માહિતી અને પ્રસારણ મંત્રાલય

માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા નવસારી ખાતે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી કરવામાં આવી


જન-જનમાં રાષ્ટ્રભાવનાને જાગૃત કરે છે આઝાદીનો અમૃત મહોત્સવ

Posted On: 27 AUG 2021 5:51PM by PIB Ahmedabad

‘આઝાદીનો અમૃત મહોત્સવ’ અંતર્ગત ભારત સરકાર દ્વારા દેશની આઝાદીની 75 મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઇટાળવા ખાતે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જૂનાગઢ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જુનાગઢના અધિકારી શ્રી દેવેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આઝાદીના આ અમૃત મહોત્સવ અંગે જે જે વિચારો આવ્યા હતા તેને એકત્ર કરી તેને પાંચ સ્તંભમાં વિભાજીત કરી શકીએ છીએ. એક તો, આઝાદીનો સંઘર્ષ, વિચારો એટ 75, 75મા વર્ષે સિધ્ધિઓ અને 75મા વર્ષે કરવાની કામગીરી તથા 75મા વર્ષે કરવાના સંકલ્પો. આપણે આ પાંચેય બાબતોને સાથે લઈને આગળ ધપવાનું છે. ઘણાં એવા લોકો પણ હશે કે જે પેઢીઓથી કોઈને કોઈ મહાન કામ દેશ અને સમાજ માટે કરી રહયાં હશે. તેમની વિચારધારાને, તેમના વિચારોને પણ આપણે આગળ લાવવાના છે. દેશને તેમના પ્રયાસો સાથે જોડવાનો છે. આ પણ, આ અમૃત મહોત્સવની મૂળભૂત ભાવના છે.

આ અવસરે ડૉ. કિશોરભાઇ નાયક તથા શ્રી જય વશીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, આઝાદીની ચળવળના જે સ્વાતંત્ર્ય સેનાનીઓને આપણે જાણીએ છીએ તેમને આપણે શ્રધ્ધાંજલિ આપીશું, પરંતુ જે સેનાનીઓને ઈતિહાસમાં પૂરતી જગ્યા મળી નથી, પૂરતી ઓળખ મળી નથી તેમની જીવનગાથાને પણ આપણે લોકો સુધી પહોંચાડવાની છે. આપણાં દેશનું કોઈ પણ સ્થળ એવું નહીં હોય કે જ્યાં ભારત માતાના કોઈ દિકરા- દિકરીએ યોગદાન આપ્યું ના હોય, બલિદાન આપ્યું ના હોય. આ સૌના બલિદાન અને આ સૌના બલિદાનની પ્રેરક વાતો જ્યારે દેશની સામે આવશે ત્યારે તે પણ સ્વયં ખૂબ મોટી પ્રેરણાનો સ્રોત બની રહેશે. આ રીતે આપણે દેશના દરેક ખૂણે ખૂણે, દરેક વર્ગનું યોગદાન પણ દેશની સામે લાવવાનું છે.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી વાય.કે.પટેલે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં નિબંધ સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને મહાનુભવોના હસ્તે ઇનામો એનાયત કરાયા હતાં.



(Release ID: 1749604) Visitor Counter : 190