટર સ્થાપવાનું આયોજન
વર્કિંગ વુમન હોસ્ટેલ માટે દેશવ્યાપી કન્વર્ઝન મોડલ બનાવવામાં આવશે
કેવડીયામાં ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા યોજાયેલ રાષ્ટ્રીય પોષણ પરિષદનું સમાપન
Posted On:
31 AUG 2021 6:04PM by PIB Ahmedabad
કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું છે કે દેશના આર્થિક ભવિષ્યની સાથે સુપોષિત ભારતની સહિયારી જવાબદારી સૌએ સાથે મળી ઉપાડવી પડશે. સમગ્ર દેશમાં આવતીકાલથી શરૂ થતા પોષણ માહને જન આંદોલન સ્વરૂપે લોક સહયોગથી ઉપાડી દેશમાંથી કુપોષણ નાબૂદ કરવા સૌને સંકલ્પબદ્ધ થવા તેમને હાકલ કરી હતી.
તેમણે ઉમેર્યું કે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ઇચ્છે છે મહિલાઓનું માત્ર સશક્તીકરણ પૂરતું નથી પરંતુ મહિલાઓ તમામ ક્ષેત્રોમાં નેતૃત્વ કરવા સક્ષમ બને તે જરૂરી છે .
કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ ઉમેર્યું કે વર્ષ ૨૦૧૦ના વિશ્વ બેન્કના રિપોર્ટ અનુસાર ભારતમાં શૌચાલયની કમીને કારણે રૂ.૨૪ હજાર કરોડનું આર્થિક નુક્શાન થયું હતું.વર્ષ ૨૦૧૮ ના અભ્યાસ મુજબ કુપોષણને કારણે જી. ડી.પી.માં ચાર ટકાનું નુકશાન થાય છે.
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની કેવડીયા ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા યોજાયેલ બે દિવસીય નેશનલ કોન્ફરન્સના સમાપન પ્રસંગે બોલી રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રી એ ઉમેર્યું કે વર્ષ ૨૦૧૮થી અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કોવિડ મહામારી વચ્ચે પણ નિર્ધારિત પ્રોટોકોલ સાથે લોક સહયોગથી ૧૬ કરોડ જેટલી પ્રવૃત્તિઓ હાથ ધરી કુપોષણ સામે જનઆંદોલન ઊભું કર્યું છે. કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ દેશના તમામ આકાંક્ષી જિલ્લાઓમાં પોષણ માસ દરમ્યાન પોષણ વાટીકા સ્થાપિત કરવા સંકલ્પબદ્ધ થવા જણાવ્યું હતું.
અતિ કુપોષિત બાળકોની ( SAM) ઓળખ કરવી એટલું પૂરતું નથી,પરંતુ આવા બાળકોની સમયસર ઉચિત સારવાર થાય તેનું લક્ષ નિર્ધારિત કરવા મંત્રીશ્રીએ જણાવ્યું હતું. દેશમાં આવા બાળકોની સંખ્યા અગાઉ ૮૦ લાખ જેટલી હતી જે હવે ઘટીને માત્ર ૧૦ લાખ રહી છે.પોષણ માસ દરમ્યાન આવા બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરીશું તો તેમને સુપોષિત બાળકની સ્થિતિમાં લાવી શકીશું તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે જણાવ્યું કે દેશના તમામ જિલ્લાઓમાં દરેક વિભાગ સાથે સમન્વય સાધીને આંગણવાડીના પાકા મકાનો બનાવવા સાથે આંતરમાળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવશે.દેશના આકાંક્ષી જિલ્લાઓમાં આ લક્ષ નિર્ધારિત કરવા તેમણે જણાવ્યું હતુ. મંત્રીશ્રીએ ઉમેર્યું કે દેશની ૧૪ લાખ આંગણવાડીઓ પૈકી ૯ લાખ આંગણવાડીઓમાં ગ્રોથ મોનીટરીંગ ડીવાઈસ આપવામાં આવી છે.જ્યારે બાકીની આંગણવાડીઓમાં પોષણ માસ દરમ્યાન મોબાઈલ આપવામાં આવશે.
મંત્રીશ્રીએ દેશના તમામ જિલ્લાઓમાં વન સ્ટોપ સેન્ટર સ્થાપવામાં આવશે તેમ જણાવતા ઉમેર્યું હતું કે વર્કીંગ વુમન હોસ્ટેલ માટે સમગ્ર દેશમાં કન્વર્ઝન મોડેલ બનાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે બાળકોના સંરક્ષણ માટે જે.જે. એક્ટમાં પણ સુધારો કરવામાં આવ્યો છે જિલ્લા કક્ષાએ બાળકોને દત્તક આપવા અંગે કલેકટરને પણ સત્તા આપવામાં આવી છે. તેમણે રાષ્ટ્રીય મહિલા આયોગ,રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગ દ્વારા મહિલાઓ અને બાળકો માટે હાથ ધરવામાં આવતી કામગીરીની વિગતો આપી હતી.
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે ગુજરાતના યજમાનપદે યોજાયેલી રાષ્ટ્રીય પોષણ પરિષદમાં સંબોધન કરતા રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે આ પરિષદમાં સ્પર્શતી બાબતોનો વ્યાપક વિચાર વિમર્શ થયો છે અને સૂચનો મળ્યા છે જે કુપોષણ મુક્ત ભારતના ઘડતરમાં ખૂબ ઉપયોગી થશે.
તેમણે પોષણ પરિષદના યજમાનપદની ગુજરાતને તક આપવા માટે અને કેવડિયાની તેના માટે પસંદગી કરવા બદલ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની અને ભારત સરકારના મંત્રાલયને ધન્યવાદ આપ્યા હતા.રાજ્યના મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ પરિષદને સફળ બનાવવા આપેલા યોગદાનને બિરદાવ્યું હતું.
આ પરિષદના વિવિધ સત્રોના વિચાર વિમર્શમાં ભારત સરકારના રાજ્ય મંત્રીશ્રી ડો.મહેન્દ્ર મુંજપરા,કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ સચિવ ઇન્દેવર પાંડે, રાજ્યના મહિલા અને બાળ વિકાસ સચિવ શ્રી કે.કે. નિરાલા,વિવિધ રાજ્યો અને સંઘ પ્રદેશોના મંત્રીશ્રીઓ અને સચિવોએ ભાગ લીધો હતો.
SD/GP/JD
(Release ID: 1750803)
Visitor Counter : 485