ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કલેકટર કચેરી, અમદાવાદ ખાતે આજે યોજાયેલ ડિસ્ટ્રિકટ ડેવલોપમેન્ટ કો.ઓર્ડિનેશન અને મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠકમાં અમદાવાદ શહેર - જીલ્લાની કામગીરીની સમીક્ષા કરતાં ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ


દિશા (જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ) મોનિટરીંગ સમિતિની બેઠકમાં કોવિડ-૧૯ની રસીકરણની સમીક્ષા કરી, અમદાવાદ શહેર-જિલ્લામાં રસીકરણ ઝુંબેશને વેગવાન બનાવી તા. ૩૦ સપ્ટેમ્બર, ર૦ર૧ સુધીમાં કોવિડ – ૧૯ના પ્રથમ ડોઝના રસીકરણમાં ૧૦૦% લક્ષ્યાંક પૂર્ણ કરવાની તાકિદ કરતાં ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ

કુદરતી ખેતી (ઓર્ગેનિક ખેતી) ને પ્રોત્સાહન આપી, જીલ્લાના ખેડૂતોને કુદરતી ખેતી તરફ વાળવા માટે હિમાયત કરતાં ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ

કુદરતી ખેતી (ઓર્ગેનિક ખેતી) માટે વિવિધ તાલુકાઓમાં સ્થાનિક વાતાવરણને અનુરૂપ મોડેલ ફાર્મ બનાવી કૃષિકારોને તેની મુલાકાત કરાવવા પર ભાર મુકતા શ્રી અમિતભાઇ શાહ

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડમાં અમદાવાદ શહેરનો ૧૦૦% લક્ષ્યાંક પૂર્ણ કરવા ડિસેમ્બર સુધીમાં આયોજન કરવા તાકીદ કરતાં ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ

જન-જનને સ્પર્શતી કલ્યાણકારી યોજનાઓના પરીણામલક્ષી અમલવારી માટે વિવિધ વિસ્તારોમાં કેમ્પ કરવા પણ કરાયેલ અનુરોધ

ગ્રામ્ય વિસ્તારોમાં મિલકત ધારકોને પ્રોપર્ટીકાર્ડ આપવાના આશયથી શરૂ કરવાના આશયથી માન.પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલ “સ્વામિત્વ ” યોજનામાં અમદાવાદ ને દેશભરમાં મોડલ જીલ્લો બનાવવા પર ભાર મુકતા શ્રી અમિતભાઇ શાહ

દિશા (જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ) મોનિટરીંગ સમિતિની બેઠકમાં અનેક જનહિતલક્ષી પ્રશ્નો પર ચર્ચા-વિમર્શ થયો

Posted On: 28 AUG 2021 7:26PM by PIB Ahmedabad

અમદાવાદ જિલ્લા કલેટર કચેરી ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભા સાંસદ શ્રી અમિતભાઇ શાહના અધ્યક્ષ સ્થાને મળેલી દિશા મોનિટરીંગ સમિતિની બેઠકમાં જિલ્લાના પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.

દિશા સમિતિની બેઠકમાં જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રી અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વિકાસકાર્યોની વિગતે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠકમાં વિભિન્ન પ્રશ્નો વિશે વિગતવાર ચર્ચા-વિમર્શ કરી તાલુકા- જિલ્લા સ્તરે સંકલન અને સમન્વય સાધીને પ્રજાના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવીને જિલ્લાના વિકાસની ગતિ આગળ ધપાવવા સૌ પ્રયત્નશીલ બને તેવા પ્રયાસ કરવા જણાવાયું હતું.

કેંદ્રીય મંત્રીશ્રીએ રસીકરણ કામગીરીની બેઠકમાં સમીક્ષા કર્યા બાદ અમદાવાદ શહેર-જિલ્લામાં રસીકરણની ઝુંબેશ ઘનિષ્ઠ રીતે હાથ ધરી ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં પ્રથમ રસીકરણ ડોઝનો લક્ષ્યાંક ૧૦૦% સિદ્ધ કરવા તાકીદ કરી હતી. સાથે સાથે સ્લમ વિસ્તારમાં અને જ્યાં રસીકરણ ઓછું થયું છે તેવા વિસ્તારોમાં ખાસ કેમ્પ કરીને રસીકરણનો વ્યાપ વધારવા સૂચન કર્યું હતું.

માં કાર્ડ સંદર્ભે કેંદ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું કે, લોકોના આરોગ્યને સ્પર્શતી આ કામગીરી સુપેરે કરાય તે જરૂરી છે. જનતાની આરોગ્ય સંભાળને લગતા વિવિધ સંસાધનોનું વ્યવસ્થાપન પણ સુંદર રીતે કરવા કેંદ્રીય મંત્રીશ્રીએ સૂચના આપી હતી. કેંદ્રીય મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આયુષ્યમાન ભારત, ઉજજ્વલા યોજના, એન.એફ.એસ.એ, વૃદ્ધ પેન્શન, વિધવા સહાય યોજના જેવી યોજનાઓનો લાભ છેવાડાના નાગરીક સુધી પહોચાડવા જે તે વિસ્તારમાં કેમ્પ કરવો ખૂબ જ જરૂરી છે.

કૃષિલક્ષી બાબતો અંગેની સમીક્ષા કરતા કેંદ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ વિસ્તારોમાં જુદા જુદા પાકો માટે અલગ વાતાવરણ હોય છે ત્યારે વિવિધ તાલુકામાં વિવિધ પાકના 'મોડેલ ફાર્મ' બનાવી ખેડૂતોને મુલાકાત કરાવવી જોઈએ. જેથી ખેડૂતો 'ક્રોપ પેટર્ન ચેન્જ' અપનાવી ઉત્પાદનમાં વૈવિધ્યપણું લાવી શકે એમ તેમણે ઉમેર્યું હતું.

કેંદ્રીય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, સ્વામીત્વ યોજનામાં દસકોઈ તાલુકાના પસંદ કરાયેલા ૧૭ ગામોમાં મોડેલ કામગીરી કરી અમદાવાદ જિલ્લો અગ્રેસર ભૂમિકા ભજવી શકે એમ છે.

ઉક્ત બેઠકમાં રાજ્ય સભાના સાંસદ શ્રી નરહરિ અમીને જણાવ્યું હતું કે, વિવિધ યોજનાઓનો લાભ મહત્તમ લોકો સુધી પહોંચે તથા જન ઔષધિ કેન્દ્રો ગ્રામ વિસ્તારમાં વધુ કાર્યાન્વિત કરાય તે સમયની માંગ છે. આ ઉપરાંત ટી.પી. યોજનાઓ, વૃધ્ધ સહાય વિધવા સહાય તથા મહાનગરપાલિકાને સ્પર્શતી યોજનાઓ ને વધુ પરિણામ લક્ષી બનાવવા અનુરોધ કર્યો હતો. 

આ બેઠકમાં અમદાવાદ પૂર્વ વિસ્તારના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, અમદાવાદ પશ્ચિમ સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી,રાજ્યના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ ગૃહ મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાંગલે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલિયા સહિત અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર ના અધિકારી પદાધિકારીશ્રીઓ દિશા સમિતિની બેઠકમાં જોડાયા હતા.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…


(Release ID: 1749976) Visitor Counter : 173